થાનગઢ પંથકમાં ખનીજ માફિયાઓએ ખોદેલ ખાણમાં નાહવા પડેલો યુવાન લાપતા

ચોટીલા થાનગઢ પંથકનાં ખનીજ માફિયાઓ દ્વારા કરવામાં આવતા બેફામ ઉત્ખનનનું વધુ એક ભયાનક પરિણામ સામે આવ્યું છે. ચોટીલાના પાજવાળી ગામનો 21 વર્ષીય આશાસ્પદ યુવાન સંજયભાઈ…

ચોટીલા થાનગઢ પંથકનાં ખનીજ માફિયાઓ દ્વારા કરવામાં આવતા બેફામ ઉત્ખનનનું વધુ એક ભયાનક પરિણામ સામે આવ્યું છે. ચોટીલાના પાજવાળી ગામનો 21 વર્ષીય આશાસ્પદ યુવાન સંજયભાઈ પન્નાભાઈ, વાવડી ગામની સીમમાં ખનીજ માફિયાઓએ ખોદી નાખેલી અને પાણીથી ભરેલી જોખમી ખાણમાં ન્હાવા પડતાં ડૂબી ગયો છે. ઘટનાને 18 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં યુવાનનો કોઈ પત્તો લાગ્યો નથી, જેને પગલે સ્થાનિક પંથક અને પરિવારમાં ભારે અરેરાટી સાથે ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે.

ઘટનાની વિગતવાર મળતી વિગતો મુજબ કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે આશરે 21 વર્ષિય સંજયભાઈ ચોટીલા-થાનગઢ વચ્ચે વાવડી ગામની સીમમાં આવેલી ખાણના પાણીમાં ન્હાવા પડ્યો હતો.
મોડે સુધી તે ઘરે ન પરત ફરતાં અને ખાણ નજીક તેનું બાઇક પડેલું હોવાની જાણ સગા-સંબંધીઓ દ્વારા તેના ભાઈને કરવામાં આવતા પરિવાર ઘટનાસ્થળે દોડી ગયો હતો. ખાણના કિનારેથી સંજયના કપડાં, મોબાઈલ, બાઇક અને ચપ્પલ મળી આવતા તે પાણીમાં ડૂબ્યો હોવાની આશંકા દ્રઢ બની હતી.

મોડી રાત સુધી સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ છે. બનાવની જાણ થતાં જ પંચાયત, રેવન્યુ અને પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. યુવાનને શોધવા માટે સ્થાનિક તરવૈયા, ચોટીલા ફાયર બ્રિગેડની ટીમ, સુરેન્દ્રનગર ફાયર વિભાગની ટીમ સહિતના તંત્રે મોડી રાત સુધી ભારે જહેમત ઉઠાવી હતી. અને ઘટના સ્થળે લોકોનાં ટોળા ઉમટી પડ્યા હતા.

ખાણમાં અતિશય ઊંડું પાણી અને નીચે માટી-કાદવ હોવાના કારણે શોધખોળમાં ભારે મુશ્કેલી પડી રહી છે. 18 કલાક બાદ પણ યુવકનો પત્તો ન લાગતાં કોઈ અજુગતું બન્યું હોવાની આશંકા પ્રબળ બની છે. પરિવારનો માળો વિખેરાયો, ગામમાં ચિંતા અને શોક નો માહોલ છવાયો છે.

ગૂમ થયેલો સંજય તેના પરિવારના ચાર ભાઈઓમાં સૌથી નાનો અને લાડકો હતો. હજુ થોડા સમય પહેલા જ તેનું વેવિશાળ (સગાઈ) થયું હતું. લગ્નના અરમાનો વચ્ચે અચાનક સર્જાયેલી આ હોનારતને પગલે નાનકડા પાજવાળી આખું ગામ હિબકે ચડ્યું છે. સ્થાનિકોમાં ખનીજ માફિયાઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *