પોરબંદરમાં એક ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. કિર્તિમંદિર પોલીસે ભારવાડાવાસ વિસ્તારમાં થયેલી ચોરીના ગુનામાં પોરબંદર શહેર યુવા ભાજપના પૂર્વ પ્રમુખ નિલેષ દેવજીભાઈ ગોહેલની ધરપકડ કરી છે. પોલીસ ફરિયાદ મુજબ, અજાણ્યા શખ્સે એક રહેણાંક મકાનમાંથી કુલ રૂૂ. 13,705 નો મુદ્દામાલ ચોર્યો હતો. આ મુદ્દામાલમાં રૂૂ. 3,700 રોકડ, રૂૂ. 3,800 ના ચાંદીના દાગીના, એરબડ્સ, એક નેકબેન્ડ અને રિયલમી કંપનીનો મોબાઇલ ફોનનો સમાવેશ થાય છે. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કિર્તિમંદિર પોલીસ સ્ટેશનની ટીમે ટેકનિકલ અને માનવ સૂત્રોના આધારે તપાસ હાથ ધરી હતી.
આ તપાસ દરમિયાન મળેલા પુરાવાઓના આધારે પોરબંદર શહેરના ભારવાડાવાસમાં રહેતા 41 વર્ષીય નિલેષ દેવજીભાઈ ગોહેલને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ચોરી થયેલી રોકડ રકમ, ચાંદીની વીંટી, એરબડ્સ, નેકબેન્ડ અને મોબાઇલ ફોન સહિતનો તમામ મુદ્દામાલ કબજે કર્યો છે.આ સમગ્ર કાર્યવાહી પોરબંદર શહેર પોલીસના માર્ગદર્શન હેઠળ કિર્તિમંદિર પોલીસ સ્ટેશનની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી. હાલમાં પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂૂ કરી છે અને આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે.
