જિલ્લાની અલગ અલગ ટીમોએ રાજ્ય બહાર કરેલી તપાસમાં મળેલી મહત્વની સફળતા, આરોપી ઓળખાયા
શાપર દરબાર ગઢમાં બનેલી લૂંટની ઘટનામાં પોલીસ તપાસ વેગવંતી બની છે. શાપરમાં રહેતા વૃદ્ધ રાજવી જીતેન્દ્રસિંહ જાડેજાને તેમના જ ઘરમાં બંધક બનાવીને તસ્કરોએ અઢી કરોડની લૂંટ ચલાવી હતી. આ હાઈપ્રોફાઈલ લૂંટ કેસમાં ગ્રામ્ય પોલીસની ટીમ રાજય બહાર તપાસ અઠે ગઈ હોય જેને મહત્વની સફળતા મળી છે. આ લુંટનું પગેરું યુપીમાં નીકળ્યું છે. અને આરોપી ઓળખાયા હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ મામલે પોલીસ હવે સતાવાર જાહેરાત કર્યા પછી એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે છે. પોલીસની પ્રાથમિક તપાસ અને આસપાસના સીસીટીવી ફૂટેજના વિશ્ર્લેષણ બાદ લૂંટ ચલાવનાર આરોપીઓ રાજય બહાર ભાગ્યાનું પોલીસ તપાસ માં જાણવા મળ્યું હતું.
મળતી માહિતી અનુસાર, શાપરમાં દરબારગઢમાં રાજવી પરિવારના ગિરાસદાર 77 વર્ષીય જીતેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજાના પત્ની રાજકોટ ખાતે રહેતા તેમના પુત્રના ઘરે ગયા હોય ત્યારે જીતેન્દ્રસિંહ ઘરમાં એકલા હતા, ત્યારે અજાણ્યા બુકાનીધારી શખસો ઘરના પાછળનો દરવાજો તોડી અંદર ઘૂસી આવ્યા હતા. લૂંટારુઓએ જીતેન્દ્રસિંહને બંધક બનાવી લીધા હતા અને ઘરમાં રાખેલી માતબર રકમ તથા દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. પ્રાથમિક વિગતો અનુસાર, લૂંટારુઓ ઘરમાંથી 2.47 કરોડ રૂૂપિયા રોકડા અને આશરે 5થી 7 તોલા સોનાના દાગીના તેમજ જીતેન્દ્રસિંહની પરવાનાવાળી રાયફલ લુંટી ફરાર થઇ ગયા હતા. કરોડોની લૂંટની આ ઘટનાનો ભેદ ઉકેલવા માટે સ્થાનિક શાપર વેરાવળ પોલીસ તેમજ એલસીબી,એસઓજી તેમજ ડીવાયએસપી ની જુદી જુદી ટીમોની રચના કરવામાં આવી છે.
પોલીસે હાલ સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરીને બુકાનીધારી ટોળકીની ઓળખ મેળવવા માટે તપાસ કરી શોધખોળ આદરી હતી. ઘટનાસ્થળ અને તેની આસપાસના વિસ્તારોમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવીને લૂંટારુઓ કઈ તરફ ભાગ્યા છે તેની કડી મેળવ્યા બાદ લુંટનું પગેરું ઉતરપ્રદેશ તરફ નીકળ્યું હતું. પોલીસની એક ટીમ યુપી દોડી ગઈ હતી. લુંટારૂૂ ટોળકી ઓળખાયા બાદ હવે પોલીસ લુંટની રકમ કબજે કરવા આગળની તપાસ ચલાવી રહી છે.
