આધારકાર્ડ કે પાસપોર્ટ નાગરિકતાનો પુરાવો ન હોય તો નાગરિકતા પુરવાર કઇ રીતે કરવી?

ભારતમાં ગયા વરસે મતદાર યાદીઓમાં સુધારણા માટે સ્પેશિયલ ઈન્ટેન્સિવ રીવિઝન (સર)ની પ્રક્રિયા હાથ ધરાઈ ત્યારે આધાર કાર્ડ નાગરિકતાના પુરાવા તરીકે માન્ય ગણાય કે નહીં તેનો…

ભારતમાં ગયા વરસે મતદાર યાદીઓમાં સુધારણા માટે સ્પેશિયલ ઈન્ટેન્સિવ રીવિઝન (સર)ની પ્રક્રિયા હાથ ધરાઈ ત્યારે આધાર કાર્ડ નાગરિકતાના પુરાવા તરીકે માન્ય ગણાય કે નહીં તેનો ડખો ઉભો થયેલો. ચૂંટણી પંચે આધાર કાર્ડને નાગરિકતાના પુરાવા તરીકે માન્ય રાખવાનો ઈન્કાર કર્યો તેના કારણે વાત સુપ્રીમ કોર્ટમાં ગયેલી. સુપ્રીમ કોર્ટે બિહાર સહિતનાં રાજ્યો માટે આધાર કાર્ડને મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે દસ્તાવેજ તરીકે માન્ય રાખવાનું ફરમાન કરેલું પણ આધાર કાર્ડને નાગરિકતાનું પ્રમાણપત્ર માનવાનો તો ઈન્કાર જ કરેલો. ચૂંટણી પંચની દલીલ હતી કે, આધાર કાર્ડ માત્ર ઓળખનો પુરાવો છે અને તેને દેશના નાગરિક હોવાના પુરાવા તરીકે માન્ય ના રાખી શકાય. આ વાત હાસ્યાસ્પદ હતી કેમ કે, ભારતના નાગરિક તરીકે મળવાપાત્ર તમામ સરકારી લાભો આધાર કાર્ડના આધારે અપાય છે પણ નાગરિકતાના પુરાવા તરીકે આધાર કાર્ડ માન્ય નથી રખાતું. આ વાત અતાર્કિક છે પણ સુપ્રીમ કોર્ટે તેને માન્ય રાખીને આધાર કાર્ડને નાગરિકતાના પુરાવા તરીકે માન્યતા નહોતી આપી. હવે ફરી આવી જ હાસ્યાસ્પદ સ્થિતિ ઊભી થઈ છે કેમ કે ભારત સરકારના વિદેશ મંત્રાલયે જ્ઞાન પિરસ્યું છે કે, પાસપોર્ટને નાગરિકતાનો પુરાવો ના ગણી શકાય.

વિદેશ મંત્રાલયના અધિકારીઓએ પણ ચૂંટણી પંચની જેમ હાસ્યાસ્પદ દલીલ કરી કે, ભારત સરકારે આપેલો પાસપોર્ટ વિદેશ જનારા ભારતીયોની ભારતીય તરીકેની ઓળખ સ્થાપિત કરે છે. પાસપોર્ટ આપવાનો ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય મુસાફરી શક્ય બનાવવાનો અને વિદેશમાં ઓળખ સ્થાપિત કરવાનો છે તેથી તેને નાગરિકતાનો પુરાવો ના ગણી શકાય. સવાલ એ છે કે, પાસપોર્ટથી કોની અને કઈ ઓળખ સ્થાપિત થાય છે ? સ્વાભાવિક રીતે જ આ દેશનાં લોકોની ભારતીય તરીકેની ઓળખ સ્થાપિત થાય છે. બીજો સવાલ એ છે કે, ભારતીય કોને કહેવાય ? ભારતની નાગરિકતા ધરાવતો હોય તેને ભારતીય કહેવાય. વિદેશ મંત્રાલયની વાત હાસ્યાસ્પદ એ રીત કહેવાય કે, ભારત સરકાર ભારતીય પાસપોર્ટ ધરાવતી વ્યક્તિને ભારતીય નાગરિક તરીકેની ઓળખ આપે છે પણ પોતે જ આપેલો પાસપોર્ટ ભારતીય નાગરિકતા માટેનો પુરાવો છે એવું સ્વીકારતી નથી.

દેશ આઝાદ થયો એ વખતે જ ખરેખર તો ભારતના નાગરિક તરીકેની માન્યતા માટેની કોઈ વ્યવસ્થા ગોઠવવાની જરૂૂર હતી. ઘણા દેશોમાં સિટિઝનશિપ કાર્ડ અપાય છે, ઘણા દેશોમાં સિટિઝનશિપ સર્ટિફિકેટ અપાય છે, ઘણા દેશોમાં પાસપોર્ટને નાગરિકતા સાબિત કરતા દસ્તાવેજ તરીકે માન્યતા મળી છે. જવાહરલાલ નહેરુની સરકારે પહેલેથી જ નાગરિકતા નક્કી કરવા માટે કોઈ ખાસ દસ્તાવેજ દાખલ કર્યો હોત કે કોઈ પણ એક જ દસ્તાવેજને નાગરિકતાના પુરાવા તરીકે માન્યતા આપી દીધી હોત તો આ ગૂંચવાડો ના થયો હોત પણ નહેરુ સરકારે કશું ના કર્યું તેમાં ગૂંચવાડાની શરૂૂઆત થઈ.

એ પછી આવેલી સરકારોએ પણ કશું ના કર્યું તેમાં કોકડું તેમાં કોકડું વધારે ગૂંચવાતું ગયું. નવા નવા ડોક્યુમેન્ટ આવતા ગયા પણ નાગરિકતા માટેનો કોઈ ચોક્કસ દસ્તાવેજ ના જ બન્યો.

મોદી સરકાર આ ગૂંચવાડાને દૂર કરવા શું કરશે એ ખબર નથી પણ કમ સે કમ એક પહેલ તો કરી જ શકે છે. ભારતમાં જન્મનારી દરેક વ્યક્તિને ભારતની નાગરિકતા મળે છે. અત્યારે આપણે ભારતના નાગરિક છીએ એ સાબિત કરવા માટે ભારતમાં જ જન્મ્યા હોવાના અલગ અલગ પુરાવા રજૂ કરવા પડે છે. સ્થાનિક સ્વરાજની સંસ્થામાં નોંધણી દ્વારા અપાતું બર્થ સર્ટિફિકેટ કે સ્કૂલનું સર્ટિફિકેટ સહિતના દસ્તાવેજો માન્ય ગણાય છે. તેના બદલે મોદી સરકાર ભારતમાં નવા જન્મતા દરેક બાળકને સિટિઝનશિપ કાર્ડ કે બીજું કોઈ કાર્ડ આપવાનું શરૂૂ કરે તો ધીરે ધીરે આ સમસ્યાનો ઉકેલ આવવાની શરૂૂઆત થશે. જેમની પાસે પણ કાર્ડ હોય એ આપોઆપ જ ભારતના નાગરિક ગણાય. આ પ્રકારની પહેલ કરવામાં એક સમસ્યા ઘૂસણખોરોની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *