જેતપરના ખેડૂતોને યોગ્ય વળતર અથવા હિસ્સો આપો

વીજ થાંભલાને લઈને વીજ કંપની સામે ચાલી રહેલા આંદોલન વચ્ચે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી મોરબી જિલ્લાના જેતપર ગામે પહોંચ્યા હતા. જેતપર…

વીજ થાંભલાને લઈને વીજ કંપની સામે ચાલી રહેલા આંદોલન વચ્ચે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી મોરબી જિલ્લાના જેતપર ગામે પહોંચ્યા હતા. જેતપર ગામે વીજ થાંભલાને લઈને છેલ્લા ઘણા દિવસથી આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે ઈશુદાન ગઢવીએ જેતપુર ગામે આંદોલન છાવણીની મુલાકાત લઈને ખેડૂતો સાથે આ મુદ્દે વાતચીત કરી હતી ખેડૂતોની આ લડાઈમાં તેઓ સાથે હોવાનું જણાવી સરકાર અને વીજ કંપનીને આડે હાથ લીધી હતી.

જેતપર ગામે પહોંચેલા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, હું આજે જેતપર ગામે કોઈ રાજનીતિ કરવા નહીં પરંતુ ખેડૂતના દીકરા તરીકે આવ્યો છું. આ વીજ લાઈન ગુજરાતના અનેક ખેડૂતોના ખેતરમાંથી નીકળવાની છે. વિરોધ કરેલા ખેડૂતોને ધમકીઓ પણ આપવામાં આવી રહી છે, તો કેટલીક જગ્યાએ આગેવાનોને પણ ધમકાવવામાં આવી રહ્યા છે. તો કોઈને પોલીસથી ડરાવવામાં આવી રહ્યા છે. કોઈ આપણી જમીન પર નજર કરે તો આપણે માથા પણ આપી દઈએ છીએ તે આપણી સંસ્કૃતિ છે. પરંતુ ખેડૂતો હાલ શાંત રીતે રજૂઆતો કરી રહ્યા છે.

ઈશુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, વીજ કંપનીઓ ખાંભલા અને પવનચક્કી આપણા ખેતરમાં નાખે છે અને ફંડ રાજકીય પાર્ટીઓને આપે છે. મેં અગાઉ જ કહ્યું હતું કે ચૂંટણી પૂરી થશે એટલે આવી વીજ લાઈનના થાંભલા નાખવાનું કામ અને સ્માર્ટ મીટર નાખવાનું કામ શરૂૂ થશે. અત્યારે જમીનના ભાવ લાખોમાં છે અને આ જ જમીન 25 વર્ષ પછી કરોડો રૂૂપિયાની થવાની છે. ત્યારે કંપની અત્યારે જે વળતર ચૂકવે છે તે હાલની કિંમત પ્રમાણે પણ નથી તો ભવિષ્યમાં અમારું શું ? આમાં વીજ કંપની, નેતાઓ, રાજકીય પાર્ટીઓ, અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો કમાય છે અને જમીન ખેડૂતોની છે. તેમ છતાં ખેડૂતોને પૂછ્યા વગર વીજળીના થાંભલા નાખવામાં આવી રહ્યા છે. એક થાંભલામાંથી વીજ કંપની વર્ષો સુધી કરોડો રૂૂપિયા કમાવવાની છે.
ઈશુદાન ગઢવીએ કહ્યું હતું કે, જેમ વીજ કંપનીના રક્ષણ માટે પોલીસ ભાડે આપો છો તેમ ખેડૂતોને પોલીસ ભાડે આપો. આપણી મા સમાન જમીન ઉપર કબજો કરવામાં આવી રહ્યો છે એટલે આપણે સૌ અહીંયા આંદોલન માટે બેઠા છીએ.

ઈશુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું કે, આ મામલે મેં બે દિવસ પહેલા મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. જેમાં મેં સમગ્ર ગુજરાતના ખેડૂતો વતી સાત માગણીઓ મૂકી છે. એમાં મેં જણાવ્યું હતું કે, કલેક્ટરના અધ્યક્ષ સ્થાને રચાયેલી કમિટી અમને મંજૂર નથી. જેથી રાજ્ય લેવલની કમિટી બનાવો અને તેમાં કેન્દ્ર સરકારના અધિકારીઓ, રાજ્ય સરકારના અધિકારીઓ, નિવૃત્ત ન્યાયાધીશ, નિષ્ણાતો અને ખેડૂતોને પણ રાખો. બીજી માંગ કરી છે કે 25 વર્ષ પછી જમીનના ભાવ હોય તે પ્રમાણે વળતર નક્કી કરો અથવા કંપનીના પ્રોફિટમાં 8 થી 10% હિસ્સો આપો. આ ઉપરાંત ખેડૂતની મંજૂરી વગર કોઈપણ અધિકારી ખેતરમાં પ્રવેશ કરવો ન જોઈએ તેવી અલગ અલગ માગણીઓ મુખ્યમંત્રી સમક્ષ રાખી છે.

આ તકે આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે, અત્યારે ખેડૂતોને જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેવી જ પ્રક્રિયા અમારા વિસ્તારોમાં પણ શરૂૂ થઈ ગઈ છે અને આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં એક પછી એક આ પ્રકારની કાર્યવાહી થવાની છે. ત્યારે જેતપરના ખેડૂતો એક થઈને જે લડાઈ લડી રહ્યા છે તે માત્ર જેતપરના ખેડૂતોની લડાઈ નથી, પરંતુ સમગ્ર ગુજરાતના ખેડૂતોની લડાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *