કાલાવડના સતિયામાં પ્રેમસંબંધના ડખ્ખામાં હથિયારો સાથે શખ્સોએ આતંક મચાવ્યો

મધરાત્રે સાતથી આઠ કારમાં ફિલ્મી સ્ટાઇલથી આવ્યા: મહિલા પર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ, એકઠા થયેલા ગ્રામજનોએ કર્યો વળતો પ્રહાર જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સતીયાગામમાં પ્રેમ…

મધરાત્રે સાતથી આઠ કારમાં ફિલ્મી સ્ટાઇલથી આવ્યા: મહિલા પર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ, એકઠા થયેલા ગ્રામજનોએ કર્યો વળતો પ્રહાર

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સતીયાગામમાં પ્રેમ સંબંધના મામલે મોડી રાત્રે ભારે તણાવ સર્જાયો હતો. આશરે સાતેક જેટલી કારોમાં સવાર થઈને એક ટોળું ઘાતક હથિયારો સાથે ગામમાં ત્રાટક્યું હતું અને એક મહિલા પર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

સ્થાનિકોના જણાવ્યા મુજબ હુમલાખોરો લાકડીઓ, ધારદાર હથિયારો સહિતના સાધનો સાથે ગામમાં ઘૂસી આવ્યા હતા, અને મારામારીનો માહોલ ઉભો કર્યો હતો. આ દરમિયાન ગામના કેટલાક લોકોએ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલ ફોનમાં કેદ કર્યો હતો તેમજ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ 112ની પોલીસ ટીમ સ્થળ પર દોડી આવી હતી. પોલીસ પહોંચી રહી હોવાની ખબર પડતા હુમલાખોરોમાં ભાગદોડ મચી ગઈ હતી અને અનેક લોકો પોતાની કારો અને અન્ય વાહનો સ્થળ પર જ મૂકી ભાગી છૂટ્યા હતા.

બીજી તરફ ઘટનાથી ઉશ્કેરાયેલા ગ્રામજનોએ સ્થળ પર પડેલા કેટલાક વાહનોમાં તોડફોડ કરી હોવાના અહેવાલો સામે આવ્યા છે. ઘટનાને પગલે ગામમાં ભારે તણાવનો માહોલ સર્જાયો હતો. હાલ સમગ્ર મામલે પોલીસે વીડિયો અને અન્ય પુરાવાઓના આધારે તપાસ હાથ ધરી છે, તેમજ હુમલામાં સામેલ લોકોની ઓળખ મેળવવાની કાર્યવાહી શરૂૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

લાલપુરમાં કોન્ટ્રાકટર યુવાન પર હુમલો: ગોદાવરીના ત્રણ શખ્સો સામે ગુનો
જામનગર જિલ્લા ના લાલપુરમાં શહીદ ગાર્ડન પાસે આવેલ સરકારી ખરાબામાં રોડની સાઈડ પુરવાનું માટી કામ જે.સી.બી. મારફતે ચાલી રહ્યું હતું. તે દરમિયાન પાણીનું સિમેન્ટનું ભૂંગળું તૂટી જવા બાબતે આરોપીઓએ ફરિયાદી સાથે ઝઘડો કર્યો હતો. આ બનાવ અંગે ખાયડી ગામ વાડી વિસ્તારમાં રહેતા કોન્ટ્રાકટર દેવશીભાઈ જેઠાભાઈ ભાદરકા (ઉ.વ.36)એ લાલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ આરોપી તરીકે ગોદાવરી ગામના કિશન ગાગીયા, નયન ગાગીયા અને નિલેષ ગાગીયાના નામ નોંધાયા છે. જેમાં આરોપી નિલેષ ગાગીયાએ લાકડાના ધોકા વડે હુમલો કરી ફરિયાદીને ડાબા હાથની ટચલી આંગળી અને પંજાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી, જેના કારણે ફરિયાદીને ઓપરેશન કરાવવું પડ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત આરોપી નયન ગાગીયાએ પણ ઢીકા-પાટુનો માર મારી ઇજા પહોંચાડી હતી.
ત્રણેય આરોપીઓએ ફરિયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ જિલ્લા મેજિસ્ટ્રેટ જામનગરના હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કર્યો હોવાની પણ ફરિયાદ નોંધાઈ છે. આ સમગ્ર મામલે લાલપુર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *