રાજકોટ જિલ્લાના જામકંડોરણા પંથકમાં અચાનક વાતાવરણ પલટાતા ચિત્રાવડ, બરડીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે પવન અને વરસાદથી નદી-નાળા તથા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. રાજકોટ જિલ્લાના જામકંડોરણા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સાંજના સમયે અચાનક વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા અને જોતજોતામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂૂ કરી દીધી હતી. પંથકમાં પડેલા આ અણધાર્યા વરસાદના કારણે સમગ્ર વાતાવરણમાં સરસ ઠંડક પ્રસરી ગઈ છે.
જામકંડોરણા તાલુકાના ચિત્રાવડ અને બરડીયા સહિતના આસપાસના ગ્રામ્ય પંથકોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. લાંબા સમયથી ગરમીથી તોબા પોકારી ઉઠેલા સ્થાનિક રહીશોને આ વરસાદથી મોટી રાહત મળી છે. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું જોર એટલું સારું હતું કે જોતજોતામાં નદી-નાળામાં પાણી આવી ગયા હતા અને સીમના ખેતરોમાં પાણી વહેતા થયા હતા.
આ કમોસમી વરસાદી માહોલને પગલે જામકંડોરણા પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમીમાંથી લોકોને આંશિક રાહત મળી છે. વાતાવરણ રોમાંચક અને આહલાદક બની જતાં સ્થાનિક લોકો અને ખાસ કરીને બાળકોએ વરસાદમાં નહાવાનો આનંદ માણ્યો હતો. જોકે, સીમ વિસ્તારના ખેતરોમાં પાણી ભરાવાને કારણે ખેડૂતોમાં ક્યાંક ખુશી તો ક્યાંક પાકને લઈને ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.
