રાજકોટ શહેરમાં ઓનલાઇન સાયબર ક્રાઇમ અને ડિજિટલ ઠગાઈના બનાવો સતત વધી રહ્યા છે,ત્યારે એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગુગલ સર્ચ એન્જિન પરથી કસ્ટમર કેરનો નંબર મેળવવો એક પ્રતિષ્ઠિત કંપનીના માર્કેટિંગ મેનેજર માટે અત્યંત નુકસાનકારક સાબિત થયો છે.લખનૌના સરકારી વિભાગમાંથી બાકી નીકળતી ડિપોઝિટ રિફંડ મેળવવાની પ્રક્રિયા દરમિયાન અજાણ્યા સાયબર ઠગોએ મેનેજરનો મોબાઇલ ફોન હેક કરીને બે અલગ-અલગ બેંક ખાતાઓમાંથી કુલ રૂૂપિયા 1,93,000 ની મતા સેરવી લીધી હોવાની સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે.
આ બનાવની વિગત એવી છે કે, રાજકોટના જયંત કે.જી. સોસાયટી, જૈન ઉપાશ્રય પાસે રહેતા 60 વર્ષીય અશેષભાઈ રજનીકાન્ત ભાઈ જોષી ઉમાકાંત પંડિત ઉદ્યોગનગરમાં આવેલી ટોપલેંડ એન્જીન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં માર્કેટિંગ મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમની કંપની દ્વારા ઉત્તર પ્રદેશના લખનૌ ખાતે આવેલા માઇનોર ઇરીગેશન ડિપાર્ટમેન્ટને મશીનરી સપ્લાય કરવામાં આવી હતી. આ મશીનરીની ડિપોઝિટ પેટે રાખવામાં આવેલી રકમ લાંબા સમયથી પરત આવી ન હતી. આ રિફંડ મેળવવા માટે ગત તારીખ 7 જૂન 2026 ના રોજ સાંજના આશરે પાંચ વાગ્યે અશેષભાઈએ પોતાના મોબાઇલથી ગુગલ પર માઇનોર ઇરીગેશન ડિપાર્ટમેન્ટ લખનૌનો કસ્ટમર કેર નંબર સર્ચ કર્યો હતો. ત્યાંથી તેમને એક અજાણ્યો નંબર 93665 90352 મળ્યો હતો જેના પર તેમણે સંપર્ક કર્યો હતો.
અશેષભાઈએ આ નંબર પર કોલ કરીને કંપનીની ડિપોઝિટ રિફંડ બાબતે વાતચીત કરી હતી. સામા પક્ષેથી ઠગે પોતે કસ્ટમર કેરનો પ્રતિનિધિ હોવાની ઓળખ આપી જણાવ્યું હતું કે, કમ્પ્લેઇન રજિસ્ટર કરવા માટે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે અને તેના માટે વોટ્સએપ પરથી કોલ અને મેસેજ આવશે. ત્યાર બાદ થોડી જ વારમાં બીજા એક અજાણ્યા મોબાઇલ નંબર પરથી અશેષભાઈ પર કોલ આવ્યો હતો અને તેમની ફરિયાદ નોંધવાના બહાને વોટ્સએપ પર એક એપ્લિકેશનની લિંક અથવા ફાઇલ મોકલવામાં આવી હતી. મેનેજરે આ લિંક પર ક્લિક કરતાની સાથે જ સાયબર ગુનેગારોએ તેમનો સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન સંપૂર્ણપણે હેક કરી લીધો હતો અને તમામ નિયંત્રણો પોતાના હાથમાં લઈ લીધા હતા.
મોબાઇલ હેક થતાં જ ઠગોએ અશેષભાઈના યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાંથી રૂૂપિયા 97,000 અને એક્સિસ બેંકના ખાતામાંથી રૂૂપિયા 96,000 ની રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરી લીધી હતી. બેંકમાંથી નાણાં ઉપડી ગયાના મેસેજ આવતા જ મેનેજર ચોંકી ઉઠ્યા હતા અને પોતે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનો અહેસાસ થયો હતો.
