ગત તા.6 જુલાઈના રોજ સુરત શહેરમાં ખાબકેલા અતિ ભારે વરસાદને કારણે ચારેય તરફ પાણી ફરી વળ્યા હતા. આ પૂર હોનારતને લીધે સુરતીઓને ખૂબ જ મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન અને અગવડતાઓનો સામનો કરવો પડ્યો હતો. આ મુશ્કેલ સમયમાં સુરતવાસીઓની વહારે આવીને રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. આજે મળેલી કેબિનેટ બેઠકમાં પૂર પીડિતો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે સહાય પેકેજ મંજૂર કર્યું છે, જેની સત્તાવાર જાહેરાત ગૃહ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક ખાસ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કરી હતી.
રાજ્યમાં ભારે વરસાદને કારણે જે કોમર્શિયલ વિસ્તારોમાં નુકસાન થયું છે, ત્યાં આ સહાય પેકેજ લાગુ કરવામાં આવશે. સુરતમાં ભવિષ્યમાં ફરીથી આવી પૂરની પરિસ્થિતિ ન સર્જાય તે માટે અત્યારથી જ નક્કર કામગીરી શરૂૂ કરી દેવામાં આવી છે. આ માટે થેન્નારસનની અધ્યક્ષતામાં એક વિશેષ ટીમ સુરત મોકલવામાં આવી હતી, અને હવે સુરતની ખાડીઓ પરના દબાણો સત્વરે દૂર કરવામાં આવશે. સુરત શહેર માટે સરકારે આગામી ત્રણ વર્ષ માટે વધુ 550 કરોડનું પેકેજ જાહેર કર્યું છે.
અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 500 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું, આમ સુરત માટે હવે કુલ ₹1050 કરોડ રૂૂપિયાનું રાહત પેકેજ મંજૂર થયું છે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ પેકેજ અંગેનો સત્તાવાર પરિપત્ર આજે સાંજ સુધીમાં જાહેર થઈ જશે. આમ છતાં, જો કોઈ અસરગ્રસ્તો સહાયથી બાકી રહી જશે, તો સરકાર તેમની રજૂઆતો સાંભળીને સહાય આપવા અંગે સકારાત્મક વિચારણા કરશે.
વેપારીઓ પોતાનો ધંધો ફરી ધમધમતો કરી શકે તે માટે 3 વર્ષના સમયગાળા માટે 7% ના દરે વ્યાજ સહાય સાથે લોન આપવાની પણ સરકારે જાહેરાત કરી છે. સાડા સાત લાખથી વધુ ટર્નઓવર ધરાવતા વેપારીઓ માટે 20 લાખ સુધીની લોન અને 15 લાખથી વધુ ટર્નઓવર ધરાવતા વેપારીઓ માટે 30 લાખ સુધીની લોન. વેપારીઓ માટે 5 લાખ, 10 લાખ અને 20 લાખ સુધીની વ્યાજ સહાય આપવામાં આવશે. વેપારીઓએ રોકડ સહાય અથવા વ્યાજ સહાય- આ બેમાંથી કોઈપણ એક વિકલ્પની પસંદગી કરવાની રહેશે.
પેકેજમાં વેપારીઓને 7,500 રૂૂપિયાથી લઈને 1 લાખ રૂૂપિયા સુધીની સહાય તેમજ ફરી ધંધો શરૂૂ કરી શકે તે માટે 30 લાખ રૂૂપિયા સુધીની લોન અને વ્યાજ સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ લારી-રેકડી ચલાવતા અને નુકસાન પામેલા લોકોને 7500 રૂૂપિયાની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત 40 ફૂટ સુધીની નાની કેબિન ધરાવતા વેપારીઓને 25 હજાર રૂૂપિયા અને 40 ફૂટથી વધુ કદની કેબિન ધરાવતા વેપારીઓને 50 હજાર રૂૂપિયાની સહાય આપવામાં આવશે. જ્યારે પાકી દુકાનમાં નુકસાન થયેલા વેપારીઓને 1 લાખ રૂૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવશે. આ સહાયનો લાભ છેલ્લા 3 મહિનામાં જીએસટી રિટર્ન ભરનાર વેપારીઓને મળશે.સરકારે અસરગ્રસ્ત વેપારીઓ માટે લોન સહાય યોજનાની પણ જાહેરાત કરી છે.
આ યોજના હેઠળ ત્રણ વર્ષ સુધી લોનના વ્યાજ પર 7 ટકા સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. યોજનાના માપદંડ મુજબ, જીએસટીમાં 7 લાખ રૂૂપિયા સુધીનું ટર્નઓવર ધરાવતા વેપારીઓને 20 લાખ રૂૂપિયા સુધીની લોન અને 5 લાખ રૂૂપિયા સુધીની વ્યાજ સહાય મળશે. 7.5 લાખ રૂૂપિયા સુધીના ટર્નઓવર ધરાવતા વેપારીઓને 25 લાખ રૂૂપિયા સુધીની લોન અને 8 લાખ રૂૂપિયા સુધીની વ્યાજ સહાય આપવામાં આવશે. જ્યારે 7.5 લાખ રૂૂપિયાથી વધુ ટર્નઓવર ધરાવતા વેપારીઓને 30 લાખ રૂૂપિયા સુધીની લોન અને 10 લાખ રૂૂપિયા સુધીની વ્યાજ સહાય સરકાર દ્વારા આપવામાં આવશે.
ઉચ્ચક રોકડ સહાય અથવા વ્યાજ સહાય પૈકી માત્ર કોઈ એક જ વિકલ્પ મળવાપાત્ર થશે. ઉચ્ચક રોકડ સહાય મેળવવાપાત્ર અસરગ્રસ્તોને નુકસાન સહાય માટે સરવે કરી ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી જેવા આધાર ધ્યાનમાં લઇને સહાય ચૂકવવામાં આવશે.
આવા ઉચ્ચક રોકડ સહાય મેળવવાપાત્ર અસરગ્રસ્તોએ તા. 30/09/2026 સુધીમાં સંબંધિત સુરત મ્યુનિસિપલ કમિશનરશ્રી/મામલતદારશ્રી/નગરપાલિકાના ચીફ ઓફીસરને નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે.
આવી ઉચ્ચક રોકડ સહાય મંજૂર કરવા માટે સુરત મહાનગરપાલિકાના જે-તે ઝોનના ડેપ્યુટી કમિશનરશ્રી અથવા ગ્રામ્ય વિસ્તાર માટે સંબંધિત પ્રાંત અધિકારીશ્રી અધ્યક્ષ હોય તેવી સમિતિની રચના જિલ્લા કલેકટર સુરત દ્વારા કરવામાં આવશે. જેમણે છેલ્લા ત્રિમાસિકનું જીએસટી રિટર્ન ભરેલુ હોય તેવા અસરગ્રસ્તોએ વ્યાજ સહાય મેળવવા માટેની અરજી પેકેજનો ઠરાવ થયાની તારીખથી છ માસ સુધીમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને નિયત નમૂનામાં બેંકમાંથી લોન મેળવ્યાના પુરાવા સાથે કરવાની રહેશે.
