ભાવનગર માં પ્રેમી સાથે રહેતી પરિણીતાને તેના પ્રેમી દ્વારા અવારનવાર કરાતી મારકૂટ અને પ્રેમીએ ’હું તને હવે મારી સાથે રાખવાનો નથી’ તેમ કહીને કડવા વેણ બોલી મરી જવા ઉશ્કેરણી કરતાં પરિણીતાએ પિયરમાં જઈને ઝેરી દવા પી આત્મહત્યા વહોળી લીધી છે.
આ બનાવ ની વિગત એવી છે કે ભાવનગરના સુભાષનગર વિસ્તાર માં રહેતા લાભુબેન ચંદુભાઈ ચૌહાણ એ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર તેમની મોટી દીકરી હિનાબેનના લગ્ન 2009માં શહેરના ખેડૂતવાસમાં રહેતા સંજયભાઈ ગુજરીયા સાથે થયા હતા. આ લગ્નજીવનથી તેમને 17 વર્ષની દીકરી અને 14 વર્ષનો દીકરો પણ છે.
જોકે, આશરે 4 વર્ષ પહેલાં પતિ સાથે મનમેળ ન રહેતાં અને હિનાને વિશાલ ભનુભાઈ કંટારીયા (રહે. રામવાડી, ખેડૂતવાસ) સાથે પ્રેમ સંબંધ બંધાતાં, તે પોતાના બે સંતાન અને પતિને છોડીને સુભાષનગરમાં મામાના ઓટલા પાસે પ્રેમી વિશાલ સાથે રહેવા જતી રહી હતી.
માતા લાભુબેને અવારનવાર હિનાને સમજાવીને તેના સાસરે મોકલી હતી, પરંતુ તે દર વખતે ઝઘડો કરીને વિશાલ પાસે જ પરત દોડી જતી હતી. શરૂૂઆતમાં બધું બરાબર ચાલ્યા બાદ છેલ્લા એકાદ વર્ષથી પ્રેમી વિશાલ કંટારીયા અસલી રંગમાં આવ્યો હતો. તે અવારનવાર દારૂૂ પીને હિના સાથે વગર કારણે ગંભીર મારકૂટ કરતો હતો અને શારીરિક-માનસિક ત્રાસ આપતો હતો.
એટલું જ નહીં, તે હિનાને વારંવાર મહેણાં મારીને કહેતો કે, તું ગમે તેમ કરીને મરી જા, હું તને હવે મારી સાથે નહીં રાખું. પ્રેમીના આ રોજ-રોજના ત્રાસ અને ધિક્કારથી હિના માનસિક રીતે તદ્દન ભાંગી પડી હતી.
પ્રેમીના ત્રાસથી અતિશય કંટાળીને હિનાબેન પોતાના પિયરના ઘર પાસે આવ્યા હતા અને ત્યાં તેમણે પ્લાસ્ટિકની બોટલમાંથી ઝેરી દવા ગટગટાવી લીધી હતી. હિનાને તરફડતી જોઈને પરિવારજનોએ તેને ગંભીર હાલતમાં તાત્કાલિક ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડી હતી. જ્યાં બે દિવસ સુધી મોત સામે ઝઝૂમ્યા બાદ આખરે સારવાર દરમિયાન હિનાબેનનું કરૂૂણ મૃત્યુ નીપજ્યું હતું.
દીકરીના મોતના આઘાતમાંથી બહાર આવ્યા બાદ માતા લાભુબેને આખરે હિંમત કરીને ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં નરાધમ પ્રેમી વિશાલ કંટારીયા સામે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે આરોપી વિશાલ સામે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
