આર્થિક ભીંસથી કંટાળી ફર્નિચરના ધંધાર્થીનો એસિડ પી આપઘાત

આર્થિક મંદીના કારણે અનેક લોકોએ આત્મઘાતી પગલા ભર્યા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં આવેલી સીતારામ સોસાયટીમાં રહેતા…

આર્થિક મંદીના કારણે અનેક લોકોએ આત્મઘાતી પગલા ભર્યા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં આવેલી સીતારામ સોસાયટીમાં રહેતા ફર્નિચરના ધંધાર્થીએ ધંધો નહીં ચાલતા આર્થીકભીંસથી કંટાળી એસિડ પી આપઘાત કરી લેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં આવેલી સીતારામ સોસાયટીમાં રહેતા લલીતભાઈ હરિભાઈ પીપળીયા નામના 55 વર્ષના આધેડ ગત તા.11ના રોજ બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે એસિડ પી લીધુ હતું. આધેડને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.

જ્યાં ટૂંકી સારવાર દરમિયાન લલિતભાઈ પીપળીયાએ હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી આધેડના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક લલિતભાઈ પીપળીયા ત્રણ ભાઈ એક બહેનમાં વચેટ હતા અને લલીતભાઈ પીપળીયાને સંતાનમાં એક પુત્ર હતો જેણે દસ વર્ષ પહેલાં ગળેફાંસો ખાય આત્મઘાતી પગલું ભરી લીધું હતું. લલીતભાઈ પીપળીયાએ પીપળીયા ફર્નિચરનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા પરંતુ હાલ ધંધો ચાલતો ન હોવાથી આર્થિકભીંસથી કંટાળી એસિડ પી જીવન ટૂંકાવી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

કારખાનેદારનો બીમારીથી કંટાળી કારખાનામાં ફાંસો ખાઈ આપઘાત
ગાયત્રીનગર મેઇન રોડ પર આવેલા ગોપાલનગરમાં રહેતાં હિતેષભાઈ અમરશીભાઈ પરમાર (ઉ.વ.52)એ આજી ડેમ સર્વિસ રોડ સામે રિદ્ધી-સિદ્ધીના નાલા પાસે આવેલા પોતાના કિંજલ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં પંખા સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. તેનો મોટો પુત્ર કારખાને આવતા પિતા હિતેષભાઈ પરમારને ગળાફાંસો ખાધેલી હાલતમાં જોતા તત્કાલ 108ને બોલાવી હતી. 108ના ઇએમટીએ જોઈ તપાસી હિતેષભાઈ પરમારને મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે. આ ઘટના અંગે જાણ થતાં ભક્તિનગર પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. પ્રાથમિક તપાસમાં હિતેષભાઈ પરમાર બે ભાઈમાં મોટા હતા અને તેમને સંતાનમાં બે પુત્રો છે. હિતેશભાઈ પરમાર મોટા પુત્ર સાથે કારખાનું ચલાવતા હતા. દરરોજ સવારે મોટા પુત્ર સાથે કારખાને જતા હતા. છેલ્લા 3-4 માસથી તેને ચામડીની બીમારી લાગુ પડી હતી. જેનાથી કંટાળી સવારે ઘરેથી કારખાને વહેલો જાઉ છું કહીંને નિત્યક્રમ સમય પહેલા વહેલા કારખાને પહોંચી આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ભક્તિનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *