બજરંગવાડીમાં ભાઇએ ઠપકો આપતા બહેને ફિનાઇલ પીધુ
શહેરમાં કાલાવાડ રોડ ઉપર આવેલા આંબેડકરનગરમાં રહેતા યુવાને કામ ધંધો નહીં મળતા ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કાલાવડ રોડ ઉપર આવેલા આંબેડકરનગરમાં રહેતા અશોકભાઈ પ્રેમજીભાઈ પરમાર નામનો 37 વર્ષનો યુવાન રાત્રિના નવ વાગ્યાના અરસામાં ઘર પાસે હતો ત્યારે અનાજમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લીધા હતા યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં અશોક પરમાર કડીયા કામ કરે છે અને તેને બે સંતાનમાં બે પુત્રી છે. કામ ધંધો નહીં ચાલતા અશોક પરમારે ઝેરી ટીકડા ખાઈ લીધા હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં બજરંગવાડી વિસ્તારમાં રહેતી શ્રદ્ધાબેન ભરતભાઈ પંડ્યા નામની 18 વર્ષની યુવતી પોતાના ઘરે હતી ત્યારે પિતાએ બે વાર જમવાનું માંગ્યું હતું. પરંતુ શ્રદ્ધાબેન પંડ્યાએ જમવાનું નહીં આપતા તેના ભાઈએ ઠપકો આપ્યો હતો જેથી ભાઈના ઠપકાથી માઠું લાગી આવતા શ્રદ્ધાબેન પંડ્યાએ ફિનાઈલ પી લીધું હતું યુવતીની તબિયત લથડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
