ધ્રોલમાં જૈન વણિક બોર્ડિંગ ટ્રસ્ટની કરોડો રૂૂપિયાની કિંમતી જમીન પર ગેરકાયદે કબજો કરી મિલકત પચાવી પાડવાના આક્ષેપસર નોંધાયેલા લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધ્રોલ પોલીસે ઝડપી કાર્યવાહી કરી પિતા-પુત્ર સહિત ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ આરોપીઓને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવતા કોર્ટે તેમને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ધ્રોલના પંચવટી સોસાયટી સામે આવેલી જૈન વણિક બોર્ડિંગ ટ્રસ્ટની માલિકીની સીટી સર્વે નં. 3865ની આશરે 4731.93 ચોરસ મીટર જમીન પર ગેરકાયદે કબજો કરી મિલકત પચાવી પાડવામાં આવી હોવાના આક્ષેપ સાથે ટ્રસ્ટના ટ્રસ્ટી વિશ્વાસભાઈ યોગેશકુમાર મહેતાએ ધ્રોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં જણાવ્યા મુજબ વર્ષ 1983માં ટ્રસ્ટ દ્વારા ચોકીદાર તરીકે રાખવામાં આવેલા લાલજીભાઈ કારાભાઈ પઢીયારને રહેવા માટે એક ઓરડી ફાળવવામાં આવી હતી. પરંતુ બાદમાં લાલજીભાઈ પઢીયાર તથા તેમના પુત્રો ગોવિંદભાઈ લાલજીભાઈ પઢીયાર અને કાનજીભાઈ લાલજીભાઈ પઢીયારે ટ્રસ્ટની જમીન પર ગેરકાયદે કબજો જમાવી આશરે 5000થી 7000 ચોરસ ફૂટ વિસ્તારમાં બાંધકામો ઉભા કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ફરિયાદના આધારે ધ્રોલ પોલીસે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ (પ્રોહિબિશન) એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂૂ કરી હતી. તપાસ દરમિયાન આરોપીઓની સંડોવણી સામે આવતા પોલીસે પિતા અને બે પુત્રોની ધરપકડ કરી હતી.
ધરપકડ બાદ ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા અદાલતે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી જેલ હવાલે કરવાનો આદેશ કર્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કરોડો રૂૂપિયાની કિંમત ધરાવતી ટ્રસ્ટની જમીન પર કબજાના સમગ્ર પ્રકરણની વધુ તપાસ ચાલુ છે અને જરૂૂરી દસ્તાવેજી પુરાવાઓ એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
