ગોંડલમાં પોરબંદરના બે ગુનામાં એક વર્ષથી નાસતો-ફરતો આરોપી ઝડપાયો

રાજકોટ ગ્રામ્ય જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ટીમને એક મોટી સફળતા મળી છે. પોરબંદર જિલ્લાના બે અલગ-અલગ ગંભીર ગુનાઓમાં છેલ્લા એક વર્ષથી પોલીસને થાપ આપીને…

રાજકોટ ગ્રામ્ય જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ટીમને એક મોટી સફળતા મળી છે. પોરબંદર જિલ્લાના બે અલગ-અલગ ગંભીર ગુનાઓમાં છેલ્લા એક વર્ષથી પોલીસને થાપ આપીને નાસતા-ફરતા એક આરોપીને રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.એ ગોંડલ ખાતેથી દબોચી લીધો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોહનભાઇ ઉર્ફ ધોબી રણછોડભાઇ વાજા (ઉંમર 59 વર્ષ, રહે. સુરજ પેલેસ બંગલાની પાછળ, પોરબંદર) છે. આ આરોપી સામે પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નાણા ધીરધાર (વ્યાજખોરી) અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયેલો હતો. આ સિવાય પોરબંદર સાયબર પોલીસ સ્ટેશનમાં પણ તેની સામે છેતરપિંડી અને સાયબર ફ્રોડનો ગુનો દાખલ થયેલો હતો. આ બંને ગુનાઓમાં પોતાની ધરપકડથી બચવા માટે તે છેલ્લા એક વર્ષથી ફરાર હતો.

રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક (DIG) નિર્લિપ્ત રાય અને રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષક (SP) વિજય સિંહ ગુર્જર દ્વારા નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત એલ.સી.બી.ની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે સ્ટાફને મળેલી ચોક્કસ અને ખાનગી બાતમીના આધારે આરોપી મોહનભાઇને ગોંડલ ખટારા સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

આરોપીને પકડીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ગોંડલ સિટી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.આ સફળ કામગીરી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પી.આઈ. જે.પી. રાવ, પી.એસ.આઈ. કે.એમ. ચાવડા, એચ.સી. ગોહીલ, આર.વી. ભીમાણી, પી.એન. ભરવાડ તથા એ.એસ.આઈ. અને હેડ કોન્સ્ટેબલ સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *