જામનગર મહાનગર પાલિકા હસ્તકની શાળા નંબર 19 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી બાળક ને આચાર્ય એ કાન ઉપર બે ફડાકા ઝીંકી દેતા બાળકને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો.બીજી તરફ શિક્ષણ સમિતિના ચેરમેન અને શાસનાધિકારી એ મોબાઈલ ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા.
જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 19 માં ધોરણ 6માં અભ્યાસ કરતા ધ્રુવ પ્રવીણભાઈ પાંડાવદરાને ગઈકાલે શાળાના આચાર્ય રામભાઈ સોલંકી એ બે તમાચા ચોડી દીધા હતા. આ બનાવથી ગભરાઈ ગયેલા બાળકે પોતાના ઘરે માતા-પિતાને જાણ કરી ન હતી. પરંતુ તે ગઈકાલે આખી રાત ઊંઘ્યો ન હતો.
જ્યારે આજે બાળકને કાનમાં દુખાવો થતાં તેના પિતાને વાત કરી હતી. હતી.પરિણામે પિતા પોતાના બાળકને સમાજના કેટલાક અગ્રણીઓને સાથે રાખીને હોસ્પિટલ પહોંચ્યા હતા. અને બાળકની સારવાર કરાવી હતી. જ્યારે આ બાબતનું કારણ પૂછતા બાળકે જણાવ્યું હતું કે તેને લઘુ શંકા કરવા જવું હતું. અને ત્રણ વખત આચાર્યને પૂછવા છતાં જવાબ નહીં મળતા આચાર્યના ગોઠણમાં પોતાનો હાથ અડાડ્યો હતો. આથી ઉશ્કેરાઈ ગયેલા આચાર્ય એ બાળકને બે તમાચા ચોડી દીધા હતા.
ગઈકાલે શાળાના એક શિક્ષક રજા પર હોવાથી તેમના સ્થાને આચાર્યએ અભ્યાસક્રમ ચલાવ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. બીજી તરફ આજે પત્રકારો દ્વારા આ બનાવ અંગે શિક્ષણ સમિતિના ચેરમેન અને શાસનાધિકારીને મોબાઈલ ફોન કરીને બનાવની જાણકારી મેળવવાનો પ્રયાસ કરતા બંનેએ ફોન ઉપાડવાની તસ્દી પણ લીધી ન હતી. હવે આ મામલે સમાજ દ્વારા ઉગ્ર રજૂઆતો થાય તેવા સંકેતો મળી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે ઉચ્ચ અધિકારી દ્વારા આ આચાર્ય સામે પગલાં કેવા પ્રકારના ભરવામાં આવે છે.
