ટાઈફોઈડ તાવ(Typhoid Fever): કારણો, લક્ષણો, નિદાન અને સંપૂર્ણ ઉપચાર

    ચોમાસાની ઋતુ શરૂૂ થતાં જ વાતાવરણમાં ભેજ વધે છે અને તેની સાથે જ અનેક પ્રકારના ચેપી રોગોનો ફેલાવો પણ ઝડપી બને છે. આ…

 

 

ચોમાસાની ઋતુ શરૂૂ થતાં જ વાતાવરણમાં ભેજ વધે છે અને તેની સાથે જ અનેક પ્રકારના ચેપી રોગોનો ફેલાવો પણ ઝડપી બને છે. આ રોગોમાં સૌથી સામાન્ય અને ગંભીર રોગ એટલે ટાઈફોઈડ. આ રોગને તબીબી ભાષામાં ’એન્ટરિક ફીવર’ (Enteric Fever)તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનો અર્થ થાય છે ’આંતરડાનો તાવ’. તે એક ઘાતક બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે, તેને સમયસર કાબૂમાં ન લેવામાં આવે તો દર્દીના જીવ માટે જોખમ ઊભું કરી શકે છે.

ટાઈફોઈડ એ સાલ્મોનેલા ટાઈફી (Salmonella Typhi) નામના ખતરનાક બેક્ટેરિયા (જીવાણુ) દ્વારા ફેલાતો રોગ છે. આ બેક્ટેરિયા માત્ર મનુષ્યોના શરીરમાં જ જોવા મળે છે. જ્યારે કોઈ સ્વસ્થ વ્યક્તિ અજાણતા જ આ બેક્ટેરિયાથી દૂષિત થયેલો ખોરાક કે પાણી લે છે, ત્યારે આ જીવાણુઓ તેના પાચનતંત્રમાં પ્રવેશે છે.
આંતરડામાં પહોંચ્યા પછી, સાલ્મોનેલા ટાઈફી બેક્ટેરિયા ત્યાંની દીવાલોમાં ફેલાઈ જાય છે અને લોહીના પ્રવાહ (Bloodstream) માં ભળી જાય છે. લોહીના માધ્યમથી તે શરીરના અન્ય મહત્વના અંગો જેવા કે લિવર (યકૃત), પ્લીહા (Spleen), અને અસ્થિમજ્જા (Bone Marrow) સુધી પહોંચીને પોતાની સંખ્યામાં ઝડપથી વધારો કરે છે. આ પ્રક્રિયા દરમિયાન દર્દીના શરીરમાં તીવ્ર લક્ષણો દેખાવાના શરૂૂ થાય છે.

ટાઈફોઈડ ફેલાવાના મુખ્ય કારણો
ટાઈફોઈડ એ મુખ્યત્વે ગંદકી અને અસ્વચ્છતાને કારણે ફેલાતો રોગ છે. તેનો ફેલાવો નીચે મુજબના માધ્યમો દ્વારા થાય છે:
દૂષિત પાણીનો વપરાશ: ચોમાસામાં ઘણીવાર પીવાના પાણીની લાઈનોમાં ગટરનું ગંદું પાણી ભળી જવાની સમસ્યા થાય છે. આવું પાણી ઉકાળ્યા વગર પીવાથી બેક્ટેરિયા સીધા પેટમાં જાય છે.

બહારનો અસ્વચ્છ ખોરાક: લારી-ગલ્લા પર મળતો ખુલ્લો ખોરાક, દૂષિત પાણીથી બનેલી પાણીપુરી, બરફના ગોળા કે બિનઆરોગ્યપ્રદ પીણાં ટાઈફોઈડ ફેલાવવાનું સૌથી મોટું કારણ છે.

ખરાબ વ્યક્તિગત સ્વચ્છતા: જો કોઈ ટાઈફોઈડ સંક્રમિત વ્યક્તિ શૌચક્રિયા પછી પોતાના હાથ સાબુથી બરાબર સાફ ન કરે અને તે જ હાથે રસોઈ બનાવે અથવા અન્ય વસ્તુઓને અડકે, તો તે રોગ બીજા લોકોમાં ફેલાવે છે.

માખીઓ દ્વારા સંક્રમણ: ખુલ્લામાં પડેલા મળ કે કચરા પર બેસતી માખીઓ જ્યારે ઘરમાં કે બહાર રાખેલા ખુલ્લા ખોરાક પર બેસે છે, ત્યારે તે પોતાના પગ દ્વારા બેક્ટેરિયા ખોરાકમાં ભેળવી દે છે.

ટાઈફોઈડના લક્ષણો
બેક્ટેરિયા શરીરમાં પ્રવેશ્યા પછી તરત જ તાવ આવતો નથી. સામાન્ય રીતે લક્ષણો દેખાવામાં 7 થી 14 દિવસ (1 થી 2 અઠવાડિયા) નો સમય લાગે છે, જેને ’ઇન્ક્યુબેશન પિરિયડ’ કહેવાય છે. ટાઈફોઈડના લક્ષણો ધીમે-ધીમે વધે છે અને તેને અઠવાડિયાના હિસાબે સમજી શકાય છે:

પ્રથમ અઠવાડિયું (શરૂૂઆતી તબક્કો):
સ્ટેપ-લેડર તાવ: ટાઈફોઈડનો તાવ સીડીના પગથિયાંની જેમ ધીમે-ધીમે રોજ વધતો જાય છે. સવારે તાવ ઓછો હોય અને સાંજ પડતાં જ તે 103ઓઋથી 104ઓઋ સુધી પહોંચી જાય છે.
અસહ્ય માથાનો દુખાવો અને આખા શરીરમાં કળતર થવી.
સૂકી ઉધરસ આવવી અને ગળામાં ખરાશ થવી.
ભૂખ બિલકુલ ન લાગવી અને ભારે નબળાઈનો અનુભવ થવો.

બીજું અઠવાડિયું (ગંભીર તબક્કો):
તાવ સતત ઊંચો રહે છે અને પેરાસીટામોલ આપવા છતાં ઝડપથી ઉતરતો નથી.
પેટના રોગો: આંતરડામાં સોજો આવવાને કારણે પેટ ફૂલી જાય છે અને સખત દુખાવો થાય છે. દર્દીને કાંજી જેવા પાતળા ઝાડા (Diarrhea) થાય છે અથવા કેટલાક કિસ્સામાં સખત કબજિયાત (Constipation) થઈ જાય છે.

રોઝ સ્પોટ્સ (Rose Spots): દર્દીના પેટ અને છાતીના ભાગ પર ગુલાબી રંગના ઝીણા ચામઠા દેખાય છે, જે ટાઈફોઈડની ખાસ નિશાની છે.

ત્રીજું અઠવાડિયું (કટોકટીનો તબક્કો):
જો સમયસર યોગ્ય એન્ટિબાયોટિક સારવાર ન મળે, તો ત્રીજા અઠવાડિયામાં રોગ અત્યંત જોખમી બની જાય છે:
દર્દી અર્ધબેભાન જેવી સ્થિતિમાં આવી જાય છે, જેને ’ટાઈફોઈડ કોમા’ અથવા ચિત્તભ્રમ (Delirium) કહે છે.
આંતરડાની દીવાલો એટલી નબળી પડી જાય છે કે તેમાંથી લોહી વહેવા લાગે છે (આંતરિક રક્તસ્રાવ).
આંતરડામાં કાણું પડી શકે છે (Intestinal Perforation), જે જીવલેણ સાબિત થાય છે.

ડાયગ્નોસિસ એટલે કે રોગનું નિદાન (Diagnosis)
ટાઈફોઈડના લક્ષણો અન્ય તાવ (જેવા કે મલેરિયા, ડેન્ગ્યુ કે ચિકનગુનિયા) ને મળતા આવતા હોવાથી, લોહીના પરીક્ષણો દ્વારા જ સાચું નિદાન શક્ય બને છે:

1. બ્લડ કલ્ચર (Blood Culture): તાવના પ્રથમ અઠવાડિયામાં આ ટેસ્ટ સૌથી સચોટ પરિણામ આપે છે. આમાં લોહીનો નમૂનો લઈ લેબોરેટરીમાં બેક્ટેરિયાનો ઉછેર કરીને તપાસ કરવામાં આવે છે.

2. વિડાલ ટેસ્ટ (Widal Test): આ ભારતમાં સૌથી વધુ પ્રચલિત બ્લડ ટેસ્ટ છે. જો કે, આ ટેસ્ટ રોગના બીજા અઠવાડિયા પછી જ શરીરમાં બનેલી એન્ટિબોડીઝના આધારે સાચું પરિણામ બતાવે છે.

3. ટાઈફીડોટ ટેસ્ટ (Typhidot Test): આ એક ક્વિક ટેસ્ટ છે, જે શરીરમાં સાલ્મોનેલા સામે બનેલી ઈંલખ અને ઈંલૠ એન્ટિબોડીઝની હાજરી તપાસે છે.

4. સ્ટૂલ અને યુરિન ટેસ્ટ: રોગના ત્રીજા અઠવાડિયામાં દર્દીના મળ અને મૂત્રની તપાસ કરીને પણ બેક્ટેરિયા શોધી શકાય છે.

ટાઈફોઈડની તબીબી સારવાર
ટાઈફોઈડ બેક્ટેરિયાથી થતો રોગ હોવાથી તેની સારવાર માટે એન્ટિબાયોટિક્સ દવાઓ અનિવાર્ય છે.
દવાઓનો કોર્સ: ડોક્ટર્સ સામાન્ય રીતે એઝિથ્રોમાઇસિન, સેફ્ટ્રિઆક્સોન કે સેફિક્સિમ જેવી એન્ટિબાયોટિક દવાઓ આપે છે. આ કોર્સ સામાન્ય રીતે 7 થી 14 દિવસનો હોય છે.

ભૂલ ક્યારેય ન કરવી: ઘણા દર્દીઓ 3-4 દિવસ દવા લીધા પછી તાવ ઉતરી જાય એટલે દવા બંધ કરી દે છે. આ સૌથી મોટી ભૂલ છે. આમ કરવાથી બેક્ટેરિયા શરીરમાં સંપૂર્ણ નાશ પામતા નથી અને થોડા દિવસો પછી તાવ ફરીથી ઉથલો મારે છે (Relapse), જે વધુ ખતરનાક હોય છે.

હોસ્પિટલમાં દાખલ થવું: જો દર્દીને સતત ઊલટી થતી હોય, ખોરાક ન પચતો હોય કે શરીરમાં પાણી ખૂબ ઘટી ગયું હોય, તો હોસ્પિટલમાં દાખલ કરીને નસ વાટે (IV Fluids) દવાઓ અને ગ્લુકોઝ આપવો પડે છે.

આહારનું સંચાલન
ટાઈફોઈડમાં દર્દીની પાચનશક્તિ અત્યંત નબળી થઈ ગઈ હોય છે, તેથી દવાઓની સાથે આહાર પર વિશેષ ધ્યાન આપવું જરૂૂરી છે.

શું ખાવું જોઈએ?

પ્રવાહી પદાર્થો: શરીરમાં પાણીનું સ્તર જાળવી રાખવા ઓ.આર.એસ. (ORS) નું પાણી, નાળિયેર પાણી, લીંબુ શરબત, પાતળી છાસ અને મગનું પાણી પુષ્કળ પ્રમાણમાં આપવું.

નરમ આહાર: ખૂબ જ નરમ રાંધેલી મગની દાળની ખીચડી, રાબ, સાબુદાણાની કાંજી અને દાળ-ભાત.
ફળો: કેળા, ચીકુ અને બાફેલા સફરજન (Apple Puree) જેવા ફળો જે સરળતાથી પચી જાય અને તાત્કાલિક શક્તિ આપે.

શું ન ખાવું જોઈએ?
તેલવાળો અને મસાલેદાર ખોરાક: તળેલું ગૂગળું, મરચું, ગરમ મસાલા, અથાણાં અને ફાસ્ટ ફૂડ બિલકુલ ન આપવા.

રેસાવાળો ખોરાક: કાચા શાકભાજી કે સલાડ ન આપવા, કારણ કે ફાઈબર પાચનતંત્ર અને આંતરડા પર દબાણ વધારે છે.

ભારે અનાજ: મકાઈ, બાજરી કે અડદની દાળ જેવો પચવામાં ભારે ખોરાક ટાળવો.
ઘરેલું ઉપચારો જે રિકવરી ઝડપી બનાવે છે

નોંધ: ઘરેલું ઉપચાર એ દવાનો વિકલ્પ નથી, પણ તે દવાની સાથે શરીરને શક્તિ આપવાનું કામ કરે છે.

તુલસી અને કાળા મરી: 5-7 તુલસીના પાન અને 2 કાળા મરીને પાણીમાં ઉકાળીને પીવાથી તાવની તીવ્રતા ઓછી થાય છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે.

લવિંગનું પાણી: પાણીમાં થોડા લવિંગ ઉકાળીને તે પાણી ગાળીને દિવસ દરમિયાન પીવાથી આંતરડાનો સોજો ઉતરે છે અને ઉબકા આવતા બંધ થાય છે.

કાળી દ્રાક્ષ (મુનક્કા): પલાળેલી કાળી દ્રાક્ષ ખાવાથી તાવના કારણે આવેલી શારીરિક નબળાઈ ખૂબ ઝડપથી દૂર થાય છે.

ટાઈફોઈડ કેરિયર (Typhoid Carrier) એટલે શું?
ટાઈફોઈડના કેટલાક દર્દીઓ (આશરે 2% થી 5%) એવા હોય છે જે સારવાર લીધા પછી સંપૂર્ણ સાજા થઈ જાય છે, પરંતુ બેક્ટેરિયા તેમના પિત્તાશય (Gallbladder) માં જીવતા રહી જાય છે. આવા લોકોને ’ટાઈફોઈડ કેરિયર’ કહે છે. આ વ્યક્તિઓને પોતાને કોઈ તાવ કે લક્ષણ હોતા નથી, પરંતુ તેઓ પોતાના મળ અને મૂત્ર દ્વારા આ બેક્ટેરિયા સતત બહાર કાઢતા રહે છે. જો આવો વ્યક્તિ સ્વચ્છતા ન રાખે, તો તે અજાણતા જ બીજા હજારો લોકોને આ રોગનો ભોગ બનાવી શકે છે.

ટાઈફોઈડથી બચવાના રામબાણ ઉપાયો
ટાઈફોઈડ એક અટકાવી શકાય તેવો રોગ છે, જો નીચેની બાબતોની કાળજી રાખવામાં આવે:

1. પાણીની શુદ્ધતા: હંમેશા પાણી ઉકાળીને અથવા છઘ ફિલ્ટરનું જ પીવું. બહાર મુસાફરી દરમિયાન માત્ર સીલબંધ બોટલના પાણીનો આગ્રહ રાખવો.

2. હાથ ધોવાની આદત: જમતા પહેલા, રસોઈ બનાવતા પહેલા અને શૌચાલયનો ઉપયોગ કર્યા પછી હાથ સાબુ અને પાણીથી 20 સેક્ધડ સુધી બરાબર ઘસીને ધોવા.

3. ખોરાકની સુરક્ષા: ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જેથી માખીઓ ન બેસે. શાકભાજી અને ફળોને વાપરતા પહેલા સ્વચ્છ પાણીથી બરાબર ધોવા.

4. રસીકરણ (Vaccination: ટાઈફોઈડથી બચવા માટેની અત્યંત અસરકારક રસીઓ (જેમ કે Typhoid Conjugate Vaccine – TCV) બજારમાં ઉપલબ્ધ છે. બાળકોને 6 મહિનાની ઉંમર પછી આ રસી અપાવી દેવાથી તેઓ લાંબા સમય સુધી આ રોગથી સુરક્ષિત થઈ જાય છે. પુખ્ત વયના લોકો પણ ડોક્ટરની સલાહ મુજબ આ રસી લઈ શકે છે.

ટાઈફોઈડ એ આપણી નાની અસ્વચ્છ આદતો અને દૂષિત વાતાવરણને કારણે થતી ગંભીર બીમારી છે. ચોમાસા દરમિયાન આ રોગચાળો વ્યાપક બને છે. જો ઘરમાં કોઈને પણ 3 દિવસથી વધુ સતત તાવ રહે, તો પોતાની જાતે મેડિકલ સ્ટોરમાંથી એન્ટીબાયોટીક લાવીને ખાવાને બદલે તરત જ કોઈ સારા ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. પૂરતો આરામ, સચોટ દવાઓનો કોર્સ અને હળવો આહાર જ દર્દીને ટાઈફોઈડમાંથી સહીસલામત બહાર લાવી શકે છે. સ્વચ્છતા જાળવો, સુરક્ષિત રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *