પત્નીઓ વચ્ચેના ઝઘડામાં સગાભાઇનોે દંપતી અને 11 વર્ષના માસૂમને કાર નીચે કચડી હત્યાનો પ્રયાસ

જસદણના ગંગાભુવન વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી અને કાળજું કંપાવી દે તેવી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં એક સગા પિતરાઈ ભાઈએ પોતાના જ ભાઈના પરિવારને જાનથી…

જસદણના ગંગાભુવન વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી અને કાળજું કંપાવી દે તેવી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં એક સગા પિતરાઈ ભાઈએ પોતાના જ ભાઈના પરિવારને જાનથી મારી નાખવાના ઈરાદે મોટરસાયકલ પર કાર ચડાવી દઈને હત્યાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે. પત્નીઓ વચ્ચે થયેલા સામાન્ય ઝઘડાની અદાવત રાખીને રચવામાં આવેલા આ ભયાનક કાવતરામાં દંપતી અને તેમનો 11 વર્ષનો પુત્ર ગંભીર રીતે ઘાયલ થતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદી સુખદેવભાઈ સામતભાઈ પોયલા અને તેમના નાના પિતરાઈ ભાઈ વિજય સામતભાઈ પોયલા એક જ મકાનમાં અલગ-અલગ માળે રહે છે. બંનેની પત્નીઓ વચ્ચે અવાર-નવાર ચારિત્ર્ય બાબતે ખરાબ વાતો કરવાના મુદ્દે તકરાર ચાલતી હતી. આ બાબતે ગઈકાલે બપોરે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેનું પરિણામ આ ઘાતક હુમલામાં આવ્યું હતું.

ગઈકાલે બપોરે જ્યારે સુખદેવભાઈ પોતાની મોટરસાયકલ પર પત્ની હીરલબેન અને 11 વર્ષના પુત્ર દેવને બેસાડીને કાકાના ઘરે જઈ રહ્યા હતા, ત્યારે વિજય સામતભાઈ પોયલાએ અગાઉથી નક્કી કર્યા મુજબ પોતાની વેગનઆર કાર લઈને તેમનો પીછો કર્યો હતો. ભૂતડા દાદાના મંદિર પાસેની શેરીમાં આરોપીએ પૂરઝડપે અને બેફામ ગતિએ કાર ચલાવી આવીને સુખદેવભાઈના બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે ત્રણેય સભ્યો રોડ પર ફંગોળાઈ ગયા હતા અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

માત્ર ટક્કર મારીને સંતોષ ન માનતા, હુમલાખોર વિજય કારમાંથી બહાર નીકળ્યો હતો અને પોતાની સાથે લાવેલા લોખંડના પાવડા વડે ભાઈ અને ભાભી પર જીવલેણ હુમલો કરવા માટે ધસી ગયો હતો. આ ઘટના જોઈને આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને હુમલાખોરને રોક્યો હતો. લોકોના આક્રોશ અને હસ્તક્ષેપને જોઈને આરોપી પોતાની કાર ઘટનાસ્થળે જ મૂકીને નાસી છૂટ્યો હતો.તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે જસદણની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *