ચોટીલાના સણોસરા ગામની સીમમાં જુગાર ધામ ચાલતું હોવાની ખાનગી રાહે માહિતી મળતા સ્થાનિક પોલીસને અંધારામાં રાખી જિલ્લા LCB એ દરોડો પાડી નવ જુગારીઓને 83,300ના મુદ્દામાલ સાથે પકડી પાડતા જુગારીઓમાં ફફડાટ ફેલાયો છે.
ચોટીલા પંથકમાં તાજેતરમાં જ સ્ટેટ વિજિલન્સ દ્વારા ગે. કા કેમિકલનાં હબ સમી હોટલ ઉપર સફળ દરોડા બાદ કેમિકલ કાંડમાં રેન્જ આઈ જી ના આકરા પગલા તેમજ જિલ્લા ની બ્રાન્ચમાં મોટા ફેરફાર બાદ પોલીસ વડા પ્રેમસુખ ડેલૂ દ્વારા અસામાજિક બદીઓને ડામવા કડક સૂચનાઓ આપતા લોકલ ક્રાઈમ બ્રાન્ચની નવી ટીમ દ્વારા ચોટીલા વિસ્તારમાં સપાટો બોલાવવામાં આવ્યો છે.
એલ.સી.બી.ના પોલીસ કોન્સ્ટેબલ સરદારસિંહ બારડને મળેલી ચોક્કસ બાતમીના આધારે, એલ.સી.બી. પી.આઈ. બી.એચ. શીંગરખીયા, પેરોલ ફર્લો સ્ક્વોડના પી.એસ.આઈ. એન.એ. રાયમાની ટીમ દ્વારા ચોટીલા તાલુકાના સણોસરા ગામની સીમમાં ધમધમતા જુગારની હાટડી ઉપર રેઈડ કરવામાં આવી હતી. આ સ્થળે જાહેરમાં પૈસાની હારજીતનો જુગાર રમી રહેલા 9 શખ્સોને પોલીસે પટમાંથી રોકડ રૂૂ. 38,300 તેમજ નવ મોબાઇલ મળી કુલ રૂૂ. 83,300 ના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઓપરેશન દરમિયાન વિછીયાના અજમેર ગામના નીલેશભાઇ લાલજીભાઈ ગાબુ તેમજ સણોસરાનાં વલ્લભભાઇ લીંબાભાઇ મકવાણા, હિતેષભાઇ ધનાભાઈ જાડા, વિક્રમભાઇ વાલજીભાઇ પરમાર, ભરતભાઇ વીરજીભાઇ બાવળીયા, હાર્દીકભાઇ વલ્લભભાઈ પરમાર, જયપાલભાઇ મોહનભાઇ ખીચડીયા, જયદીપભાઇ બચુભાઇ બાવળીયા,અશ્વીનભાઇ ધનજીભાઇ બાવળીયા વિરુદ્ધ ચોટીલા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સ્થાનિક પોલીસને અંધારામાં રાખી જિલ્લાની બ્રાન્ચના જે.ડી. રાઠોડ, વજાભાઇ સાનિયા, કુલદીપભાઇ બોરીચા સહિતની ટીમે દરોડો પાડતા જુગારની હાટડી કોઇની રહેમ હેઠળ ધમધમતી હતી કે કેમ? પંથકમાં ચર્ચા એ જોર પકડયું છે.
