ખાવાના ફાંફા છે, પાણી વગર જવું ક્યાં? થોડી તો દયા કરો!

હાઉસીંગ બોર્ડના જર્જરિત આવાસોના નળજોડાણ કાપવા ગયેલા મનપાના સ્ટાફ સાથે સટાસટી, વૃધ્ધ ખાડામાં સૂઇ ગયા ઓચંતી કુંભકર્ણી નિદ્રામાંથી જાગેલા રાજકોટ મહાનગરપાલિકા તંત્રે શહેરના યુનિવર્સિટી રોડ…

હાઉસીંગ બોર્ડના જર્જરિત આવાસોના નળજોડાણ કાપવા ગયેલા મનપાના સ્ટાફ સાથે સટાસટી, વૃધ્ધ ખાડામાં સૂઇ ગયા

ઓચંતી કુંભકર્ણી નિદ્રામાંથી જાગેલા રાજકોટ મહાનગરપાલિકા તંત્રે શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા એજી ચોકમાં ભગતસિંહજી ગાર્ડન પાછળ આવેલા હાઉસીંગ બોર્ડના 700થી વધુ ક્વાર્ટરને ભયજનક જાહેર કર્યા બાદ રિપેરિંગ કરાવીને ફીટનેશ સર્ટિફિકેટ આપવામા નહીં આવે તો નળ અને લાઇટ જોડાણ કાપી નાખવા ચીમકી આપી હતી. નોટિસમાં આપેલી મુદત પુરી થતાની સાથે જ આજે તંત્રને સુરાતન ચડ્યુ હતુ અને નળજોડાણ કાપવા માટે વસાહતમાં જતા જ રહેવાસીઓમાં આક્રોષ ભભૂકી ઉઠ્યો હતો. સતા સામે કઇ રીતે બાથ ભીડવી? તેવી દયનીય હાલત વચ્ચે અંતે એક વડિલ રહેવાસી મનપાના સ્ટાફે નળજોડાણ કાપવા માટે કરેલા ખાડામાં સુઇ ગયા હતા અને તેમની જે વલોપાત હતી તે સાંભળીને મનપા તંત્ર સામે રીતસર ફિટકાર વરસાવવાનું મન થાય તેવી હતી.

વર્ષ આખુ વીતી ગયુ અને જ્યારે ચોમાસુ આવે ત્યારે જ પ્રી-મોન્સૂન કામગીરીના નામે કામગીરીનું નાટક ભજવતા કોર્પોરેશને શહેરના યુનિવર્સિટી રોડ પર ભગતસિંહજી ગાર્ડન પાસેના હાઉસીંગ બોર્ડા રહેવાસીઓને ક્વાર્ટર ખાલી કરી દેવા દસ દિવસ પહેલા નોટિસ ફટકારી હતી. સેંકડો પરિવારો પર અત્યારે ચોમાસાના ટાણે જ બેઘર થવાનું સંકટ ઉભુ થયુ છે. હાઉસિંગ બોર્ડની આ વસાહતમાં આશરે 792 જેટલા ક્વાર્ટર્સ છે. હાઉસીંગ બોર્ડ તંત્રે સમયસર રિપેર કરાવવાની ફરજ ન પાડતા અનેક ક્વાર્ટર જર્જરિત અને બિસ્માર હાલતમાં પડ્યા છે. તંત્રએ વર્ષો સુધી આ અંગે કોઈ કાયમી ઉકેલ લાવવાની તસદી લીધી નથી. હવે જ્યારે ચોમાસુ માથે આવીને ઉભુ છે, ત્યારે અચાનક જાગી ગયેલા કોર્પોરેશનના અધિકારીઓએ રહીશોને સીધી પાણી અને વીજળીના જોડાણો કાપી નાખવાની નોટિસ ફટકારી છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ મનપા તંત્રએ ટેકનિકલ તપાસ અને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટનો હવાલો આપીને આ આખી ઇમારતને રહેવા માટે અયોગ્ય અને જોખમી ગણાવી છે. સવાલ એ ઊભો થાય છે કે જો આ રિપોર્ટ આટલો જ ગંભીર હતો, તો તંત્ર આખું વર્ષ કેમ ઊંઘતું રહ્યું? ચોમાસાની વરસાદ અને વાવાઝોડાની પરિસ્થિતિમાં જ્યારે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને આશરાની સૌથી વધુ જરૂૂર હોય છે, ત્યારે જ તેમને પાણી અને વીજળી વિના ટળવળતા કરીને ઘરમાંથી કાઢી મૂકવાની આ કામગીરી કેટલી યોગ્ય છે. સ્થળ પર માત્ર ભયજનક મિલકતના બોર્ડ મારી દેવાથી કોર્પોરેશનની જવાબદારી પૂરી થઈ જતી નથી. સ્થાનિકોમાં પણ સરમુખત્યારશાહી જેવા તંત્રના આ વલણ સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે.

દરમિયાન આજે મનપાના ઇજનેરો અને વોટર વકર્સ શાખાનો કાફલો હાઉસીંગ બોર્ડના ક્વાર્ટરને અપાયેલા નળ કનેકશન કાપવા માટે ત્રાટક્યો હતો. મેઇન લાઇન સાથે થયેલા જોડાણ કાપવા માટે ખાડા ખોદવાનું શરૂૂ કરાતાની સાથે જ રહેવાસીઓ ઘરની બહાર નીકળી આવ્યા હતા. નિંભર અધિકારીઓ સમક્ષ આજીજી કરી હતી. વિનંતિ કરી હતી. બે હાથ જોડ્યા હતા. આમછતા હીટલરશાહી જેવા તંત્રના વહીવટના જોરે ખાડા ખોદવાનું ચાલુ રાખવામા આવતા એક વડિલ રહેવાસીને પોતાનો આક્રોષ ઠાલવવા ખાડામાં સુઇ જવાની મજબૂરી વશ ફરજ પડી હતી. હાઉસીંગ બોર્ડની વસાહતના રહેવાસીઓમાં પ્રચંડ આક્રોષ છે. રહેવાસીઓનું ટોળુ મનપા કચેરીએ પણ દોડી ગયુ હતુ.

જ્યા મેયર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. મેયરે તમામની વાત સાંભળીને બાદમાં એવો નિર્ણય કર્યો છે કે, જર્જરિત ક્વાર્ટર દીવાળી સુધીમાં રિપેર કરી લેવાના રહેશે. આ આખરી મુદત છે. ચોમાસુ પુરુ થયા બાદ દીવાળી સુધીમાં જો જર્જરિત ક્વાર્ટર રિપેર કરી તેની ફીટનેસ ચકાસણી કરવામા નહીં આવે તો પછી બાદમાં કડક પગલાં લેવામા આવશે.

ખાડામાં સુઇને વૃધ્ધે ઠાલવેલી હૈયાવરાળ તેના જ શબ્દોમાં
અત્યારે અમારી પાસે પૈસા નથી, રોટલાના માંડ ભેગા થાય છે. પરસેવાનું, લોહીનું ટીપુ ટીપુ ભેગુ કર્યુ છે. રૂૂ.5 લાખ નાંખીને રિનોવેશન કરાવ્યુ હતુ. અને હવે પાણી-નળ લાઇન કાપવાનું બંધ કરો છો. અત્યારે અમારા નાના નાના બાલ બચ્ચાઓ છે. તેને લઇને અમારે જવુ કયા? જરાક પરમાત્માનો ડર રાખો. લોકો સદાવ્રત ખોલે છે. તમે સદાવ્રત ન બાંધો તો કંઇ નહીં પણ અમારી પાસે જેટલુ છે તેટલુ તો રહેવા દો. મકાન ક્યાય ભાડે મળતા નથી. અમને બીજે રહેવાની સગવડ તમારે આપવી નથી. ઉપર આભ અને નીચે ધરતી જેવી હાલત કરશો તો અમારે જવુ ક્યા?

ત્રણ વર્ષ પહેલા મેયરે કડક સુચના આપવા છતા ગૃહ નિર્માણ બોર્ડે નિંભર
શહીદ ભગતસિંહજી ગાર્ડન પાસેના ક્વાર્ટરની આવી હાલત થવા માટે ગુજરાત હાઉસીંગ બોર્ડનો પણ એટલો જ વાંક છે. ત્રણ વર્ષ પહેલા ખુદ મેયરે ગુહ નિર્માણ બોર્ડના એ વખતના જવાબદાર અધિકારીને રૂૂબરૂૂ બોલાવીને નાક વાંઢ્યુ હતુ કે, 700થી વધુ ક્વાર્ટરની આ વસાહત ભયજનક છે. રહેવાસીઓને વિશ્વાસમાં લઇને તાકીદે રિનોવેશન કરવુ જરૂૂરી છે. ગૃહ હાઉસીંગ બોર્ડે કોઇ તસ્દી ન લીધી અને આજે 700થી વધુ ફ્લેટમાં રહેતા 4000 પરિવારોની હાલત કફોડી બની ગઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *