અમદાવાદમાં રહેતો પરિવાર પુરુષોત્તમ માસ નિમિત્તે દ્વારકા દર્શન કરી પરત ફરતો હતો. ત્યારે રાજકોટના માલિયાસણ પાસે અમદાવાદના યાત્રિકોની બસ પલટી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં 19 જેટલા લોકોને નાની મોટી ઇજા પહોંચી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ અમદાવાદમાં રાણીપુર વિસ્તારમાં રહેતા એક જ સોસાયટીના 20 જેટલા લોકો પુરુષોત્તમ માસ નિમિત્તે મીનીબસ લઇ યાત્રાએ નિકળ્યા હતા. યાત્રિકો દ્વારકા દર્શન કરી અમદાવાદ પરત ફરી રહ્યા હતા. ત્યારે રાજકોટના માલિયાસણ પાસે ડ્રાઇવરે ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી ખાઇ ગઇ હતી. જે અકસ્માતમાં આશરે 19 જેટલા લોકોને નાની મોટી ઇજા પહોંચી હતી. જયારે મિતભાઇ રાકેશભાઇ પટેલ (ઉ.વ.25), રાકેશ નારણભાઇ પટેલ (ઉ.વ.49), માનિયા ભરતભાઇ પ્રજાપતી (ઉ.વ. 18), મીતાબેન સુનીલ ભાઇ પટેલ (ઉ.વ.48) અને વર્ષાબેન ભરતભાઇ પ્રજાપતી (ઉ.વ.48)ને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
