માતાનું ટીફીન લઈ પરત ફરતાં યુવાનને આંતરી હુમલો કર્યો’તો; સારવારમાં ખસેડાયો
અમરેલીના ચિતલ ગામે 11 વર્ષ પૂર્વે પ્રેમ લગ્નની અદાવતમાં પિતાને મોતને ઘાટ ઉતારનાર હત્યારો જામીન મુકત થયા બાદ બિમાર માતાનું ટીફીન લેવા જતો હતો ત્યારે પુત્ર સહિતના શખ્સોએ કાર લઈ ધસી આવી છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. હુમલાખોર શખ્સોએ ફાયરીંગ કર્યાનો ઈજાગ્રસ્ત યુવાન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, અમરેલીના ચિતલ ગામે રહેતાં સત્યદીપસિંહ પદુભા સરવૈયા નામનો 35 વર્ષનો યુવાન રાત્રીના નવેક વાગ્યાના અરસામાં ચિતલ ગામે હતો ત્યારે ઉદય પંડયા સહિતના શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે અમરેલી તાલુકા પોલીસને જાણ કરતાં અમરેલી તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે ઈજાગ્રસ્ત યુવકનું નિવેદન નોંધ્યું હતું.
પ્રાથમિક પુછપરછમાં હુમલાખોર ઉદય પંડયાના પિતા રાજેશ પરસોત્તમભાઈ પંડયાનું પ્રેમ લગ્ન મુદ્દે તા.27-11-2011ના રોજ સત્યદીપસિંહ પદુભા સરવૈયા સહિતના શખ્સોએ મર્ડર કર્યુ હતું. જે ગુનામાં સત્યદીપસિંહ સરવૈયાને જુનાગઢ જેલમાં ધકેલાયો હતો. વર્ષ 2023માં સત્યદીપસિંહ સરવૈયા જામીન મુકત થયો હતો.
સત્યદીપસિંહ સરવૈયા બિમારી માતાનું ટીફીન લેવા જતો હતો ત્યારે પિતાની હત્યાનો બદલો લેવાના ઈરાદે ઉદય પંડયા સહિતના શખ્સો કારમાં ધસી આવ્યા હતાં અને સત્યદીપસિંહ સરવૈયાને આંતરી છરી વડે હુમલો કર્યો હોવાનો અને હુમલાખોર શખ્સોએ ફાયરીંગ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે અમરેલી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
