ગીર ગઢડા તાલુકાના થોરડી (ગીર) ગામમાં છેલ્લા બે દિવસથી આતંક મચાવનાર આદમખોર દીપડો આખરે વન વિભાગની ટીમે 35 કલાકની સતત મહેનત બાદ પાંજરે પુરાયો છે. દીપડાએ ગામ અને આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જી દીધો હતો. દીપડો પકડાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. મળતી માહિતી મુજબ દીપડાએ સૌપ્રથમ કેળાના બગીચામાં કામ કરી રહેલા કાકા-ભત્રીજા પર હુમલો કર્યો હતો. ત્યારબાદ ખેતરમાં કામ કરતા 50 વર્ષીય કેશુભાઈ મોઢકિયા પર પણ હુમલો કર્યો હતો. ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
દરમિયાન બચાવકામગીરીમાં જોડાયેલા ફોરેસ્ટ વિભાગના એક ફાયર ગાર્ડ પર પણ દીપડાએ હુમલો કરતા કુલ ચાર વ્યક્તિઓ દીપડાના હુમલાનો ભોગ બન્યા હતા. દીપડાના સતત હુમલાઓને પગલે થોરડી ગામ અને આસપાસના વિસ્તારમાં ભયનો માહોલસર્જાયો હતો. ગ્રામજનોએ વહેલી તકે દીપડાને પકડવાની માંગ ઉઠાવી હતી.વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે સઘન કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વન વિભાગની ટીમે સતત 35 કલાક સુધી ટ્રેકિંગ, પેટ્રોલિંગ અને પાંજરાં ગોઠવી કામગીરી હાથ ધરી હતી. અંતે વન વિભાગને સફળતા મળતા આદમખોર દીપડો પાંજરે પુરાયો હતો. વન વિભાગ દ્વારા દીપડાને કેદ કરી હાલ એનિમલ કેર સેન્ટરમાં રાખવાં આવેલછે સુરક્ષિત સ્થળે ખસેડવાની બાબરીયા રેન્જ ફોરેસ્ટ એ કામગીરી હાથ ધરવામાં આવી છે.
