બ્રાઝિલ સતત 15મી વખત જ્યારે કેનેડા અને બોસ્નિયા પ્રથમ વખત નોકઆઉટ રમશે
2026ના ફિફા ફૂટબોલ વર્લ્ડ કપના વિક્રમજનક 48 દેશમાંથી 13 દેશ નોકઆઉટ રાઉન્ડમાં પહોંચી ગયા છે અને છ દેશ બહાર થઈ ગયા છે. ખાસ કરીને વિક્રમજનક પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયન બનેલા બ્રાઝિલે લાગલગાટ 15મી વખત ગ્રૂપ સ્ટેજમાં શાનથી વિજયી થઈને નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. યજમાન કેનેડાને પહેલી જ વખત અને સાઉથ આફ્રિકાને અને બોસ્નીયાને પણ પ્રથમ વાર નોકઆઉટમાં રમવાનો મોકો મળ્યો છે.
ક્યા 13 દેશ નોકઆઉટમાં, ક્યાં છ દેશ આઉટ થયા તેની યાદી જોઈએ તો તેમાં આર્જેન્ટિના, ફ્રાન્સ, બ્રાઝિલ, જર્મની, કોલંબિયા, સાઉથ આફ્રિકા, અમેરિકા, મેક્સિકો, કેનેડા, બોસ્નીયા, સ્વિટઝરલેન્ડ, મોરક્કો અને નોર્વે નોકઆઉટ રાઉન્ડમાં પહોંચી ગયા છે. કતાર, હૈતી, તૂર્કી, ટયૂનિશિયા, જોર્ડન અને પનામા સ્પર્ધાની બહાર થઈ ગયા છે. ટૂર્નામેન્ટમાં કુલ 12 ગ્રૂપ છે. દરેક ગ્રૂપની ટોચની બે-બે ટીમ નોકઆઉટમાં પહોંચે છે. તમામ ગ્રૂપમાં ત્રીજા નંબરે જે ટીમો હોય એમાં જે શ્રેષ્ઠ 8 ટીમ હોય એને પણ પહોંચવા મળે છે.
બ્રાઝિલનો સુપરસ્ટાર ખેલાડી નેમાર ત્રણ વર્ષે પહેલી વખત બ્રાઝિલ વતી રમ્યો. ઈજાને કારણે તે આ વર્લ્ડ કપની શરૂૂઆતમાં પણ નહોતો રમી શક્યો, પરંતુ ગુરુવારે સ્કોટલેન્ડ સામેની મેચથી તેણે ફરી રમવાનું શરૂૂ કર્યું હતું. તે એકેય ગોલ તો કરી શક્યો, પણ બ્રાઝિલના 3-0ના વિજયમાં તેનું આડકતરી રીતે થોડું યોગદાન હતું. બ્રાઝિલ વતી બે ગોલ વિનિસિયસ જુનિયરે સાતમી અને 48મી મિનિટમાં કર્યા હતા, જ્યારે ત્રીજો ગોલ મેથ્યૂઝ કુન્હાએ 60મી મિનિટમાં કર્યો હતો. ગ્રૂપ-સીમાંથી બ્રાઝિલ 32 ટીમવાળા નોકઆઉટ માં પહોંચી ગયું છે, પરંતુ સ્કોટલેન્ડનું ભાવિ અધ્ધરતાલ છે.
ગ્રૂપ-બીમાં સ્વિટઝરલેન્ડ સામે કેનેડાનો 1-2થી પરાજય થયો હોવા છતાં યજમાન કેનેડાની ટીમ પહેલી જ વખત નોકઆઉટમાં પહોંચવામાં સફળ થઈ છે. એ સાથે આ વર્લ્ડકપના ત્રણે યજમાન દેશ અમેરિકા, મેક્સિકો, કેનેડા 32 ટીમવાળા હવે પછીના રાઉન્ડમાં પહોંચી ગયા છે. કુલ 48માંથી 32 દેશની ટીમમાં નોકઆઉટમાં રમશે અને એમાં યુરોપના દેશ બોસ્નીયા એન્ડ હરઝેગોવિનાએ પહેલી જ વખત પ્રવેશ મેળવ્યો છે.
