જામનગર જિલ્લામાં અષાઢી બીજ પણ કોરી ધાકોડ જતા ધરતીપુત્રો ચિંતામાં

હાલારી નવા વર્ષ અને અષાઢી બીજના પાવન પર્વે મેઘરાજાના ધમાકેદાર આગમનની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ ગુરુવારે જામનગર શહેરમાં માત્ર કેટલાક વિસ્તારોમાં…

હાલારી નવા વર્ષ અને અષાઢી બીજના પાવન પર્વે મેઘરાજાના ધમાકેદાર આગમનની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ ગુરુવારે જામનગર શહેરમાં માત્ર કેટલાક વિસ્તારોમાં સામાન્ય છાંટા પડ્યા હતા. શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાયો નહોતો, જેના કારણે અષાઢી બીજનો તહેવાર પણ કોરો જ રહ્યો હોય તેવી લાગણી નગરજનોમાં જોવા મળી હતી.

જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું રહ્યું હતું. લાલપુર તાલુકામાં આશરે 8 મી.મી., ધ્રોલમાં 4 મી.મી. અને કાલાવડમાં 1 મી.મી. વરસાદ નોંધાયો હતો, જ્યારે જામનગર, જોડિયા અને જામજોધપુર તાલુકામાં વરસાદ નોંધાયો નહોતો.

આકાશમાં વાદળછાયું વાતાવરણ હોવા છતાં સારો વરસાદ વરસ્યો ન હોવાથી ખેડૂતોમાં ચિંતા વધી રહી છે. વાવણી બાદ વરસાદ ખેંચાતા પાક માટે જરૂૂરી ભેજનો અભાવ સર્જાઈ રહ્યો છે. બીજી તરફ શહેરના નાગરિકો પણ બફારા અને ઉકળાટથી પરેશાન બન્યા છે અને હવે સૌની નજર આગામી દિવસોમાં મેઘરાજા મન મૂકીને વરસે તેની પર ટકેલી છે.

હવામાન વિભાગના આજના આંકડા મુજબ શહેરનું મહત્તમ તાપમાન 35.0 ડિગ્રી સેલ્સિયસ, લઘુત્તમ તાપમાન 28.0 ડિગ્રી સેલ્સિયસ, હવામાં ભેજનું પ્રમાણ 77 ટકા અને પવનની ગતિ પ્રતિ કલાક 13.4 કિલોમીટર નોંધાઈ હતી. ઊંચા ભેજના પ્રમાણને કારણે વરસાદી માહોલ સર્જાયો હોવા છતાં નોંધપાત્ર વરસાદ ન પડતાં લોકો હજુ પણ મેઘરાજાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

સૌની યોજનાનું પાણી છોડવા ‘આપ’ની રજૂઆત
જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. આ સંજોગોમાં જિલ્લાના સૌની યોજના લીંક-1 અને લીંક-3 હેઠળના ડેમો, તળાવો, ચેકડેમોમાં પાણી છોડવા આમ આદમી પાર્ટી ના જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડે રાજ્યના મુખ્યમંત્રીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી છે. ચાલુ વર્ષે વરસાદ ખેંચાવાને કારણે અથવા અપૂરતા વરસાદને લીધે ખેડૂતોનો કિંમતી ઊભો પાક સુકાઈ જવાને આરે છે.
જામનગર જિલ્લાના જોડીયા, જામનગર, ધ્રોલ, કાલાવડ, લાલપુર અને જામજોધપુર તાલુકાના હજારો ખેડૂતોના કૃષિ પાકને જીવતદાન આપવા માટે ’સૌની યોજના’ આશીર્વાદરૂૂપ બની શકે તેમ છે. સૌની યોજના લિંક-1 અને લિંક-3 અંતર્ગત ઊંડ-1, ઊંડ-2, ઊંડ-3, ઊંડ-4 ડેમ, કંકાવટી ડેમ, આજી-3, આજી-4 ડેમ, સપડા ડેમ, રૂૂપારેલ ડેમ, સસોઈ ડેમ, રણજીતસાગર ડેમ, રંગમતી ડેમ, વીજરખી ડેમ અને વોડીસાંગ ડેમમાં નર્મદા ના પાણી છોડવા માંગણી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *