હલેન્ડામાં ડીગ્રી વિના દર્દીની સારવાર કરતો નકલી ડોક્ટર ઝડપાયો

ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. રાજકોટના હલેન્ડા ગામમાં આજીડેમ પોલીસે દરોડો પાડી કોઈ પણ પ્રકારની માન્ય…

ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. રાજકોટના હલેન્ડા ગામમાં આજીડેમ પોલીસે દરોડો પાડી કોઈ પણ પ્રકારની માન્ય મેડિકલ ડિગ્રી વિના ક્લિનિક ચલાવી નિર્દોષ લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતા એક બોગસ ડોક્ટરને ઝડપી લીધો હતો.

મળતી વિગતો મુજબ હલેન્ડા ગામના રામજી મંદિર પાસે આવેલી એક દુકાનમાં કોઈ પણ પ્રકારની લાયકાત કે મેડિકલ ડિગ્રી ન હોવા છતાં એક શખ્સ ગેરકાયદેસર રીતે ક્લિનિક ખોલીને લોકોને એલોપેથિક દવાઓ આપી રહ્યો હોવાની માહિતીને આધારે આજીડેમ પોલીસ મથકના પી.આઈ એચ.એન.પટેલ તેમની ટીમે તબીબી અધિકારીઓને સાથે રાખીને દરોડો પાડ્યો હતો. પોલીસે બોગસ ડોક્ટર મુકુલભાઈ ઉર્ફે મુકેશ સુરેશ જોષીની ધરપકડ કરી હતી. મુકુલભાઈ જોષીએ માત્ર બી.એ. સુધીનો અભ્યાસ કરી નકલી ડોક્ટર બની એલોપેથિક સારવાર કરતો હતો. તેની પાસે મેડિકલ પ્રેક્ટિસ કરવા માટેનું કોઈ સર્ટિફિકેટ, રજિસ્ટ્રેશન કે માન્ય ડિગ્રી નહોતી. ડિગ્રી આર્ટસની હોવા છતાં તે દર્દીઓને એલોપેથિક હાઈડોઝ દવાઓ અને ઈન્જેક્શનો આપી લોકોના જીવ સાથે રમત રમી રહ્યો હતો.

પોલીસે કલીનીક માંથી તબીબી સારવારમાં વપરાતા સાધનો જેવા કે સ્ટેથોસ્કોપ, સિરીંજ , અલગ-અલગ પ્રકારના ઈન્જેક્શનો, વિવિધ કંપનીની સિરપ જેમાં ઉધરસ અને અન્ય પ્રવાહી દવાઓ તેમજ એલોપેથિક ટેબ્લેટ્સ સહિતનો મોટો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ઉપરાંત ક્લિનિકમાંથી પ્રેક્ટિસ દરમિયાન એકઠી થયેલી રોકડ રકમ સહિતની મતા પણ પોલીસે જપ્ત કરી છે.

પોલીસની કડક કાર્યવાહી આજીડેમ પોલીસે બોગસ ડોક્ટર મુકુલભાઈ ઉર્ફે મુકેશ જોષી સામે મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ અને લોકોના જીવ જોખમમાં મૂકવા બદલ આઈ.પી.સી.ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરી છે. આ નકલી ડોક્ટર કેટલા સમયથી આ ક્લિનિક ચલાવતો હતો અને તેને દવાઓનો આ જથ્થો કોણ સપ્લાય કરતું હતું તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *