મુંબઇમાં ભારે વરસાદ; વડોદરાથી પસાર અનેક ટ્રેનો રદ, અમુકના રૂટ ટૂંકાવાયા

    મુંબઈમાં સતત વરસી રહેલા ભારે વરસાદે જનજીવનની સાથે રેલવે વ્યવસ્થાને પણ ગંભીર અસર પહોંચાડી છે. મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે…

 

 

મુંબઈમાં સતત વરસી રહેલા ભારે વરસાદે જનજીવનની સાથે રેલવે વ્યવસ્થાને પણ ગંભીર અસર પહોંચાડી છે. મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે અનેક સ્થળોએ રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પરિણામે મુંબઈ-અમદાવાદ-વડોદરા સહિત પશ્ચિમ રેલવેના મહત્વના રૂૂટ પર ટ્રેન વ્યવહાર સંપૂર્ણપણે પ્રભાવિત થયો છે.ભારે વરસાદને કારણે વડોદરાથી પસાર થતી કુલ 20 ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે અનેક ટ્રેનોના રૂૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને કેટલીક ટ્રેનોને નિર્ધારિત ગંતવ્ય પહેલાં જ ટર્મિનેટ કરવાની ફરજ પડી છે.

મુંબઈમાં સતત વરસાદને કારણે સફાલે, કેલવે રોડ, વસઈ રોડ અને નાલાસોપારા સહિતના વિસ્તારોમાં રેલવે ટ્રેક પર મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયું છે. ટ્રેક પર પાણીનું સ્તર વધી જતાં ટ્રેનોનું સંચાલન જોખમી બન્યું હતું. મુસાફરોની સલામતીને પ્રાથમિકતા આપતા પશ્ચિમ રેલવેએ અનેક ટ્રેનો રદ કરવાનો તેમજ કેટલીક ટ્રેનોના રૂૂટ બદલવાનો નિર્ણય લીધો હતો. રેલવે અધિકારીઓ સતત ટ્રેકની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને પાણી ઓસર્યા બાદ જ નિયમિત ટ્રેન સેવા પુન:સ્થાપિત કરવામાં આવશે.

ભારે વરસાદની સીધી અસર વડોદરા રેલવે વિભાગ પર પણ જોવા મળી છે. મુંબઈ જતી અને મુંબઈથી આવતી વડોદરાથી પસાર થતી 20 જેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે, જેના કારણે હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા મુસાફરો સ્ટેશન પર પહોંચ્યા બાદ જ ટ્રેન રદ થયાની જાણ થતાં તેઓને અન્ય પરિવહનના વિકલ્પો શોધવાની ફરજ પડી હતી.

રેલવે તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂૂપે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશથી મુંબઈ જતી કેટલીક ટ્રેનોને વાપી, બિલીમોરા, વલસાડ અને સુરત સુધી જ દોડાવવામાં આવશે. જ્યારે મુંબઈ તરફ જતી કેટલીક ટ્રેનોને સુરત ખાતે જ રોકી દેવામાં આવી છે. ત્યારબાદની મુસાફરી અંગેનો નિર્ણય ટ્રેકની સ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે.

ભારે વરસાદના કારણે અનેક મહત્વપૂર્ણ અને પ્રીમિયમ ટ્રેનોના સંચાલન પર પણ અસર પડી છે. જેમાં વંદે ભારત એક્સપ્રેસ, તેજસ એક્સપ્રેસ, કર્ણાવતી એક્સપ્રેસ, ડબલ ડેકર એક્સપ્રેસ અને દાદર-સૌરાષ્ટ્ર એક્સપ્રેસ સહિત કુલ 9 મુખ્ય ટ્રેનોના રૂૂટમાં ફેરફાર અથવા સંચાલન પર અસર થઈ છે. રેલવે તંત્ર દ્વારા સમયાંતરે અપડેટ જાહેર કરવામાં આવી રહ્યા છે.

મુસાફરોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે વડોદરા રેલવે સ્ટેશન પર તાત્કાલિક હેલ્પ ડેસ્ક શરૂૂ કરવામાં આવ્યો છે. અહીં રદ થયેલી ટ્રેનો, રૂૂટમાં ફેરફાર, રિશેડ્યૂલિંગ અને વૈકલ્પિક મુસાફરી અંગેની માહિતી આપવામાં આવી રહી છે. રેલવે અધિકારીઓ મુસાફરોને સતત સહાયતા પૂરી પાડી રહ્યા છે અને ટ્રેન સંબંધિત દરેક અપડેટ જાહેર કરી રહ્યા છે.

રેલવે તંત્રએ જણાવ્યું છે કે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં વરસાદની સ્થિતિ સામાન્ય થયા બાદ ટ્રેકનું નિરીક્ષણ કરવામાં આવશે. ટ્રેક સંપૂર્ણ સુરક્ષિત જાહેર થયા બાદ જ ટ્રેન સેવા નિયમિત કરવામાં આવશે. મુસાફરોને મુસાફરી પહેલાં પોતાની ટ્રેનની સ્થિતિ ચકાસવાની અને રેલવેની સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવાની અપીલ કરવામાં આવી છે.

 

રાજકોટ ડિવિઝનની પ્રભાવિત ટ્રેનોની યાદી
રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલકુમાર મીનાના જણાવ્યા અનુસાર 07.07.2026 ના રોજ પોરબંદરથી ઊપડનારી ટ્રેન સંખ્યા 19016 પોરબંદર દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ રદ રહેશે. 07.07.2026 ના રોજ ઓખાથી ઊપડનારી ટ્રેન સંખ્યા 19252 ઓખા વેરાવળ એક્સપ્રેસ રદ રહેશે. 08.07.2026 ના રોજ વેરાવળથી ઊપડનારી ટ્રેન સંખ્યા 19251 વેરાવળ ઓખા એક્સપ્રેસ રદ રહેશે. 09.07.2026 ના રોજ ઓખાથી ઊપડનારી ટ્રેન સંખ્યા 22946 ઓખા મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ રદ રહેશે. 07.07.2026 ના રોજ જામનગરથી ઊપડનારી ટ્રેન સંખ્યા 22924 જામનગર બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ રદ રહેશે અને 07.07.2026 ના રોજ વેરાવળથી ઊપડનારી ટ્રેન સંખ્યા 19218 વેરાવળ બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ, જેને અગાઉ સંપૂર્ણપણે રદ જાહેર કરવામાં આવી હતી, તે હવે સંપૂર્ણપણે રદ રહેશે નહીં. આ ટ્રેન તારીખ 07.07.2026 ના રોજ અમદાવાદ જંક્શનથી મુંબઈ સેન્ટ્રલ સુધી શોર્ટ ઓરિજિનેટ થઈને દોડશે. આમ, આ ટ્રેન વેરાવળ અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

જામનગર-વડોદરા ઇન્ટરસિટી એકસપ્રેસ બાજવા સ્ટેશન સુધી જશે
વડોદરા સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 4 અને 5 ના એક્સટેન્શન ના સિવિલ વર્ક વગેરે કામગીરી માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોકના કારણે પ્રભાવિત થનારી રાજકોટ ડિવિઝન સંબંધિત ટ્રેનોમાં ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઈન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન તારીખ 09 અને 10 જુલાઈ 2026 ના રોજ બાજવા સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ (આંશિક રીતે શરૂૂ) કરવામાં આવશે તથા વડોદરા-બાજવા વચ્ચે રદ રહેશે અને ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન તારીખ 09 અને 10 જુલાઈ 2026 ના રોજ બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે તથા બાજવા-વડોદરા વચ્ચે રદ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *