મેયરપદ સંભાળ્યાના દિવસે જ બોલાવેલી મીટિંગમાં પ્રોજેક્ટનો પ્રોગેસ રિપોર્ટ અને પ્રેઝન્ટેશન ત્રણ દિવસમાં તૈયાર કરવા મેયરે આદેશ કર્યા બાદ આજે સવારથી જ મીટિંગનો ધમધમાટ ચાલ્યો
મેયર ડો.નેહલ શુકલ સહિતના પદાધિકારીઓએ યોજી મેરેથોન મીટિંગ, અધિકારીઓ પાસે માગ્યા કામના લેખા-જોખા
રાજકોટના નવા મેયર ડો.નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડીંગ ચેરમેન પરેશભાઇ પીપળિયા, નેતા હિરેન ખીમાણિયા અને દંડક સંજયસિંહ રાણા સહિતના પદાધિકારીઓએ આજે તમામ વિભાગના શાખા અધિકારીઓની એક મેરેથોન મિટિંગ બોલાવી હતી. હોદેદારોની વરણીના દિવસે જ મેયર ડો.નેહલ શુક્લએ મેયરપદ ગ્રહણ કર્યાના એક જ કલાકમાં ડેપ્યુટી કમિશનર, સિટી ઇજનેરોની તાબડતોબ મિટિંગ બોલાવી હતી. અને કોની પાસે ક્યો પ્રોજેક્ટ છે? ક્યા સ્ટેજ પર કામ પહોંચ્યુ છે તેના પ્રેઝન્ટેશન સાથેનો પ્રોગેસ રિપોર્ટ ત્રણ દિવસમાં તૈયાર રાખવા માટે આદેશ કર્યો હતો. બાદ આજે સવારથી જ શાખાવાઇઝ તમામ અધિકારીઓની મેરેથોન મિટિંગમાં પદાધિકારીઓએ જે તે કામના લેખા-જોખા માગ્યા હતા. દરમિયાન મેયર ડો.નેહલ શુકલએ જ્યારે પદ ગ્રહણ કર્યુ હતું ત્યારે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પેટ્રોલ ડીઝલ સહિતના ખર્ચમાં કરકસર કરવાનો અનુરોધ કર્યો છે.
તેના પગલે મહાનગરપાલિકામાં થતાં ખર્ચાઓ પર કાપ મુકવા સહિતની કરકસર કરવામાં આવશે. તેના ભાગરૂપે કરકસરનું પ્રથમ પગથીયું આજે મળેલા મેરેથોન મીટીંગમાં લેવામાં આવ્યું હતું. મેયર ડો.નેહલ શુકલએ જે પ્રોજેકટના 10 થી 20 ટકા કામ થયા હોય તેનું લીસ્ટ મંગાવ્યું છે. એ કામ પૈકી જે કામ હાલ જરૂર ન હોય અને આવતા વર્ષે ચાલે તેમ હોય તેને બ્રેક મારવા માટેનો વિચાર વ્યકત કર્યો હતો.
રાજકોટ મનપામાં ગત ટર્મમાં માત્ર સ્ટેન્ડીંગ ચેરમેનના સભ્યપદે રહીને પણ ધણધણાવી નાખનાર નેહલ શુક્લના હાથમાં હવે તો મનપામાં સતાનુ આખુ સુકાન આવી ગયુ છે. મેયરપદ સંભાળતાની સાથે જ એકશનમાં આવી ગયા છે. મેયરની ખુરશી ગ્રહણ કર્યાની ગણતરીની મિનિટોમાં જ તમામ ડેપ્યુટી મેયર, ચારેય સિટી ઇજનેર, વિવિધ વિભાગના વડા સહિતના અધિકારીઓની તાબડતોબ મિટિંગ બોલાવી હતી. હાલ બજેટ પૈકી ક્યા કામ, ક્યા પ્રોજેક્ટ ક્યા સ્ટેજ પર છે? તેનો રિપોર્ટ ત્રણ દિવસમાં આપવા માટે અધિકારીઓને સુચના આપી હતી.
મનપામાં નવા સુકાનીઓ આવતાની સાથે જ છેલ્લા ઘણા સમયથી ઢીલીઢફ ચાલતી કામગીરી વેગમાં આવી ગઇ છે. આજે સવારેથી મેયર ડો.નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડીંગ ચેરમેન પરેશભાઇ પીપળિયા, નેતા હિરેન ખીમાણિયા અને દંડક સંજયસિંહ રાણા સહિતના પદાધિકારીઓએ રિવ્યુ મિટિંગ બોલાવી હતી.
શહેરના ત્રણેય ઝોનના ડેપ્યુટી કમિશનર, સિટી ઇજનેરો તેમજ તમામ વિભાગના શાખા અધિકારીઓને તબક્કાવાર રીતે મિટિંગમાં બોલાવ્યા હતા. કોની પાસે ક્યો પ્રોજેક્ટ છે? કામ ક્યા સ્ટેજ પર પહોંચ્યુ છે? બજેટ પૈકીના કેટલાકામ હાથ પર લેવામા આવ્યા છે અને એ કામ ક્યા પહોંચ્યા? એ ઉપરાંત બજેટ પૈકી જે કામ શરૂૂ નથી થયા તેની પ્રક્રિયા ક્યા સુધી પહોંચી છે? એ સહિતની કામગીરીના હિસાબ માગ્યા હતા.
ડેડલાઇન પૂરી થવા છતાં કામ પૂરું શા માટે નથી થયું? અધિકારીઓ પાસે માગવામાં આવ્યો ખુલાસો
હાલ સંખ્યાબંધ એવા કામ અને પ્રોજેક્ટ છે કે જે ધકેલ પંચા દોઢસોની જેમ ચાલી રહ્યા છે. ટેન્ડરમાં મુકાયેલી શરતની સમયમર્યાદા પુરી થવા છતા કામ પુરુ થવાના કોઇ ઠેકાણા નથી. આજે રિવ્યુ મિટિંગમાં આવા જ કેટલાક કામ મેયર ડો.નેહલ શુક્લ સહિતના પદાધિકારીઓની નજરમાં આવ્યા હતા. આવા કામ અને પ્રોજેક્ટ સંભાળતા અધિકારીઓ પાસે કામ મોડુ પુરુ થવાના ખુલાસા પુછવામા આવ્યા હતા.
પ્રિ-મોન્સૂન કામગીરીનો અહેવાલ માગવામાં આવ્યો
પ્રિ-મોન્સુન કામગીરી દરમિયાન શહેરના કેટલાક વોકળા, નાલા સફાઈ થયા છે. ભુર્ગભ ગટરના કેટલાક મેઈન હોલની સફાઈ થઈ છે. ઉપરાંત જર્જરિત બાંધકામો સામે નોટિસ સહિતના કયા પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે ? તે સહિતની વિગતોનો અહેવાલ સંબંધીત વિભાગનાં અધિકારીઓ પાસે પદાધિકારીઓએ માંગ્યો હતો.
