સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ ગણાતી ઇન્ડિયન પ્રીમિયર લીગ હવે આગામી વર્ષોમાં નવા સ્વરૂૂપમાં જોવા મળી શકે છે. IPLમાં મેચોની સંખ્યા વધારવાની તૈયારી સાથે BCCI હવે ટૂર્નામેન્ટને બે અલગ તબક્કામાં યોજવાના વિકલ્પ પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે. જો આ યોજના અમલમાં આવે તો ક્રિકેટ ચાહકોને વર્ષમાં બે વખત IPLનો રોમાંચ જોવા મળી શકે છે.
હાલમાં IPL સામાન્ય રીતે માર્ચના અંતથી શરૂૂ થઈ મે મહિનામાં પૂર્ણ થાય છે. પરંતુ આગામી સમયમાં મેચોની સંખ્યા 74થી વધારીને 94 કરવાની ચર્ચા ચાલી રહી છે. એટલી મોટી સંખ્યામાં મેચ એક જ વિન્ડોમાં યોજવી મુશ્કેલ બની શકે છે, ખાસ કરીને એપ્રિલ-મે મહિનાની તીવ્ર ગરમીને કારણે. ભારતમાં ઉનાળાના સમયમાં ભારે ગરમી ખેલાડીઓ માટે મોટો પડકાર બની રહી છે. સતત મેચ અને ટ્રાવેલને કારણે ઇજાઓનું જોખમ પણ વધે છે. આ જ કારણસર BCCI હવે IPLને બે અલગ ભાગમાં વહેંચવાના મોડલ પર વિચાર કરી રહ્યું છે.
અહેવાલ મુજબ, પ્રથમ તબક્કો ફેબ્રુઆરીના અંતથી એપ્રિલ સુધી રમાઈ શકે છે, જ્યારે બીજો તબક્કો સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમિયાન યોજાઈ શકે છે. IPLના ચેરમેન અરૂૂણ કુમાર ધુમ્મલે પણ સંકેત આપ્યા છે કે જો ઈંઈઈના ફ્યુચર ટૂર્સ પ્રોગ્રામ (FTP) અને બ્રોડકાસ્ટર્સ સાથેની ચર્ચાઓ સફળ રહે તો આ મોડલ અમલમાં આવી શકે છે. BCCI માટે સપ્ટેમ્બર અને ઓક્ટોબરનો સમય ખાસ મહત્વનો માનવામાં આવી રહ્યો છે.
આ સમય દરમિયાન ભારતમાં ચોમાસું પૂર્ણ થવા આવે છે અને હવામાન પણ અનુકૂળ રહે છે. સાથે સાથે દેશમાં તહેવારોની સિઝન શરૂૂ થતી હોવાથી જાહેરાત બજારમાં પણ ભારે ઉછાળો જોવા મળે છે. દિવાળી સહિતના તહેવારો દરમિયાન મોટી કંપનીઓ કરોડો રૂૂપિયાની જાહેરાતો કરે છે. તેથી બ્રોડકાસ્ટર્સ અને IPL બંને માટે આ સમય આર્થિક રીતે ખૂબ ફાયદાકારક બની શકે છે. BCCIનું માનવું છે કે જો યોગ્ય વિન્ડો મળી રહે તો IPLને વધુ વ્યાપક અને વ્યાવસાયિક બનાવવાની દિશામાં આ મોટું પગલું સાબિત થઈ શકે છે.
હાલમાં આ સમગ્ર યોજના પ્રારંભિક તબક્કામાં છે. BCCI, ICC અને બ્રોડકાસ્ટર્સ વચ્ચે હજુ ચર્ચાઓ ચાલી રહી છે. અહેવાલો મુજબ 2027 પછીના નવા ચક્રમાં જો યોગ્ય શેડ્યૂલ તૈયાર થાય તો 2028 અથવા 2029થી IPLનું બે તબક્કાવાળું નવું ફોર્મેટ અમલમાં આવી શકે છે. જો આ યોજના સફળ બને તો IPLનો સમયગાળો વધુ લાંબો બનશે અને ક્રિકેટ ચાહકોને વધુ મેચ સાથે ડબલ મનોરંજન મળશે.
