શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરી અને ધાકધમકી આપવાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મૂળ જૂનાગઢના માંગરોળના વતની અને હાલ વેરાવળના રામદેવનગરમાં રહેતા 27 વર્ષીય શ્રમિક રાહુલભાઈ પરબતભાઈ પરમારે આ મામલે શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ મુજબ, આરોપી વિક્રમભાઈ વાલજીભાઈ ચાનપા અને તેના પુત્ર દિપેન વિક્રમભાઈ ચાનપા (બંને રહે. હુસેનાબાદ, તા. માંગરોળ, જી. જૂનાગઢ) સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ની વિવિધ કલમો તેમજ ગુજરાત નાણાની ધીરધાર કરનારા બાબત અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ફરિયાદની વિગતો અનુસાર, આજથી આશરે ચાર વર્ષ પહેલાં ફરિયાદી રાહુલભાઈ અને તેમના બનેવી શૈલેષભાઈએ સીમેન્ટના બેલા બનાવવાનું કારખાનું શરૂ કર્યું હતું. આ કારખાના માટે માલસામાન અને મશીનરી ખરીદવા પૈસાની જરૂર પડતાં તેઓએ પોતાના સંબંધી વિક્રમભાઈ ચાનપા પાસેથી કટકે કટકે કુલ આઠ લાખ રૂપિયા 10 ટકા માસિક વ્યાજે લીધા હતા.
ફરિયાદીએ સાડા ત્રણ વર્ષ સુધી નિયમિત વ્યાજ ચૂકવ્યું હતું, પરંતુ ત્યારબાદ ધંધામાં મંદી આવવાના કારણે તેઓ સમયસર વ્યાજ ચૂકવી શક્યા નહોતા. આથી આરોપી પિતા-પુત્રએ વ્યાજના નાણાં મેળવવા માટે ફરિયાદી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું.
આરોપીઓનો ત્રાસ વધી જતાં ફરિયાદીના બનેવી શૈલેષભાઈએ એક હાઉસિંગ ફાઇનાન્સ કંપનીમાંથી લોન લઈને આઠ લાખ રૂપિયા રોકડા આરોપીઓની માંગરોળ સ્થિત ઓફિસે જઈને ચૂકવી આપ્યા હતા. તેમ છતાં આરોપીઓએ દાવો કર્યો હતો કે આ તો માત્ર વ્યાજના જ રૂપિયા છે અને મૂળ આઠ લાખ રૂપિયા હજી ચૂકવવાના બાકી છે. ત્યારબાદ આરોપીઓ ટ્રક લઈને આવ્યા હતા અને ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપીને તેમના કારખાનાની બેલા બનાવવાની કિંમતી મશીનરી, બનેવીનું એસી તેમજ સહી કરેલા ત્રણ કોરા ચેક બળજબરીથી પડાવી ગયા હતા. આ ચકચારી મામલે શાપર વેરાવળ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
