રાજકોટ નજીક દૂધ ભરેલી મિનિટ્રક પલટી જતા સર્જાયેલા અકસ્માત વધુ એકનું મોત: મૃત્યુઆંક ત્રણ પર પહોંચ્યો

રાજકોટ-ભાવનગર હાઈ-વે પર કાળીપાટ ગામ પાસે વળાંક નજીક યુ-ટર્ન લેતી કારને બચાવવા જતાં ભાડલાથી દૂધ ભરીને રાજકોટ આવતો મિનિટ્રક પલ્ટી ખાઈ ગયો હતો. આ અકસ્માતમાં…

રાજકોટ-ભાવનગર હાઈ-વે પર કાળીપાટ ગામ પાસે વળાંક નજીક યુ-ટર્ન લેતી કારને બચાવવા જતાં ભાડલાથી દૂધ ભરીને રાજકોટ આવતો મિનિટ્રક પલ્ટી ખાઈ ગયો હતો. આ અકસ્માતમાં એકનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું જ્યારે એક જ પરિવારના 6 સહિત 10 લોકોને ઈજા પહોંચતા સિવિલમાં ખસેડાયા હતા. સારવાર દરમિયાન વધુ એક યુવકનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ ગંભીર અકસ્માતમાં મૃત્યુઆંક ત્રણ પર પહોંચ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ ભાડલાથી મિનિટ્રકમાં દૂધ ભરીને ચાલક સહિત 11 જેટલા લોકો રાજકોટ તરફ આવી રહ્યા હતા ત્યારે કાળીપાટ ગામ પાસે યુ-ટર્ન લેતી કારને બચાવવા જતાં ચાલકે કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે દૂધ ભરેલ મિનિટ્રક રોડ પાસે ખેતરમાં પલ્ટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ભીમાભાઈ અમરશીભાઈ મકવાણા (ઉ.વ. 55, રહે. દહીંસરા ગામ, તા. જસદણ)નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

જ્યારે ગંભીર રીતે ઘવાયેલા ભાડલાના વડાળી ગામના સૂરજ ઉર્ફે સુરેશ ધીરૂૂભાઈ ઉધરેજીયાએ સારવાર દરમિયાન દમ તોડી દેતા મૃત્યુ આંક બે થયો હતો. આ ઉપરાંત ટ્રકમાં રહેલા જિતેશભાઈ ધીરૂૂભાઈ ચોવસીયા (ઉ.વ. 27), તેના પત્ની અંજલીબેન (ઉ.વ. 25), પુત્ર અનુશ (ઉ.વ. 5), કાર્તિક (ઉ.વ. 5), પુત્રી મિત્તલ (ઉ.વ. 8) અને નતાશા (ઉ.વ. 5) (રહે. બધા સુરત, મૂળ દહીંસરા) ઉપરાંત માવજીભાઈ ગોપાભાઈ લીંબડીયા (ઉ.વ. 55, રહે. દહીંસરા), જિતેશ ધીરૂૂભાઈ પરમાર (ઉ.વ. 30) અને માંડલભાઈ સહિત 10 લોકોને ઈજા પહોંચતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં ગુંભીર રીતે ઘવાયેલા સુરતના અનિલભાઈ ઉર્ફે જિતેશભાઈ ધીરૂૂભાઈ ચોવસીયા (ઉ.વ. 27)એ સારવારમાં દમ તોડી દેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક અનિલભાઈ ઉર્ફે જીતેશભાઈ ચોવસીયા ત્રણ ભાઈ પાંચ બહેનમાં નાના હતા અને સુરતમાં હીરા ઘસી પરિવારનું ગુજરાન ચલાવતા હતા અનિલભાઈ ઉર્ફે જીતેશભાઈ ચોવસીયા ભાડલા આંટો મારવા આવ્યા હતા અને પરિવાર સાથે ભાડલાથી સુરત જવા નીકળ્યા હતા ત્યારે સર્જાયેલા અકસ્માતમાં મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે અનિલભાઈ ઉર્ફે જીતેશભાઈ ચોવસીયાના મોત સાથે અકસ્માતમાં મૃત્યુ આંક ત્રણ પર પહોંચ્યો છે. આ અંગે આજીડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *