શકમંદોના વૈજ્ઞાનિક ટેસ્ટ કરવામાં આવશે, ગામમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો
જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના જુથળ ગામના દલિત યુવાન ભરત સોંદરવાનો ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના રમળેચી ગામેથી ત્રણ મહિના પહેલા શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસ બાદ ભરત સોંદરવાની હત્યા થઈ હોવાનું સામે આવતા તાલાળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. જોકે, આ ઘટનાને ત્રણ મહિના જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં પોલીસ હત્યા પાછળનું ચોક્કસ કારણ શોધી શકી નથી અને ગુનાનો ભેદ ઉકેલાયો નથી.
લાંબા સમય સુધી યોગ્ય તપાસ ન થતાં આખરે પરિવારજનો અને સમાજના આગેવાનોએ નિર્ણય લીધો હતો.પરિવારે જાહેરાત કરી હતી કે જો નિયત સમયમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય, તો તેઓ જુથળ ગામના સ્મશાનમાં દફનાવેલો ભરત સોંદરવાનો મૃતદેહ બહાર કાઢશે.આ મૃતદેહને રી-પોસ્ટમોર્ટમ માટે જામનગર લઈ જવાની અને ન્યાય માટે જૂનાગઢ આઈજી કચેરી ખાતે કૂચ કરવાની ચીમકી આપવામાં આવી હતી. આ જાહેરાતને પગલે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જુથળ સ્મશાન ખાતે રાતથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને કાયદાકીય મંજૂરી વિના મૃતદેહ બહાર ન કાઢવા સમજાવટ હાથ ધરી હતી.
આ સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જૂનાગઢ રેન્જ આઈજી દ્વારા તાત્કાલિક અસરથી એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે એસઆઈટી (SIT) ની રચના કરવામાં આવી છે. આ વિશેષ તપાસ ટીમના વડા તરીકે માંગરોળના ડીવાયએસપી ડી.વી. કોડિયાતરની નિમણૂક કરવામાં આવી છે. તેમની સાથે આ ટીમમાં અન્ય સભ્યો તરીકે ગીર સોમનાથ એલઆઈબીના પીએસઆઈ એન.એ. વાઘેલા અને વિસાવદરના પીએસઆઈ ડી.એચ. વાળાનો સમાવેશ કરવામાં આવ્યો છે.પોલીએ જણાવ્યા મુજબ હવે આ કેસની આગળની તમામ તપાસ એસઆઈટી કરશે. આ ગુનાની વિગતવાર અને ઊંડાણપૂર્વક તપાસ કરીને સત્ય સામે લાવવામાં આવશે તેવી પરિવારજનો અને અનુ.જાતી સમાજને ખાતરી આપવામાં આવી છે.
ડીવાયએસપી ડી.વી. કોડિયાતરે જણાવ્યું હતું કે, ગત 7 માર્ચના રોજ તાલાળા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 103 (1) અને 115 (2) મુજબ ગુનો નોંધાયો હતો અને જુથળ ગામના ભરતભાઈ સોંદરવાના શંકાસ્પદ મૃત્યુ અંગે તપાસ ચાલુ હતી. પરિવારની રજૂઆતોને આધારે આ એસઆઈટીની રચના થઈ છે. આગામી 3 તારીખથી આ કેસના તમામ શકમંદોના એલવીએ (LVA) અને એસડીએએસ (SDAS) ટેસ્ટ કરવામાં આવશે. આ વૈજ્ઞાનિક ટેસ્ટ આગામી 11 તારીખ સુધી ચાલશે. આ દરમિયાન એફએસએલ (FSL) તરફથી જે પણ રિપોર્ટ આવશે, તેને તપાસના ભાગરૂૂપે સામેલ કરવામાં આવશે. આ સિવાય પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને એફએસએલના તથ્યોના આધારે તમામ જરૂૂરી કાયદાકીય કાર્યવાહી આગળ વધારવામાં આવશે.
