હાલમાં આઇપીએલ ટુનામેન્ટ ચાલી રહી હોય તેમા ક્વોલીફાયર મેચ ઉપર સટ્ટો રમતા બે શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. પારેવડી ચોક પાસે અને ત્રંબા ગામેથી પોલીસે બે દરોડા પાડી કાર્યવાહી કરી હતી. જાણવા મળતી વિગત મુજબ પીએસઆઈ એસ વી ચુડાસમાની ટીમના હેડ કોન્સ્ટેબલ કરણભાઈ કોઠીવાળ, કોન્સ્ટેબલ સંજયભાઈ અલગોતર અને અરવિંદકુમાર ફતેપરા પેટ્રોલિંગમાં હતા.
દરમિયાન કેસરી હિન્દ પુલથી પારેવડી ચોક તરફ જતા એક શખ્સ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. જે શખ્સે પોતાની ઓળખ યશ મહેશભાઈ તળપદા (ઉવ 27 રહે. સેટેલાઇટ ચોક, શક્તિ સોસાયટી શેરી નં.-13, મોરબી રોડ, રાજકોટ) તરીકે આપી હતી. બાદમાં તેની ઝડતી કરતા શર્ટના ખિસ્સામાંથી ચિઠ્ઠી અને મોબાઈલ મળી આવ્યો હતો. જે ચિઠ્ઠીમાં ’29-05-2026 જીટી જીતે 50,000’ લખ્યું હોય આંકડા બાબતે પૂછપરછ કરતા આઈપીએલ સીઝનમાં ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેના મેચમાં સેશન અને ભાવ લખાવી જુગારના સોદાના આંકડા હોવાનું યશ તળપદાએ જણાવ્યું હતું.
તેણે વધુમાં આ સોદા મોબાઈલ નંબર 9727498631 ના ધારક જયદીપ રચ ઉર્ફે મેગી (રહે. રાજકોટ)ને લખાવ્યાની કબૂલાત આપી હતી. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે યશ તળપદાની ધરપકડ કરી રૂૂ. 10 હજારની કિંમતનો મોબાઈલ કબ્જે કર્યો હતો. જયારે બુકી જયદીપ ઉર્ફે મેગીની શોધખોળ શરૂૂ કરી હતી. જયારે બીજા દરોડામાં આજીડેમ પોલીસ મથકના હેડ.કોન્સ્ટેબલ એચ.આર.સાંગા સહિતના સ્ટાફે બાતમીના આધારે ત્રંબા ગામે રોડ પર મોબાઇલમાં આઇડીનો સટ્ટો રમતા દીપક દિનેશભાઇ જાદવ રહે.ઢાંઢણી ગામને ઝડપી લઇ તેના મોબાઇલની તલાશી લેતા બેટરી લખેલી એપ્લીકેશનમાં રાજસ્થાન અને ગુજરાત વચ્ચે ચાલી રહેલી ટી-20 મેચ પર સટ્ટો રમતો હોવાનુ ખુલતા પોલીસે તેની ધરપકડ કરી મોબાઇલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
