વસતી અને વિકાસ વચ્ચેનું સંતુલન

આજે ભારત વિશ્વના સૌથી યુવાન દેશોમાંનો એક છે. કરોડો યુવાનોની શક્તિ, તેમની સ્કિલ તેમજ તેમના સપનાઓ ભારતને એક નવી ઉંચાઈએ લઈ જઈ શકે છે. છતાં…

આજે ભારત વિશ્વના સૌથી યુવાન દેશોમાંનો એક છે. કરોડો યુવાનોની શક્તિ, તેમની સ્કિલ તેમજ તેમના સપનાઓ ભારતને એક નવી ઉંચાઈએ લઈ જઈ શકે છે. છતાં આ શક્તિ ત્યારે જ દેશ માટે આશીર્વાદ સાબિત થાય જયારે તેને યોગ્ય દિશા, શિક્ષણ અને જરૂૂરી તકો મળે. એમાં પણ જો વસતી વધારો વિકાસ કરતા વધુ ઝડપે થાય તો એ જ શક્તિ અનેક સમસ્યાઓનું કારણ પણ બની શકે છે.

આજનો યુવાન ઘણીવાર સરકાર કે સમાજને દોષ આપતો જોવા મળે છે, હકીકતમાં પરિવર્તનની શરૂૂઆત પોતાની જાતથી જ થાય છે. ઇતિહાસમાં જે જે લોકો ક્રાંતિ લાવ્યા છે તેમાં સરકાર હિસ્સો લેવાને બદલે અવરોધ ઉભી કરતી જ દેખાશે. અહીં મારો કહેવાનો મતલબ એ જ છે કે આપણે ક્યાં સુધી દોષારોપણ કર્યા કરીશું? કોઈપણ ઇતિહાસ રચનાર કોઈ સામાન્ય નાગરિક જ હોય. આજે આપણે ભારતના ઈતિહાસકારોને ભૂલવા લાગ્યા છીએ અને એકબીજા પર સતત આરોપો લગાવવા લાગ્યાં છીએ. સરકાર કે બીજાને દોષ દેવા કરતા આપણે આપણાં દેશ માટે કેટલા કર્તવ્યોનું પાલન કે કાયદાઓનું પાલન કરીએ છીએ એ વધુ મહત્વનું છે.

પૃથ્વી પર માત્ર ભીડ વધારવાથી વિકાસ નહીં થઈ શકે. જો આપણે આપણા જીવનમાં હંમેશા બીજાને બોજારૂૂપ થાય એવા જ કાર્યો કર્યા હશે તો પૃથ્વી માટે ફક્ત એક બોજો જ છીએ. આમ પણ વસતી વધારાનો સૌથી મોટો પ્રભાવ પર્યાવરણ પર પણ પડે છે. જેમકે વધુ લોકો એટલે વધુ વાહનો, વધુ ઉદ્યોગો અને વધુ કુદરતી સંસાધનોનો ઉપયોગ જેવા અનેક પરિબળો નુકસાનકર્તા પણ છે. જેમકે જંગલોનો નાશ, પાણીના સ્ત્રોતો સુકાવા, પ્રદૂષણો વધવા જેવી અનેક આફતો આવે છે. મોટાભાગની આફતોના જવાબદાર આપણે ખુદ જ છીએ. તેથી જ જો આપણે કુદરતને બચાવવી હોય તો જવાબદાર જીવનશૈલી અપનાવવી જ પડશે.

આજે વિશ્વની વસતી અબજોનો આંકડો પાર કરી ચૂકી છે અને સતત વઘી રહી છે. એમાં પણ ભારત વિશ્વના સૌથી વધુ વસતી ધરાવતા દેશોમાં અગ્રેસર છે. યુવાનોની મોટી સંખ્યા આપણાં દેશની સૌથી વધુ તાકાત બની શકે છે. આ માટે સરકારે શિક્ષણ અને રોજગારીની તકોને પૂરતુ મોકળાશ આપવી જોઈએ. વર્ષો વીતી ગયા પણ શિક્ષણ પદ્ધતિમાં કોઈ ખાસ સુધારો થતો જ નથી. ગોખણિયું જ્ઞાન આજના યુવાનોને પ્રેક્ટિકલથી કોસો દૂર જ રાખે છે. સત્ય તો એ છે કે દરેક કોલેજમાંથી કારીગરો બહાર નીકળે છે, કોઈ સંશોધક નહીં.

વસતી જો આમ જ અનિયંત્રિત રીતે વધતી જશે તો વિકાસની ગતિ જરૂૂર ધીમી પડી શકે છે. આજે શહેરોમાં વધતી ગીચતા, ટ્રાફિકની સમસ્યા, પાણીની અછત, યુવા બેરોજગારી તેમજ પર્યાવરણ પ્રદૂષણ જેવા વિકટ પ્રશ્નો પાછળ વસતી વધારો એક મહત્વપૂર્ણ કારણ છે. આ મુદ્દા માટે સરકારે અને આમ નાગરિકે ગંભીરતા વહોરવી અતિ આવશ્યક છે.

વિશ્વ વસતી દિવસનો મુખ્ય સંદેશ એ છે કે પરિવારનું આયોજન, મહિલાઓનું સશક્તિકરણ અને યોગ્ય શિક્ષણ દ્વારા સમાજમાં સંતુલિત વિકાસ લાવી શકાય છે. દરેક વ્યક્તિ પોતાની અંદર અસીમ શક્તિઓ અને સંભાવનાઓ લઈને જન્મે છે. આજનો સમય ફરિયાદો કરવા કરતા ફરજો નિભાવવાનો છે. વસતી વધે તે સામાન્ય છે, પણ સાથે સાથે તેની જવાબદારી પણ વધવી જ જોઈએ.

અંતમાં, સૌ સાથે મળીને એક એવો સમાજ બનાવવાનો છે, જ્યાં ભીડ નહીં પણ ભવિષ્ય દેખાય, જ્યાં સ્પર્ધા નહીં પણ સર્જનાત્મકતા દેખાય, જ્યાં સમસ્યાઓ નહીં પણ ઉકેલો જન્મે, જ્યાં બેરોજગારી નહીં પણ આત્મનિર્ભરતા દેખાય, જ્યાં બહાના નહીં પણ બહાદુરી દેખાય, જ્યાં ફરિયાદો નહીં પણ ફરજો નિભાવવાની ભાવના દેખાય, જ્યાં માત્ર સંખ્યા નહીં પણ સંસ્કાર દેખાય, જ્યાં સ્વાર્થ નહીં પણ સેવા દેખાય, જ્યાં ભય નહીં પણ વિશ્વાસ દેખાય, જ્યાં આળસ નહીં પણ અથાગ મહેનત દેખાય જ્યાં અંધકાર નહીં પણ જ્ઞાનનો પ્રકાશ દેખાય, જ્યાં પ્રદૂષણ નહીં પણ પ્રકૃતિની સંભાળ દેખાય, જ્યાં મતભેદ નહીં પણ માનવતા દેખાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *