જામજોધપુરમાં પ્રેમપ્રકરણમાં યુવકનું અપહરણ, 11 શખ્સો સામે ફરિયાદ

જામનગર જિલ્લાના જામજોધપુર પોલીસ મથક વિસ્તારમાં જૂની અદાવતના કારણે એક યુવકનું અપહરણ કરી તેને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો ગંભીર બનાવ પ્રકાશમાં આવ્યો છે. ભાઈ…

જામનગર જિલ્લાના જામજોધપુર પોલીસ મથક વિસ્તારમાં જૂની અદાવતના કારણે એક યુવકનું અપહરણ કરી તેને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો ગંભીર બનાવ પ્રકાશમાં આવ્યો છે. ભાઈ દ્વારા એક યુવતીને ભગાડી જવાની ઘટનાનો ખાર રાખી 11 શખ્સોએ એકસંપ થઈ યુવકને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડી લઈ જઈ ધમકીઓ આપ્યાનો આરોપ છે. સમગ્ર મામલે જામજોધપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂૂ કરી છે.
પોલીસ ફરિયાદ મુજબ, મૂળ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ડુમીયાણી ગામના રહેવાસી અને હાલ જામજોધપુર તાલુકાના સતાપર ગામ નજીક લાલવાડા નેશ ખાતે રહેતા 24 વર્ષીય રાજુભાઈ પાંચાભાઈ મોરી (રબારી)એ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, આશરે 20 દિવસ પહેલાં તેમના મોટા ભાઈ નારણભાઈએ ડુમીયાણી ગામના પોલાભાઈ રામાભાઈ ભારાઈની પુત્રી પરિતાને ભગાડી ગયા હતા. આ ઘટનાનો મનદુ:ખ રાખીને યુવતીના પરિવારજનો તથા અન્ય શખ્સો ફરિયાદીના રહેઠાણે પહોંચ્યા હતા.

ગત તા. 2 જુલાઈના રોજ બપોરે આશરે 12:30 વાગ્યે રાજુભાઈ લાલવાડા નેશ ખાતે બાપા સીતારામની મઢુલી પાસે ઊભા હતા ત્યારે સફેદ રંગની અશોક લેલેન્ડ ગાડી ત્યાં આવી હતી. ગાડીમાંથી ઉતરેલા શખ્સોએ રાજુભાઈને તેમના ભાઈ દ્વારા યુવતીને ભગાડી જવાની બાબતે પૂછપરછ કરી હતી. રાજુભાઈએ યુવતી ક્યાં છે તેની જાણ ન હોવાનું જણાવતાં આરોપીઓએ તેમને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડી અપહરણ કર્યું હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.

ત્યારબાદ આરોપીઓ રાજુભાઈને ઉદેપુર તરફના રસ્તે લઈ જઈ ઉપલેટા તાલુકાના ઢાંક ગામે જયેશ મોરીના ઘરે લઈ ગયા હતા. ત્યાં તથા રસ્તામાં તેમને ધમકી આપવામાં આવી હતી કે બે દિવસમાં યુવતીને પરત નહીં સોંપાય તો સમગ્ર પરિવારને જાનથી મારી નાખવામાં આવશે. બાદમાં આરોપીઓ ફરિયાદીને ઢાંક ગામ નજીક રોડ પર ઉતારી ફરાર થઈ ગયા હતા.

આ મામલે જામજોધપુર પોલીસે હીરાભાઈ ભીખાભાઈ ભારાઈ, ભુપતભાઈ રામાભાઈ ભારાઈ, મુન્નાભાઈ રામાભાઈ ભારાઈ, ઓઘડભાઈ બાલુભાઈ ઉર્ફે રાણાભાઈ ભારાઈ, બટુકભાઈ બાલુભાઈ ઉર્ફે રાણાભાઈ ભારાઈ, ધાનાભાઈ બાલુભાઈ ઉર્ફે રાણાભાઈ ભારાઈ, દીપકભાઈ ધાનાભાઈ ભારાઈ, પેથાભાઈ મકવાણા (રબારી), બાબુભાઈ લખમણભાઈ ભારાઈ, વિશાલભાઈ પોલાભાઈ ઉર્ફે કારાભાઈ ભારાઈ (તમામ રહે. ડુમીયાણી, તા. ઉપલેટા) તથા જયેશભાઈ મોરી (રહે. ઢાંક, તા. ઉપલેટા) સામે ભારતીય ન્યાય સંહિતા (ઇગજ)ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર પ્રકરણની વધુ તપાસ જામજોધપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નિલેશ ભુપતભાઈ ચૌહાણ ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *