રાજકોટના હલેન્ડા પાસે પદયાત્રી બે મહિલાને ટ્રકચાલકે કચડી નાખી; બે લોકોને ઈજા

  રાજકોટના સરધાર નજીક હલેન્ડા ગામ પાસે રવિવારે વહેલી સવારે પુરપાટ જઈ રહેલી ટ્રકે કચડી નાખતાં પગપાળા દર્શને જઈ રહેલા બે મહિલાઓના મોત નીપજતા અરેરાટી…

 

રાજકોટના સરધાર નજીક હલેન્ડા ગામ પાસે રવિવારે વહેલી સવારે પુરપાટ જઈ રહેલી ટ્રકે કચડી નાખતાં પગપાળા દર્શને જઈ રહેલા બે મહિલાઓના મોત નીપજતા અરેરાટી વ્યાપી હતી. બન્ને મહિલાઓ વિસામો ખાવા બેઠી હતી એ સમયે કાળમુખો ટ્રક ફરી વળ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. આ બનાવમાં બે પરિવારજનોને ઈજા થઈ હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગોંડલમાં સુરેશ્વર મહાદેવના મંદિર પાસે રહેતા કિરણબેન શૈલેષભાઈ ધાટિયા (ઉ.39) અને રાજકોટના મકનપર ગામે રહેતા ભાનુબેન લક્ષ્મણભાઈ ચિરોડીયા (ઉ.32) તેના પરિવાર સાથે બડધોઈ ગામે સુરાપુરાના મઢે દર્શન કરવા જતા હતા તે દરમિયાન હલેન્ડા ગામ પાસે પુરપાટ ધસી આવેલા ટ્રકે ઠોકરે લેતા બન્ને મહિલાઓના મોત થતા થયા હતા, જ્યારે કિરણબેનના પતિ શૈલેષભાઈ સહિત બે વ્યકિતને ઈજા થતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા.

પ્રાથમિક પૂછપરછમાં આ બનાવમાં જીવ ગુમાવનારાં કિરણબેનના બહેન લોઠડા ગામે રહેતા ચંપાબેનને બડધોઈ ગામે સુરાપુરાના મઢે પગપાળા દર્શન કરવા જવાની માનતા હતી. તેથી પરિવારના 8 જેટલા લોકો લોઠડા ગામેથી બડધોઈ ગામે સુરાપુરાના મઢે માનતા પૂરી નીકળ્યા હતા. જેમાં મકનપર ગામે રહેતા-કુટુંબી ભાનુબેન પણ પરિવાર સાથે જોડાયા હતા.

બનાવની જાણ થતા આજીડેમ પોલીસ મથકના પીએસઆઈ ગોહેલ, જમાદાર તેજપાલસિંહ સહિતની ટીમે તપાસ હાથ ધરી હતી. પોલીસે અકસ્માત બાદ નાસી છૂટેલા ટ્રકચાલકને સકંજામાં લઈ શૈલેષભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધવાની અને ટ્રકચાલકની ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *