રાજકોટ જિલ્લામાં 45 હજારથી વધુ વિદ્યાર્થીઓએ શાળા છોડી

ધોરણ 10માં 10361 વિદ્યાર્થીઓએ શાળા છોડી દીધી, વરવી વાસ્તવિક પરિસ્થિતિ વચ્ચે ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા શિક્ષણ વિભાગ ઉંધા માથે રાજકોટ જિલ્લા શિક્ષણ વિભાગના સર્વેમાં ચોકાવનારા આંકડા…

ધોરણ 10માં 10361 વિદ્યાર્થીઓએ શાળા છોડી દીધી, વરવી વાસ્તવિક પરિસ્થિતિ વચ્ચે ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા શિક્ષણ વિભાગ ઉંધા માથે

રાજકોટ જિલ્લા શિક્ષણ વિભાગના સર્વેમાં ચોકાવનારા આંકડા સામે આવ્યા છે. શિક્ષણ વિભાગના સર્વેમાં 45 હજારથી પણ વધુ બાળકોએ પોતાનો અભ્યાસ અધવચ્ચેથી જ છોડી દીધો છે. આવા ચોકાવનારા આંકડા સામે આવતા શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. અને ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે સરકારી તંત્ર એકશન મોડમાં આવી ગયું છે.

શિક્ષણ વિભાગના આ સર્વેમાં માત્ર ડ્રોપઆઉટનો આંકડો જ નહિ, પરંતુ તેની પાછળના જુદા જુદા કારણો પણ સામે આવ્યા છે. સર્વે દરમિયાન જાણવા મળ્યું છે કે 12,543 બાળકોના વાલીઓએ તેમના સંતાનોને ફરી શાળાએ મોકલવાની સ્પષ્ટ ના પાડી દીધી છે, જે એક ગંભીર સામાજિક આર્થિક સ્થિતિ તરફ ઈશારો કરે છે. અંદાજે 8,087 બાળકો એવા છે જેઓ પોતાના પરિવાર સાથે અન્ય સ્થળે સ્થળાંતર થઈ ગયા છે.

શિક્ષણ વિભાગ હાલ આ બાળકોના શોધખોળ માટે ખાસ કામગીરી કરી છે. જ્યારે સૌથી વધુ ચિંતાજનક બાબત તો એ છે કે 2,685 બાળકો એવા છે જેમણે શાળા છોડ્યા બાદ તેમની કોઈ જાણ નથી.

શિક્ષણ વિભાગના સર્વે દરમિયાન એવી ધટના સામે આવી છે. જ્યાં બાળકોનો અભ્યાસ અન્ય કોઈ ખાનગી કે અન્ય શાળામાં ચાલુ હોય પરંતુ સરકારી ચોપડે પણ તેમનું એડમિશન બોલતું હોય. શિક્ષણ વિભાગ હાલ આવા તમામ ડેટાની ચકાસણી કરી રહ્યું છે. શિક્ષણ વિભાગના સર્વેમાં ધોરણ 1 થી 10 સુધીના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આંકડાઓ દર્શાવે છે કે જેમ જેમ ધોરણ વધતું જાય છે તેમ તેમ શાળા છોડનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઉછાળો આવે છે.

સર્વે દરમિયાન સૌથી ગંભીર સ્થિતિ તો ત્યારે ઉભી થઈ જ્યારે ધોરણ 10 માં દસ હજારથી વધુ વિદ્યાર્થીઓએ અભ્યાસને વિદાઈ આપી છે. તે જ રીતે ધોરણ 8 માં પણ 6 હજારથી વધુ બાળકો પ્રાઈમરી શિક્ષણ પૂરું કરીને આગળ વધ્યા નથી.

આ ગંભીર પરિસ્થિતિને જોતા રાજકોટ જિલ્લા શિક્ષણ વિભાગ તાત્કાલિક એક્શનમાં આવ્યું છે. ડ્રોપ આઉટ રેશિયોને નિયંત્રણમાં લેવા માટે શિક્ષકોની વિશેષ ટીમો બનાવવામાં આવી છે. શિક્ષકોને વાલીઓની ઘરે-ઘરે જઈને કાઉન્સેલિંગ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે જેથી બાળકોને ફરીથી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડી શકાય.

કયા ધોરણમાં કેટલા છાત્રોએ શાળા છોડી?
ધોરણ 1 – 2,071
ધોરણ 2 – 1,458
ધોરણ 3 – 1,795
ધોરણ 4 – 1,759
ધોરણ 5 – 1,782
ધોરણ 6 – 1,939
ધોરણ 7 – 1,932
ધોરણ 8 – 6,055
ધોરણ 9 – 3,816
ધોરણ 10 – 10,361

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *