રાજકોટમાં રહેતા ખેડૂતને ગોંડલના પરિચિત મિત્રએ જ પોતાના આર્થિક સ્વાર્થ ખાતર અન્ય એક નિર્દોષ ખેડૂતને એક યુવતીને મદદથી ફસાવી હનીટ્રેપનો શિકાર બનાવી અપહરણ કરી કાર પડાવી લેતા આ મામલે માતા-પુત્ર અને એક યુવતી સહીત 4 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
રાજકોટના મોરબી રોડ પર આવેલી તિરૂૂપતિ સોસાયટીમાં રહેતા અને વ્યવસાયે ખેતીકામ કરતા 40 વર્ષીય ખેડૂત ભાવેશભાઈ નાનજીભાઈ દુધાતરાએ નોંધાવેલી ફરિયાદમાં મિત્ર દશરથ તેમજ સંગીતા નામની યુવતી અને ઇમરાન અને ઇમરાનની માતાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ભાવેશભાઈના પરિચિત મિત્ર દશરથ જેન્તીભાઈ સરવૈયાએ બદઇરાદાથી એક પૂર્વઆયોજિત કાવતરું રચ્યું હતું. આ ષડયંત્રના ભાગરૂૂપે દશરથે સંગીતા નામની એક યુવતી સાથે ભાવેશભાઈનો ટેલિફોનિક સંપર્ક કરાવ્યો હતો. સંગીતાએ ભાવેશભાઈને પોતાની માયાવી પ્રેમજાળમાં ફસાવી દીધા હતા અને ત્યારબાદ મુલાકાતના બહાને ગોંડલના વોરાકોટડા રોડ પર બોલાવ્યા હતા. ભાવેશભાઈ જેવા ત્યાં પહોંચ્યા કે તરત જ સંગીતા તેમને એક અજાણ્યા મકાનની ઓરડીમાં દોરી ગઈ હતી. જ્યાં તેઓ રૂૂમમાં પ્રવેશ્યા કે તુરંત જ પૂર્વઆયોજિત પ્લાન મુજબ ઇમરાન મેમુદશાહ શાહમદાર અને તેની માતા ત્યાં ધસી આવ્યા હતા.
રૂૂમમાં પ્રવેશતાની સાથે જ આરોપી ઇમરાને ઉગ્ર સ્વરૂૂપ ધારણ કરી ભાવેશભાઈને ઉપરાઉપરી લાફા ઝીંકી દીધા હતા અને છરી બતાવી આતંક મચાવ્યો હતો. ઇમરાને બિભત્સ ગાળો આપી ધમકાવ્યા હતા કે, “મેં અત્યાર સુધીમાં 9 મર્ડર કર્યા છે અને જો તું ચૂં કે ચાં કરીશ તો 10મું મર્ડર તારું કરી નાખીશ.” આરોપીઓએ ભોગ બનનારને દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી દેવાની ગર્ભિત ધમકી આપીને ગભરાવી દીધા હતા. આ ભયના ઓથાર હેઠળ આરોપીઓએ બળજબરીથી ભાવેશભાઈ પાસેથી રૂૂ. 3,400ની રોકડ રકમ તુરંત જ પડાવી લીધી હતી. આટલેથી જ ન અટકતા, આરોપીઓએ તેમને એક રૂૂમમાં ગોંધી રાખીને મામલો થાળે પાડવા અને સમાધાન પેટે રૂૂ. 3.5 લાખની મસમોટી ખંડણીની માંગણી કરી હતી. પરંતુ ખેડૂત પાસે તે સમયે નાણાં ઉપલબ્ધ ન હોવાથી, આરોપીઓએ ખેડૂતની અંદાજે રૂૂ. 3.5 લાખની કિંમતની હ્યુન્ડાઈ ક્રેટા કાર નંબર જીજે -09-બીડી-1834 બળપૂર્વક આંચકી લીધી હતી.
આ ગુનાહિત કૃત્ય આચર્યા બાદ મુખ્ય સૂત્રધાર મિત્ર દશરથ પણ ત્યાં આવી પહોંચ્યો હતો અને ચારેય શખ્સોએ ભેગા મળીને ભાવેશભાઈનું તેમની જ કારમાં અપહરણ કર્યું હતું.
ત્યારબાદ આરોપીઓ ભોગ બનનાર ભાવેશભાઈને ગોંડલના એક વકીલની ઓફિસે લઈ ગયા હતા, જ્યાં કાયદાકીય દસ્તાવેજો પર ડરાવી-ધમકાવીને કારના લખાણ પર બળજબરીથી સહીઓ કરાવી લીધી હતી અને કાર સંપૂર્ણપણે પડાવી લીધી હતી. આ ચકચારી ઘટના બાદ ભોગ બનનારે હિંમત પૂર્વક પોલીસનો સંપર્ક કર્યો હતો. ગોંડલ સિટી બી-ડિવિઝન પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી મુખ્ય આરોપીઓ દશરથ, સંગીતા, ઇમરાન અને ઇમરાનની માતા વિરુદ્ધ ગુનો નોંધી તમામ આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
