કોટડાસાંગાણી પંથકની એક 17 વર્ષની સગીરાને તેના કાકાએ હવસનો શિકાર બનાવી દુષ્કર્મ ગુજારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કાકા-ભત્રીજીના સંબંધોને લાંછન લગાડતી આ શરમજનક ઘટનાથી સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે. કોટડાસાંગાણી પંથકના એક વિસ્તારમાં રહેતી એક 17 વર્ષીય સગીરા પર તેના જ કૌટુંબિક કાકાએ દુષ્કર્મ ગુજારી તેને રસ્તામાં રેઢી મૂકી ફરાર થઇ ગયો હતો. આ મામલે ભોગ બનનાર સગીરાની માતાએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં નરાધમ કાકાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, કોટડાસાંગાણી પથંકના એક વિસ્તારમાં રહેતી ભોગ બનનાર સગીરા પોતાના પરિવાર સાથે રહે છે. આ જ વિસ્તારમાં રહેતો અને મજૂરી કામ કરતો તેનો કૌટુંબિક કાકા, જે સગીરાના ઘરની આસપાસ જ અવારનવાર આંટાફેરા મારતો હતો, તેણે સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી હતી. સગીરા કરીયાણાની દુકાને જવા નીકળી ત્યારે નરાધમ કાકા સગીરાને રસ્તામાંથી ઉઠાવી ગયો હતો અને ધાક-ધમકી આપી સગીરાને અવાવરું જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું.
સગીરા ડરના માર્યા આ બાબતે પરિવારને કંઈ કહી શકી નહોતી. અંતે હિમત કરી પરિવારને જાણ કરી હતી સગીરાને જણાવ્યું કે, ગઈ તારીખ 12-5-2026ના રોજ બપોરના સમયે, જ્યારે સગીરા પોતાના ઘરની નજીક આવેલી દુકાનેથી કોઈ વસ્તુ લેવા માટે ગઈ હતી, તે દરમિયાન રસ્તામાં ટાંકી પાસે આ કૌટુંબિક કાકાએ તેને ફરીથી રોકી હતી. તેણે સગીરા સાથે બળજબરીપૂર્વક અડપલાં કર્યા હતા અને તેને ધમકાવીને એકાંતવાળી જગ્યાએ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે, આ વખતે સગીરાએ હિંમત દાખવી તેનો પ્રતિકાર કર્યો અને ત્યાંથી ભાગીને પોતાના ઘરે પહોંચી ગઈ હતી. સગીરાએ રડતા-રડતા પોતાની માતાને આપવીતી જણાવી હતી કે કૌટુંબિક કાકા તેની સાથે લાંબા સમયથી આવું કૃત્ય કરી રહ્યો છે. આ સમગ્ર મામલો સામે આવતા જ સગીરાના પરિવારે તાત્કાલિક મહિલા પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. સગીરાની માતાની ફરિયાદના આધારે પોલીસે નરાધમ કૌટુંબિક કાકા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને મહિલા પોલીસ મથકના પી.આઈ. અને તેમની ટીમે તાત્કાલિક તપાસ કરી આરોપી દેવાભાઈ ઉર્ફે દેવા શામજીભાઈ પરમાર (ઉં.વ. 26)ની ધરપકડ કરી લીધી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે અને સગીરાનું તબીબી પરીક્ષણ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સંબંધોને તાર-તાર કરતી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
