85 વર્ષના રેકોર્ડબ્રેક વરસાદથી સૂરત ડૂબ્યું: 3400થી વધુ લોકોનું રેસ્કયુ, 11નાં મોત

પાંચ ખાડીના પાણી ઘૂસતા કામરેજ, પલસાણા, વરાછા, ઉધના, સણિયા અને પુણાગામ સહિતના અનેક વિસ્તારોમાં ઘર-દુકાન-રસ્તા ડૂબ્યા: શાળા-કોલેજ-ટેક્ષટાઈલ માર્કેટ બંધ બચાવ કામગીરી માટે 6800 સભ્યોની ટીમ…

પાંચ ખાડીના પાણી ઘૂસતા કામરેજ, પલસાણા, વરાછા, ઉધના, સણિયા અને પુણાગામ સહિતના અનેક વિસ્તારોમાં ઘર-દુકાન-રસ્તા ડૂબ્યા: શાળા-કોલેજ-ટેક્ષટાઈલ માર્કેટ બંધ

બચાવ કામગીરી માટે 6800 સભ્યોની ટીમ ઉતારાઈ, રાત્રે એક વાગ્યે પોલીસ મનપા, કલેકટરની ઈમરજન્સી બેઠક, પૂરના પાણી ઓસરતા જ ઈમરજન્સી સફાઈ અભિયાન ચાલુ

ડાયમંડ અને ટેક્સટાઈલ સિટીની ઓળખ ધરાવતા સુરતમાં 6 અને 7 જુલાઈએ વરસેલા 18 ઈંચ વરસાદે ચારેકોર પાણી પાણી કરી દીધું. આ વરસાદે સુરત શહેરનો 24 કલાકમાં 85 વર્ષનો સૌથી વધુ વરસાદનો રેકોર્ડ તોડયો છે. શહેરમાંથી પસાર થતી પાંચમાંથી ચાર ખાડી ઓવરફ્લો થતા સ્લમ વિસ્તારથી લઈ પોશ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.બે દિવસ દરમિયાન વીજકરંટ લાગતા, ઝાડ પડતા અને વીજળી પડવાના કારણે 11 લોકોએ જીવ ગુમાવ્યો છે. તો બીજી તરફ વરસાદી પાણી દુકાનો અને ઘરમાં ઘૂસી જતા કેટલું નુકસાન થયું તેનો આંક તો પાણી ઓસર્યા બાદ જ સામે આવશે.

ગઈકાલે શહેરના અનેક વિસ્તારોમાં 11 ઇંચથી લઈને 19 ઇંચ સુધી વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ સરથાણા વિસ્તારમાં 19 ઇંચ અને વરાછામાં 18.16 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે જ સુરતે 1941માં જુલાઈ મહિનામાં નોંધાયેલા 18 ઇંચ વરસાદનો 85 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. શહેરનો એવો કોઈ વિસ્તાર નથી કે જ્યાં પાણી ભરાયું ન હોય. ફસાયેલા લોકોને ગળાડૂબ પાણીમાંથી બહાર કાઢવા માટે દરેક વિસ્તારમાં ટ્રેક્ટર અને ડમ્પરનો ઉપયોગ કરાયો હતો.

આજે પણ સુરત અને ઉપરવાસમાં વરસાદની શક્યતા હોય તંત્રએ સલામતીના ભાગરૂૂપે શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. ફોસ્ટા દ્વારા શહેરની કાપડ માર્કેટ પણ 8 જુલાઈએ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. શહેરમાં રસ્તાઓ પર એટલા પાણી હતા કે, વાહનોની જગ્યાએ બોટ ચાલતી જોવા મળી હતી. જેના કારણે 7 જુલાઈએ સિટી, BRTS અને એસટી બસના પૈડા થંભી ગયા હતા.

આ વિકટ પરિસ્થિતિ વચ્ચે સુરત મહાનગરપાલિકા અને જિલ્લા કલેક્ટર કચેરીના સંકલન સાથે NDRFની 3 અને SDRFની 4 ટીમો દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. પૂરના પાણીમાં ફસાયેલા આશરે 3400 જેટલા લોકોનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી તેઓને સલામત સ્થળોએ તેમજ કોમ્યુનિટી હોલમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે, જ્યાં તેઓને તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. બીજી તરફ, જિલ્લા ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટના નાયબ મામલતદાર સાજીદ મેરૂૂજીના જણાવ્યા અનુસાર, છેલ્લા 2 દિવસમાં વરસાદી આફતને કારણે કુલ 11 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે અને 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાં ઝાડ પડવાથી 2, વીજ કરંટ લાગવાથી 4, સચિન GIDC માં પાણીમાં ડૂબી જવાથી 2 અને કામરેજમાં ખાડીમાં તણાઈ જવાથી 1 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.

6 જુલાઈએ બપોરના 3 વાગ્યાથી સુરત શહેરમાં ધોધમાર વરસાદ શરૂૂ થયો હતો. 6 જુલાઈએ 5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ત્યારબાદ 7 જુલાઈએ સવારે ફરી ધોધમાર વરસાદ શરૂૂ થયો હતો સાંજ પડતા પડતાં વરસાદનો આંક 13 ઈંચ સુધી પહોંચી ગયો હતો. શહેરના કેટલાક ઝોન તો એવા હતા કે જ્યાં માત્ર બે કલાકના ગાળામાં 5 થી 9 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. સુરત શહેરમાં 7 જુલાઈએ સવારે 6 વાગ્યા સુધીમાં 17 ઈંચ વરસાદ વરસ્યો હતો. 7 જુલાઈએ દિવસ દરમિયાન 13 ઈંચ વરસાદ વરસતા હવે સિઝનનો 30 ઈંચ વરસાદ થઈ ચૂક્યો છે.

સુરતમાં અતિભારે વરસાદ વચ્ચે દૂધની અછત, સવારથી લાંબી લાઈનો લાગી
સુરત શહેરમાં છેલ્લા પંદર દિવસથી સતત મેઘમહેર જોવા મળી રહી છે, પરંતુ છેલ્લા 48 કલાકમાં વરસેલા અતિભારે વરસાદે શહેરના જનજીવનને ખોરવી નાખ્યું છે. અનરાધાર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને અનેક વિસ્તારોમાં આફત જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ પરિસ્થિતિમાં માત્ર જળભરાવ જ નહીં, પરંતુ જીવન જરૂૂરિયાતની ચીજવસ્તુઓની ઉપલબ્ધતા અંગે પણ લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. વરસાદની આફત વચ્ચે સૌથી મોટી સમસ્યા દૂધની અછતનો ભય છે. દૂધ ખૂટવાની ભીતિએ લોકોમાં વ્યાપક ચિંતા પ્રસરી ગઈ છે. શહેરના કતારગામ સહિતના વિવિધ વિસ્તારોમાં દૂધ લેવા માટે દુકાનો પર લોકોની લાંબી કતારો લાગી છે. વરસાદ ચાલુ હોવા છતાં, મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો દૂધ મેળવવા માટે કતારમાં ઊભા રહેલા જોવા મળ્યા હતા. આ દ્રશ્યો રીતસરની પડાપડી થતી હોય તેવા લાગી રહ્યા હતા, જે સુરતની વર્તમાન કટોકટીની સ્થિતિને દર્શાવે છે. જ્યારે કુદરતી આફત આવે છે, ત્યારે તે અનેક મુશ્કેલીઓ લઈને આવે છે અને દૂધ જેવી આવશ્યક ચીજવસ્તુઓ માટેની દોડધામ તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

મધ્યરાત્રે 1 વાગ્યે તંત્રની કટોકટીની બેઠક: સુરતમાં પૂરના ખતરા વચ્ચે મોટો એક્શન પ્લાન
હાલ વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાત્રે 1.00 કલાકે પ્રભારી સચિવ, મ્યુનિસિપલ કમિશનર, મેયર, સ્થાયી સમિતિ ચેરમેન, કલેક્ટર, જોઇન્ટ પોલીસ કમિશનર, ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ તથા સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા પરિસ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી. નાગરિકોની સુરક્ષા, રાહત અને ઝડપી પ્રતિસાદ સુનિશ્ચિત કરવા માટે જરૂૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું અને તમામ વિભાગોને એલર્ટ મોડ પર રહી સંકલિત કામગીરી કરવાની સૂચના આપવામાં આવી.

3 હેલિકોપ્ટરની માંગણી કરાઈ પરંતુ વરસાદ ધીમો પડતાં બોટથી રેસ્કયુ શરૂ કરી દેવાયું
સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં આશરે 14 ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબકતા સમગ્ર જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, જેને પગલે કલેક્ટર તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું છે. ઉધના, લિંબાયત, સચિન, પર્વત ગામ અને વરાછા સહિતના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જતાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની હતી. કટોકટીની આ સ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર દ્વારા આખી રાત જાગીને આપત્તિના કોલ અટેન્ડ કરવામાં આવ્યા હતા. બચાવ કામગીરીને વધુ વેગ આપવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા ખાસ 3 હેલિકોપ્ટરની માંગણી પણ કરવામાં આવી હતી, પરંતુ પાછળથી સ્થિતિ નિયંત્રણમાં જણાતા અને હેલિકોપ્ટરની તાતી જરૂૂરિયાત ન જણાતા હાલ પૂરતું હેલિકોપ્ટર બોલાવવાનું માંડી વાળવામાં આવ્યું છે.

અનેક વેપારીઓની દુકાન અને ગોડાઉનમાં પાણી ભરાતા આજે કાપડ માર્કેટ બંધ રહેશે
સુરત શહેરમાં સતત થઈ રહેલા ભારે વરસાદ અને વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને ’ફેડરેશન ઓફ સુરત ટ્રેડ એન્ડ ટેક્સટાઇલ એસોસિએશન્સ’ (ઋઘજઝઝઅ) દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આજે 8 જુલાઈ (બુધવાર)ના રોજ સુરતના તમામ કાપડ માર્કેટ સંપૂર્ણપણે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ વેપારીઓ માટે વિશેષ સૂચના જાહેર કરવામાં આવી છે કે જે વેપારીઓની દુકાનો બેઝમેન્ટ કે લોઅર ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી હોય, અથવા જેમને માલસામાનની સુરક્ષા માટે તેને અન્ય સ્થળે શિફ્ટ કરવો હોય કે કોઈ અતિ આવશ્યક દસ્તાવેજી કામ માટે દુકાન ખોલવી અનિવાર્ય હોય, તેઓએ સંબંધિત માર્કેટ એસોસિએશનની પૂર્વ મંજૂરી મેળવ્યા બાદ જ દુકાન ખોલવાની રહેશે.

સચિન સ્ટેશન પાણીમાં ગરકાવ થઈ જતાં મુંબઈનો રેલ વ્યવહાર ઠપ્પ, 39 ટ્રેન કેન્સલ
ગઈકાલે 7:20 કલાકથી આજે 6:50 વાગ્યા સુધી સચિન સ્ટેશન (સુરત વિસ્તાર) નજીક પુલ પર પાણી ભરાઈ જવાને કારણે મેલ એક્સપ્રેસ સ્થગિત કરવામાં આવી હતી. પાણી ઓસરી ગયું છે અને આજે સવારે 6:50 વાગ્યાથી લાંબા અંતરની ટ્રેનોનું સંચાલન ફરી શરૂૂ થયું છે. અત્યાર સુધીમાં 39 ટ્રેનો રદ કરવામાં આવી છે, 21 ટ્રેનો ટૂંકા ગાળા માટે બંધ કરવામાં આવી છે અને 46 ટ્રેનોનો સમય બદલવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *