રિમાન્ડ પર લેવા તજવીજ, આરોપી સામે 10થી વધુ ગુના
ગુજસીટોકના ગુનામાં ફરાર થોરાળાનો હિસ્ટ્રીશીટર શામજી મકાને ક્રાઈમ બ્રાન્ચની ટીમે પકડી પાડી આરોપીને રિમાન્ડ પર લેવાં તજવીજ આદરી હતી. શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી ચૈતન્ય માંડલીક અને ડીસીપી (ક્રાઈમ) જગદીશ બાંગરવાની રાહબરીમાં ક્રાઈમ બ્રાન્ચે એક મોટી કામગીરી કરી છે.
ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઇ એસ.વી.ચુડાસમા તથા વી.ડી. ડોડીયાની ટીમના અરવિંદભાઈ ફતેપરા,કરણભાઈ અને જયરાજભાઈ કોટીલાને મળેલ સંયુક્ત બાતમીના આધારે થોરાળા પોલીસ સ્ટેશનમાં ગુજસીટોક એકટના ગુનામાં લાંબા સમયથી નાસતા-ફરતા અને બહોળો ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપી શામજી મકા મકવાણા (ઉં.વ.50, રહે. થોરાળા ગોકુલપરા શેરી નં. 05, રાજકોટ) ને દબોચી લીધો હતો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલ આરોપી શામજી મકવાણા ગુજસીટોક અને રાયોટીંગના બે ગુનામાં ફરાર હતો. તેમજ આરોપી સામે અગાઉ અલગ અલગ પોલીસ મથકમાં દુષ્કર્મ, રાયોટીંગ સહિતના ગંભીર કલમ હેઠળ 10 થી વધું ગુના નોંધાયેલ છે.
