મોચીનગરમાં પ્રકાશ બેકરી પાસે સર્જાયો અકસ્માત; બજારમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા
વેરાવળ શહેરમાં હિટ એન્ડ રનની એક ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં એક અજાણ્યા બાઈક ચાલકે એક રાહદારી વૃદ્ધને અડફેટે લેતા તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, વેરાવળની હુડકો સોસાયટીમાં રહેતા 70 વર્ષીય કાનજીભાઈ રામજીભાઈ પરમાર ગઈકાલે બપોરના સમયે બજારમાં ગયા હતા. બજારમાંથી પોતાનું કામ પતાવીને તેઓ પોતાના ઘરે પગપાળા પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ જ્યારે મોચીનગરમાં આવેલી પ્રકાશ બેકરીની સામેથી ચાલીને પસાર થઈ રહ્યા હતા, ત્યારે પૂરઝડપે આવી રહેલા એક અજાણ્યા બાઈક ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી.
કસ્માત સર્જીને બાઈક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ગંભીર અકસ્માતમાં કાનજીભાઈને શરીરે ભારે ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત હાલતમાં તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, કમનસીબે સારવાર કારગત નીવડે તે પહેલાં જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
કાનજીભાઈ તેમના પરિવારમાં ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનોમાં સૌથી મોટા હતા. પરિવારના મોભીનું અચાનક અને કરુણ મોત થતાં પરમાર પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.આ હિટ એન્ડ રનની ઘટનાની જાણ થતાં જ વેરાવળ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત, અકસ્માત સર્જીને નાસી છૂટેલા અજાણ્યા બાઈક ચાલકને ઝડપી પાડવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવા સહિતની સઘન તપાસ વેરાવળ પોલીસે શરૂૂ કરી દીધી છે.
