જસદણ અને વિંછીયા, બાબરા, ચોટીલા, સરવા, ગઢડા જેવા સામાજીક અને આર્થિક રીતે પછાત તાલુકાના વિધાર્થીઓને વિજ્ઞાન પ્રવાહના અભ્યાસ માટે બહાર જવું ન પડે તેની ચિંતા કરી ધારાસભ્ય અને શ્રમ, કોશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ શિક્ષણના સ્તરને ઉચું લાવવા વિજ્ઞાન પ્રવાહની કોલેજ મંજુર કરાવી છે.
વિજ્ઞાન પ્રવાહની કોલેજમાં વિધાર્થીઓની સંખ્યા અને ઇજઈ સુધીના અભ્યાસ ક્રમમાં સેમેસ્ટર વાઈઝ જુદા જુદા પ્રયોગો માટેની લેબોરેટરી સાથે આનુસાંગિક ઈન્ફ્રાસ્ટ્રકચર સાથે અદ્યતન બિલ્ડીંગના કામને મંજુરી આપવામાં આવી છે જેથી વિધાર્થીઓનું ભવિષ્ય ઉજળુ બનશે. કોલેજ માટે જમીન ફાળવવા મહેસુલ વિભાગને કરવામાં આવેલ દરખાસ્તને મંજુરી મળતા સને.2024/25 ના વર્ષની નવીન મકાન બાંધકામ અને તેને આનુષાંગિક કામો બાબતની શિક્ષણ વિભાગે નવી રાષ્ટ્રિય શૈક્ષણીક નીતિ-2020 પ્રમાણે વર્ગખંડ, પ્રયોગશાળા સહીતના કામ માટે રાજય સરકારે રૂૂા. 32.00 કરોડની સુધારા સાથેની વહીવટી મંજુરી આપવામાં આવી છે. આ કામગીરી થતાં જસદણ તથા વિંછીયા તાલુકા ઉપરાંત બોટાદ, બાબરા, ચોટીલા, ગોંડલ આજુબાજુના વિધાર્થીઓને કોલેજનો લાભ મળશે.
વિજ્ઞાન પ્રવાહની કોલેજ માટે શિક્ષણ વિભાગે આચાર્ય, આસી.પ્રોફેસર, ગ્રંથપાલ, પી.ટી.આઈ, લેબ.આસી., શ્રેયાન કલાર્ક, જુનીયર કલાર્ક સહીતની જગ્યાઓ મંજુર કરવામાં આવી છે, ટાઈપ ડીઝાઈન મુજબ બાંધકામ ક્ષેત્રફળ અંદાજે 5807 ચો.મી.ની જગ્યામાં આ કામગીરી થનાર છે આ કામના અંદાજો બનાવવા,ટી.એસ,ટેન્ડર સહીતની કામગીરી થયે આગામી દિવસોમાં નવા મકાનની સુવિધા વિધાર્થીઓને મળતી થશે.
જસદણ અને વિંછીયા તાલુકાને સ્પર્શતા વરસો જુના મહત્વના પ્રશ્નનું નિરાકરણ આવતા બન્ને તાલુકાના આગેવાનોએ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યકત કર્યા છે.
