કાનાભાઈના મફતીયાપરામાં બાળકનો ભોગ લીધો, કોર્પોરેશનના ચોપડે નોંધ જ નહીં
મચ્છર ઉત્પત્તિ સબબ 288 આસામીને નોટિસ, પાણીના 1706 નમૂનાના કલોરીન ટેસ્ટ
રાજકોટ શહેરમાં અસહ્ય ગરમી-ઉકળાટ અને વરસાદી વાતાવરણ વચ્ચે એક અઠવાડિયામાં શરદી-ઉધરસ-તાવ અને ઝાડા-ઉલ્ટીના કુલ 1741 કેસ મહાનગરપાલિકાના ચોપડે નોંધાયા છે, જો કે, તાવની બિમારીથી એક બાળકનું મોત નિપજ્યું છે. પરંતુ કોર્પોરેશનના ચોપડે તેની નોંધ નથી. ખાનગી દવાખાના હોસ્પિટલોમાં નોંધાયેલા કેસોનો કોઈ રેકર્ડ પણ નથી પરંતુ ખાનગી દવાખાનાઓમાં વાઈરલ રોગચાળાના હજારો કેસ નોંધાઈ રહ્યાં છે. એક અઠવાડિયામાં કોર્પોરેશનના ચોપડે શરદી-ઉધરસના 719, તાવના 764 અને ઝાડા ઉલ્ટીના 258 કેસ નોંધાયા છે. જ્યારે ટાઈફોઈડ, કમળો, મરડો કે કોલેરાના કોઈ કેસ નોંધાયા નથી.
શહેરમાં 80 ફુટ રોડ પર આવેલા કાનાભાઈના મફતીયાપરામાં રહેતા શ્રમિક પરિવારના દેવાંશ જગદીશભાઈ આહીરવાર નામના 8 વર્ષના વિકલાંગ માસુમને તાવની બિમારી સબબ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં માસુમ બાળકનું મોત નિપજતાં પરિવારમાં કરૂણ કલ્પાંત સર્જાયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક બાળકનો પરિવાર મધ્યપ્રદેશનો વતની છે. મૃતક માતા-પિતાનો આધાર સ્થંભ અને એકની એક બહેનનો એકલૌતો ભાઈ હતો. બાળક છેલ્લા 15 દિવસથી તાવની બિમારીમાં સપડાયો હોવાનું જાણવા મળ્યું છે.
શહેરમાં રોગચાળાને અટકાવવા મહાનગરપાલિકા દ્વારા છેલ્લા એક અઠવાડિયામાં કુલ 1706 જેટલા કલોરીન ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મચ્છર ઉત્પત્તિ સબબ રહેણાંકમાં 99 અને કોમર્શિયલમાં 189 આસામીને નોટિસો આપવામાં આવી છે. આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ધનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.29/06/2026 થી તા.05/07/2026 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ 17567 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 162 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.
ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ. ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 499 પ્રીમાઇસીસ (બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પંપ, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 99 અને કોર્મશીયલ 189 આસામીને નોટીસ આપવામાં આવેલ છે.
