રાજકોટ શહેરમાં રવિરત્ન પાર્ક વિસ્તારમાં વાહન ચલાવવા બાબતે થયેલી સામાન્ય તકરાર બાદ ત્રણ અજાણ્યા શખ્સોએ ટ્રાફિક બ્રિગેડના એક કર્મચારી પર જીવલેણ હુમલો કર્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદી સમીરભાઈ સલીમભાઈ જુણેજા, જેઓ ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવે છે, તે પોતાના મોટરસાયકલ પર કામ અર્થે જઈ રહ્યા હતા ત્યારે રવિરત્ન પાર્ક શેરી નં. 5 પાસે આ ઘટના ઘટી હતી.
ઘટનાના દિવસે બપોરના આશરે ચાર વાગ્યાના સુમારે, એક વાદળી રંગની કાર (જી.જે.03 એન.કે. 4045) પુરપાટ ઝડપે પસાર થઈ હતી. ફરિયાદીએ પોતાના મોટરસાયકલને બ્રેક મારતા કાર ચાલકે ગાડી રોકી હતી અને ફરિયાદીને નીચે ઉતારી અપશબ્દો બોલી માથાકૂટ શરૂૂ કરી હતી. આ સમયે કારમાંથી નીચે ઉતરેલા ત્રણ વ્યક્તિઓ પૈકી એકે ક્રિમ રંગનું ટી-શર્ટ, બીજાએ કાળા રંગનું શર્ટ અને ત્રીજાએ સફેદ રંગનું શર્ટ પહેર્યું હતું.
આરોપીઓએ ફરિયાદીને ઘેરી લીધા હતા અને ક્રિમ કલરનું ટી-શર્ટ પહેરેલા શખ્સે પોતાના હાથમાં પહેરેલા કડા વડે ફરિયાદીના માથાના ભાગે ઉપરાછાપરી ઘા કર્યા હતા.
એટલું જ નહીં, આરોપીઓએ કારમાંથી લાકડાનો ધોકો કાઢી ફરિયાદીના હાથ, પીઠ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. કાળા શર્ટધારી શખ્સે ફરિયાદીને ઢીકાપાટુનો માર પણ માર્યો હતો. હુમલાખોરોએ આટલેથી જ ન અટકતા, ફરિયાદીને ભવિષ્યમાં રસ્તામાં મળવા પર જાનથી મારી નાખવાની અને ખોટા કેસમાં ફસાવી દેવાની ગંભીર ધમકી આપી હતી.
આ સમગ્ર મામલે ફરિયાદીએ સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લીધા બાદ ગાંધીગ્રામ-2 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુન્હાની ગંભીરતાને ધ્યાને લેતા ભારતીય ન્યાય સંહિતાની કલમ 118(1), 352, 351(3), 3(5) તથા જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી છે. હાલમાં તપાસ હેડ કોન્સ્ટેબલ ગીરીરાજસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી રહી છે.
