ભોમેશ્ર્વરમાં હડકાયા કૂતરાએ નિદ્રાધીન વૃધ્ધાને બચકા ભર્યા

શહેરમાં તંત્રની ઘોર બેદરકારીના કારણે રખડતાં ઢોર અને શ્ર્વાનોના કારણે શહેરીજનો ત્રાહીમામ પોકારી ગયા છે ત્યારે રખડતાં શ્ર્વાનોના ખસીકરણ માટે તંત્ર દ્વારા કરવામાં આવતી ઢીલી…

શહેરમાં તંત્રની ઘોર બેદરકારીના કારણે રખડતાં ઢોર અને શ્ર્વાનોના કારણે શહેરીજનો ત્રાહીમામ પોકારી ગયા છે ત્યારે રખડતાં શ્ર્વાનોના ખસીકરણ માટે તંત્ર દ્વારા કરવામાં આવતી ઢીલી કામગીરીને કારણે લોકો ભોગ બની રહ્યાં છે ત્યારે બેફામ રખડતાં ડાઘીયાઓએ અનેક લોકોને બચકા ભર્યા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં ભોમેશ્ર્વરમાં રાત્રીના સમયે ગરમીના લીધે દરવાજો ખુલ્લો રાખી સુતેલા નિંદ્રાધીન વૃધ્ધાને હડકાયા કૂતરાએ આંખ અને ગાલ પર બચકા ભરી લીધા હતાં. વૃધ્ધાને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે ખસેડાયા હતાં.

આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ, ભોમેશ્ર્વર મંદિર પાસે બંધ શેરીમાં ભાડાના મકાનમાં રહેતાં જસુબેન વિઠ્ઠલભાઈ સોલંકી નામના 65 વર્ષના વૃધ્ધા પોતાના ઘરે સુતા હતાં ત્યારે વહેલી સવારના સમયે હડકાયા કૂતરાએ મોંઢાના ભાગે બચકા ભરી લીધા હતાં. વૃધ્ધાને આંખ અને ગાલના ભાગે ગંભીર ઈજા પહોંચતાં લોહીલુહાણ હાલતમાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. જસુબેન સોલંકી પ્રાથમિક સારવાર મેળવી રજા લઈ ઘરે પરત જતાં રહ્યા હતાં.

પ્રાથમિક પુછપરછમાં જસુબેન સોલંકીના પતિ હાલ હયાત નથી અને તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. જસુબેન સોલંકી રાત્રીના સમયે ગરમીના કારણે દરવાજો ખુલ્લો રાખી દરવાજા પાસે માથુ રાખીને સુતા હતા તે દરમિયાન વહેલી સવારે ધસી આવેલા હડકાયા કૂતરાએ નિંદ્રાધીન વૃધ્ધાના ગાલ અને આંખ પર બચકા ભરી લીધા હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં પરંતુ હડકાયા કૂતરાએ અન્ય છ થી સાત લોકોને બચકા ભર્યા હોવાની શંકા સેવાઈ રહી છે. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *