શિવાજીનગરમાં ધંધા હરિફાઇમાં કાકા-ભત્રીજા ઉપર થયેલ હુમલો જીવલેણ નીવડ્યો
શહેરના દૂધ સાગર રોડ પર આવેલા શિવાજીનગરમાં રહેતા અને ફોટો ફ્રેમ તેમજ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા કાકા ભત્રીજા ઉપર ધંધાકીય હરીફાઈમાં મહિલા સહિત પાંચ શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવાનનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આ સમગ્ર મામલે ભોગ બનનાર રાહુલભાઈ દેવજીભાઈ જાદવ દ્વારા થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપી અનિલ અગાઉ ફરિયાદીના ફોટો ફેમના કારખાનામાં જ મજૂરી કામ કરતો હતો. જો કે, થોડા સમય બાદ તેણે પોતાનો અલગ વ્યવસાય શરૂૂ કર્યો હતો અને ફરિયાદીના ચાલુ ધંધાના ગ્રાહકો તેમજ પેઢીઓને પોતાની તરફ વાળવાનું શરૂૂ કર્યું હતું. આ બાબતે ફરિયાદીના ભાઈ ગોપાલે અનિલને અગાઉ ટોક્યો હતો અને ઠપકો આપ્યો હતો.
આ ધંધાકીય વિવાદ અચાનક ભારે ઉગ્ર સ્વરૂૂપ ધારણ કરી ગયો હતો. ફરિયાદી રાહુલભાઈ પોતાના ઘરે પરિવાર સાથે હાજર હતા, ત્યારે તેમના મિત્ર મનિષે ફોન દ્વારા તાકીદની જાણ કરી હતી કે અનિલ ઉપરીયાના ઘર પાસે તેમના ભાઈ ગોપાલ સાથે ઝઘડો થઈ રહ્યો છે. આ સાંભળીને રાહુલભાઈ, તેમના કાકા વિજયભાઈ અને પરિવારના અન્ય સભ્યો તાત્કાલિક ઝઘડાવાળી જગ્યાએ દોડી ગયા હતા. ત્યાં પહોંચતા જ તેમણે જોયું કે આરોપી અનિલ, સુનિલ, તેમના પિતા રમેશભાઈ, માતા હંસાબેન અને કાકા ભાવેશભાઈએ ગોપાલ અને તેના મિત્ર ભરતને ગાળો ભાંડી રહ્યા હતા. આ દરમિયાન મામલો શાંત પાડવા અને સમાધાન કરાવવાનો પ્રયાસ કરી રહેલા રાહુલભાઈના પરિવાર પર તમામ આરોપીઓ અચાનક હિંસક બનીને તૂટી પડયા હતા.
આ દરમિયાન આરોપી સુનિલે ગોપાલના પેટના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો. કાકા વિજયભાઈ પોતાના ભત્રીજા ગોપાલને બચાવવા માટે વચ્ચે પડતા આરોપી સુનિલે તેમના પર પણ છરી વડે હુમલો કરી દીધો હતો અને અન્ય આરોપીઓ રમેશભાઈ અને ભાવેશભાઈએ ભરતભાઈને પકડી રાખીને ઢીકાપાટુનો માર માર્યો હતો, જ્યારે હંસાબેને પણ ગાળો આપી હુમલાખોરોને ઉશ્કેર્યા હતા. હુમલાખોરોએ આજે તો તને જાનથી મારી નાખવો છે’ તેવી ધમકીઓ આપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. હુમલાના પગલે ગંભીર રીતે ઘવાયેલા ગોપાલ અને કાકા વિજયભાઈને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગંભીર રીતે ઘવાયેલા પ્રકાશ ઉર્ફે ગોપાલનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. થોરાળા પોલીસે આરોપીઓ અનિલ, સુનિલ, રમેશભાઈ, હંસાબેન અને ભાવેશભાઈ વિરૂૂદ્ધ હત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
આ ઘટનામાં સામા પક્ષે ભરત નાનજીભાઈ પરમાર(ઉ.વ.38) અને રમેશ નાનજીભાઈ પરમાર (ઉ.વ.54) (રહે. બંને શિવાજી નગર પાસે) પણ તે ઘર પાસે હતા ત્યારે ગોપાલ, વિજય અને રાહુલ જાદવ સહિતે પાઈપ અને તિક્ષણ હથિયાર વડે હુમલો કરી ઈજા કર્યાની ફરિયાદ સાથે સિવીલમાં દાખલ થતાં થોરાળા પોલીસે તપાસ હાથ ધરી છે.
