બોક્ષ પેકિંગના કારખાનેદારના નામે ગ્રાહકો સાથે લાખોની છેતરપિંડી

ઠગ ટોળકી સામે ફરિયાદ, અનેક લોકોને શિશામાં ઉતાર્યાની શંકા ઇન્સ્ટાગ્રામમાં બોગસ એકાઉન્ટ બનાવી સતત એક વર્ષ સુધી ગ્રાહક દીઠ 20 હજાર પડાવ્યા ટેકનોલોજીના દુરુપયોગ દ્વારા…

ઠગ ટોળકી સામે ફરિયાદ, અનેક લોકોને શિશામાં ઉતાર્યાની શંકા

ઇન્સ્ટાગ્રામમાં બોગસ એકાઉન્ટ બનાવી સતત એક વર્ષ સુધી ગ્રાહક દીઠ 20 હજાર પડાવ્યા

ટેકનોલોજીના દુરુપયોગ દ્વારા વેપારીઓની પ્રતિષ્ઠા ખરડી ઓનલાઇન આર્થિક છેતરપીંડી કરતી એક શાતિર ટોળકીએ રાજકોટ માં પેકેજીંગ બોક્સના ‘પેકેજીંગ હબ’ના ધંધાના વ્યવસાય કરતા વેપારીની પેઢીના નામે અલગ અલગ બોગસ ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી વેપારીની જાણીતી બ્રાન્ડ અને નામ તેમજ સરનામા અને જી.એસ.ટી. નંબરનો ગેરકાયદેસર ઉપયોગ કરી, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર નકલી એકાઉન્ટ્સ બનાવીને દેશભરના ગ્રાહકો સાથે હજારો રૂૂપિયાની ઠગાઈ આચરવામાં આવી છે. આ સમગ્ર મામલે સાયબર ક્રાઇમ પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે.

મળતી વિગત મુજબ, રાજકોટના આનંદનગર મેઇન રોડ પર આવેલ અમૃત પાર્ક સોસાયટીમાં રહેતા અને આજી નદીના પુલ પાસે મીરા ઉદ્યોગ ઇન્ડસ્ટ્રીઝમાં છેલ્લા ચાર વર્ષથી ’પેકેજિંગ હબ’ નામે પેકેજિંગ બોક્સનો મોટો વ્યવસાય કરતા હિતેશભાઈ છગનભાઈ કાકડીયા (ઉં.વ. 45) એ આ મામલે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ ’પેકેજિંગ હબ’ નામે પેકેજિંગ બોક્સનો વ્યવસાય માટે પોતાના ધંધાના પ્રચાર-પ્રસાર માટે વર્ષ 2021 થી ઇન્સ્ટાગ્રામ પર સત્તાવાર આઇડી ધરાવે છે. જોકે, છેલ્લા એકાદ વર્ષથી કોઈ અજાણ્યા ભેજાબાજ તત્વોએ તેમના બિઝનેસ પ્રોફાઇલને મળતા આવતા નામોથી નકલી ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવી લીધા હતા. આ ગઠિયાઓએ ફરિયાદીની પેઢીનો અધિકૃત જી.એસ.ટી. નંબર અને સરનામું ચોરી કરીને ગ્રાહકોને બોગસ ઇન્વોઇસ અને બિલ મોકલવાનું શરૂૂ કર્યું હતું.

આ આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે દેશના અલગ-અલગ રાજ્યોમાંથી ભોગ બનનાર ગ્રાહકોએ ઓનલાઇન પેમેન્ટ કર્યા બાદ માલ સામાન ન મળતા અસલી વેપારી હિતેશભાઈનો સંપર્ક સાધ્યો. ગત માર્ચ મહિનામાં એક ગ્રાહકે સાયબર ગઠિયાઓના ઝાંસામાં આવી રૂૂ. 2,400 નું પેમેન્ટ રાજકોટ નાગરિક સહકારી બેંકના ખાતા માં ટ્રાન્સફર કર્યું હતું, પરંતુ માલ મળ્યો ન હતો. આ ઉપરાંત દિલ્હીની ગુરપ્રીત કૌર, નવસારીના વૈભવ ચોપરા અને સહારનપુરની આશના ગર્ગ સહિતના અનેક લોકો આ ટોળકીનો શિકાર બન્યા હોવાનું સામે આવ્યું છે. ગઠિયાઓ ગ્રાહકોને વિશ્વાસમાં લેવા માટે ફરિયાદીના નામના જ ખોટા બિલ બનાવી સોશિયલ મીડિયા પર મોકલતા હતા.

ભોગ બનનારાઓએ રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ દાખલ કરતા આખરે રાજકોટના વેપારીએ પોતાની પેઢીની બજાર પ્રતિષ્ઠા બચાવવા અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી અટકાવવા સાયબર પોલીસનો આશરો લીધો છે. રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે આ મામલે: ઇન્સ્ટાગ્રામ આઇડી: packaging8, packagingallbox, realpackaging, uniquepackagingના ધારકો અને રાજકોટ નાગરિક બેંકના સંબંધિત ખાતાધારક સામે વિશ્વાસઘાતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પી.આઈ એસ.ડી. ફુલતરીયાએ અને તેમની ટીમે તપાસનો દોર હાથમાં લીધો છે. ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ, આઇપી એડ્રેસ અને બેંક ટ્રાન્ઝેક્શનના આધારે આ રેકેટ પાછળ કયા સાયબર અપરાધીઓ સંડોવાયેલા છે તેની શોધખોળ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *