દક્ષિણ ગુજરાતને ધમરોળી નાખતા મેઘરાજા, સુરત આખું જળમગ્ન

  પલસાણા-કામરેજમાં અંધાધૂંધ 18 ઇંચ પાણી પડયું, નવસારીમાં 15.28, સુરત શહેરમાં 14, કપરાડામાં 13 ઇંચ, 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં મોડા મંડાયેલા મેઘરાજા દક્ષિણ…

 

પલસાણા-કામરેજમાં અંધાધૂંધ 18 ઇંચ પાણી પડયું, નવસારીમાં 15.28, સુરત શહેરમાં 14, કપરાડામાં 13 ઇંચ, 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં મોડા મંડાયેલા મેઘરાજા દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં બરાબરના મંડાયા છે અને સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ સહિતના જિલ્લાઓને ધમરોળી નાખતા વાહન અને રેલ વ્યવહાર ખોરવાઇ ગયો છે. જયારે નદી-નાળા બે કાંઠે વહેવા લાગ્યા છે. તેમજ ઠેર-ઠેર રસ્તા, કોઝવે અને નાના બ્રિજના ધોવાણ થઇ ગયા છે. અસંખ્ય વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થઇ જતા અનેક વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાઇ ગયો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં જનજીવન પર વ્યાપક અસર જોવા મળી છે. રાજ્યના કુલ 195 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તેમાં 15 તાલુકામાં 7થી 18 ઈંચ સુધીનો અતિભારે વરસાદ વરસ્યો છે, જ્યારે 38 તાલુકામાં 2થી 6.50 ઈંચ સુધી વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવા, નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર અને વાહન વ્યવહાર પર અસર જેવી સ્થિતિ સર્જાઈ છે.

રાજ્યમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના પલસાણામાં 18.19 ઈંચ નોંધાયો છે. ત્યારબાદ કામરેજમાં 17.40 ઈંચ અને નવસારીમાં 15.28 ઈંચ વરસાદ વરસ્યો છે. સુરત શહેરમાં પણ 14.09 ઈંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. વલસાડ જિલ્લાના કપરાડામાં 12.68 ઈંચ, નવસારીના જલાલપોરમાં 11.02 ઈંચ તેમજ સુરતના બારડોલીમાં 9.37 ઈંચ વરસાદ નોંધાયો છે.

અન્ય વિસ્તારોની વાત કરીએ તો ડોલવણમાં 8.90 ઈંચ, સુરતના મહુવામાં 8.86 ઈંચ અને ડાંગ જિલ્લામાં પણ 8.86 ઈંચ વરસાદ નોંધાયો છે. ગણદેવીમાં 7.72 ઈંચ, વાલોડમાં 7.44 ઈંચ અને ચીખલીમાં 7.36 ઈંચ વરસાદ વરસ્યો છે. વ્યારામાં 6.65 ઈંચ, નાનાપોંઢામાં 6.38 ઈંચ, ઉમરપાડામાં 6.34 ઈંચ અને ચોર્યાસીમાં 6.26 ઈંચ વરસાદ નોંધાયો છે.

વધુમાં ધરમપુરમાં 5.98 ઈંચ, સોનગઢમાં 5.71 ઈંચ, વાંસદામાં 5.67 ઈંચ, વઘઈમાં 5.35 ઈંચ અને ખેરગામમાં 5.31 ઈંચ વરસાદ નોંધાયો છે. પારડીમાં 4.92 ઈંચ, માંડવીમાં 4.88 ઈંચ, ઉકાઈમાં 4.72 ઈંચ અને વલસાડમાં 4.02 ઈંચ વરસાદ વરસ્યો છે. નેત્રંગમાં 3.66 ઈંચ, નાંદોદમાં 3.58 ઈંચ, દહેગામમાં 3.50 ઈંચ, ડેડીયાપાડામાં 3.43 ઈંચ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત ઓલપાડમાં 3.07 ઈંચ, વાગરામાં 2.99 ઈંચ, ઉમરગામમાં 2.95 ઈંચ, પ્રાંતિજમાં 2.87 ઈંચ, ધનસુરામાં 2.83 ઈંચ અને હાંસોટમાં 2.76 ઈંચ વરસાદ નોંધાયો છે. સતત વરસી રહેલા વરસાદને પગલે અનેક નદી-નાળાઓમાં જળસ્તર વધ્યું છે અને સ્થાનિક તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં સતર્કતા રાખવા તેમજ જરૂૂરી સાવચેતીના પગલાં લેવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે.

 

એક સાથે 5 સિસ્ટમ સક્રિય, અનેક જિલ્લામાં વરસાદ ભૂક્કા બોલાવશે
ગુજરાતમાં ચોમાસું હવે સંપૂર્ણ જોરમાં છે. હવામાન વિભાગે રાજ્ય માટે ભારે વરસાદની નવી આગાહી જાહેર કરી છે. વિભાગના જણાવ્યા મુજબ ગુજરાત અને તેની આસપાસ એકસાથે પાંચ શક્તિશાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. તેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ઓફ-શોર ટ્રફ, શેયર ઝોન અને લો-પ્રેશર જેવી સિસ્ટમોનો સમાવેશ થાય છે. તેના કારણે આગામી દિવસોમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વ્યાપકથી લઈને અતિભારે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ ગુજરાતના તમામ બંદરો પર ત્રણ નંબરનું ચેતવણી સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હવામાન વિભાગ મુજબ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર યથાવત રહેશે. સુરત, નવસારી, વલસાડ અને દમણમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દાદરા અને નગર હવેલી, તાપી, ડાંગ તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થઈ શકે છે. અમરેલી, ગીર સોમનાથ અને ભરૂૂચ જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. વડોદરા, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં ગાજવીજ સાથે સારો વરસાદ પડી શકે છે. અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, આણંદ, નર્મદા, ખેડા, અરવલ્લી, જુનાગઢ અને બોટાદ સહિતના જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *