ચોટીલા પૂનમ ભરી પરત ફરતું કમળાપુરનું દંપતી અકસ્માતમાં ખંડિત; પતિનું કરુણ મોત

જસદણનાં કમળાપુર ગામે રહેતું દંપતિ ચોટીલા પૂનમ ભરીને પરત ફરી રહ્યું હતું ત્યારે ચોટિલા નજીક અચાનક રોજડુ આડુ ઉતરતા બાઈક સ્લીપ થયું હતું. જે અકસ્માતમાં…

જસદણનાં કમળાપુર ગામે રહેતું દંપતિ ચોટીલા પૂનમ ભરીને પરત ફરી રહ્યું હતું ત્યારે ચોટિલા નજીક અચાનક રોજડુ આડુ ઉતરતા બાઈક સ્લીપ થયું હતું. જે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા આધેડનું મોત નિપજ્યું હતું. જ્યારે પત્નીને ઈજા પહોંચી હતી. આધેડના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, જસદણના કમળાપુર ગામે રહેતાં રમેશભાઈ વરતાભાઈ મીઠાપરા (ઉ.50) અને તેમના પત્ની શોભનાબેન બાઈક લઈ ચોટીલાથી પરત ફરી રહ્યા હતાં ત્યારે આણંદપર ચોકડી પાસે અચાનક રસ્તા પર રોજડુ આડુ ઉતરતા રમેશભાઈ મીઠાપરાએ ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવતાં બાઈક સ્લીપ થયું હતું. જે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા રમેશભાઈ મીઠાપરાને તાત્કાલીક સારવાર માટે આટકોટ કે.ડી.પરવાડીયા હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.

પ્રાથમિક પુછપરછમાં મૃતક આધેડ બે ભાઈ એક બહેનમાં નાના હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. મૃતક રમેશભાઈ મીઠાપરા પત્ની શોભનાબેન સાથે ચોટીલા પૂનમ ભરી પરત ફરી રહ્યા હતાં ત્યારે સર્જાયેલા અકસ્માતમાં મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *