જામનગરના દરેડ ગામે સ્કોર્પિયો અને બાઇક વચ્ચે અકસ્માત: મજૂરનું મોત, ત્રણને ઇજા

જામનગર તાલુકાના દરેડ ગામ નજીક નીલગીરીની ગોળાઈ પહેલાં ખોડિયાર ફર્નિચર સામે થયેલા ચાર સવારી બાઇક અને સ્કોર્પિયો કાર વચ્ચેના માર્ગ અકસ્માતમાં એક મજૂર યુવાનનું મૃત્યુ…

જામનગર તાલુકાના દરેડ ગામ નજીક નીલગીરીની ગોળાઈ પહેલાં ખોડિયાર ફર્નિચર સામે થયેલા ચાર સવારી બાઇક અને સ્કોર્પિયો કાર વચ્ચેના માર્ગ અકસ્માતમાં એક મજૂર યુવાનનું મૃત્યુ નિપજતાં પોલીસમાં સ્કોર્પિયો ચાલક સામે ગુનો નોંધાયો છે. ફરિયાદ મુજબ ચેલા ગામે રહેતી મધુબેન મુકેશભાઈ રાઠોડે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના પતિ મુકેશભાઈ જીવણભાઈ રાઠોડ લાલપુર ચોકડી પાસે આવેલી “દ્વારકાધીશ” હોટેલમાં મજૂરી કામ કરતા હતા. તા. 3 જુલાઈની રાત્રે કામ પૂર્ણ કરીને તેઓ મોટરસાયકલ નં. જીજે-10-ડીએફ-5723 પર ધાર્મિક હીરાભાઈ સોલંકી, વિરમભાઈ ચમનભાઈ ભાટી અને દેવાભાઈ વિરાભાઈ ભાટીને સાથે લઈના ચાર સવારીમાં ઘરે પરત ફરી રહ્યા હતા.

તે દરમિયાન દરેડ ગામ નજીક નીલગીરી ગોળાઈ પહેલાં ખોડિયાર ફર્નિચર સામે પહોંચતા સ્કોર્પિયો નં. જીજે-10-ડીઈ-4200ના ચાલકે વાહન વધુ ઝડપે તેમજ બેદરકારી અને ગફલતભરી રીતે હંકારી મોટરસાયકલને ટક્કર મારી હતી, એવો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. અકસ્માતમાં મુકેશભાઈને છાતી, પેટ અને જમણા પગ સહિત શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે ધાર્મિક સોલંકીના જમણા હાથમાં ફ્રેક્ચર જેવી ઇજા થઈ હતી તેમજ વિરમભાઈ ભાટી અને દેવાભાઈ ભાટીને પણ શરીરે નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. તમામને સારવાર માટે જી. જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે મુકેશભાઈને મૃત જાહેર કર્યા હતા. મૃતકની પત્નીની ફરિયાદના આધારે સ્કોર્પિયો ચાલક સામે બેદરકારીપૂર્વક વાહન હંકારી અકસ્માત સર્જી મૃત્યુ નિપજાવવાના આરોપસર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *